મ્યુનિસિપલ વહીવટી તંત્રની શરમજનક બાબત, મધ્યઝોન એસ્ટેટ કચેરીમાં વચેટીયા, આર.ટી.આઈ. એકટિવિસ્ટોનું જોવા મળતુ વર્ચસ્વ

અમદાવાદ,રવિવાર,6
ફેબ્રુ,2022
સ્માર્ટસિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોનના એસ્ટેટ-ટી.ડી.ઓ.વિભાગની
શરમજનક બાબત સામે આવવા પામી છે.મધ્યઝોનની મ્યુનિ.કચેરીમાં ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન
આપવામાં આવી રહ્યુ છે.ભાજપના કહેવાતા કાર્યકરો જેમાં ભાજપના જ પૂર્વ ધારાસભ્યના પુત્રથી
લઈ વચેટીયાઓ અને આર.ટી.આઈ.એકિટિવિસ્ટ આ તમામની સાથે મેળાપીપણું કરી મધ્યઝોનમાં ફરજ
બજાવતા વોર્ડ ઈન્સપેકટરથી લઈ ઉચ્ચ અધિકારીઓ સુધીના તમામ ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને
પ્રોત્સાહન આપી નિર્દોષ અને ગરીબ નાગરિકોને અન્યાય કરી રહ્યા હોવાની ફરિયાદ છેક મધ્યઝોનના
ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈ એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન
સુધી ખુદ ભાજપના જ કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી મધ્યઝોન એસ્ટેટના
ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન આપવાની કથિત ભૂમિકા ભજવનારા અધિકારીઓ કે કર્મચારીઓ
સામે શિક્ષાત્મક કાર્યવાહી તંત્ર તરફથી કરવામાં આવી ના હોવાની ચર્ચા મ્યુનિસિપલ કોર્પોરેશન
વર્તુળોમાં સાંભળવા મળી રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ વિસ્તારમાં આવેલી મુખ્ય
કચેરીમાં મધ્યઝોન એસ્ટેટ અનેટાઉન પ્લાનિંગ વિભાગની કચેરી આવેલી છે.આ કચેરીમાં
બપોરના ચાર થી મોડી સાંજ સુધી ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્ર ઉપરાંત ગેરકાયદેસર
બાંધકામને પ્રોત્સાહન આપવામાં ભૂમિકા ભજવનારા વચેટીયાઓ ઉપરાંત
આર.ટી.આઈ.એકિટવિસ્ટોનો જમાવડો જોવા મળતો હોય છે.આ અગાઉ મ્યુનિસિપલ કમિશનર દ્વારા
શહેરના તમામ સાત ઝોનમાં આવેલી એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ કચેરીમાં
સી.સી.ટી.વી.કેમેરા લગાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.પરંતુ કમિશનરના આદેશને ઘોળીને
પી ગયેલા મધ્યઝોન એસ્ટેટ વિભાગના અધિકારીઓએ મધ્યઝોન કચેરીમાં સી.સી.ટી.વી.કેમેરા
લગાવવા દીધા નથી.
બીજી તરફ એક વર્ષ અગાઉ યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની
ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવેલા ખાડિયા વોર્ડના કોર્પોરેટરો પણ મધ્યઝોન
એસ્ટેટ કચેરીની હાલત જોઈ દંગ રહી ગયા છે.મધ્યઝોન એસ્ટેટની કચેરીમાં જ બેઠાબેઠા
ભાજપના કહેવાતા કાર્યકરો અને આર.ટી.આઈ.એકિટવિસ્ટ વોર્ડ ઈન્સપેકટર અને અન્ય ઉચ્ચ
અધિકારીઓ સામે બેસી અને આર.ટી.આઈ.કરવા ઉપરાંત કયા ગેરકાયદેસર બાંધકામ તોડવા અને
કયા ગેરકાયદેસર બાંધકામ ના તોડવા વગેરે બાબતોની વોર્ડ ઈન્સપેકટરથી લઈ અન્ય ઉચ્ચ
અધિકારીઓને ધમકી આપવા સુધીની હિંમત કરે છે અને એ પ્રમાણે મધ્યઝોનના એસ્ટેટ વિભાગના
વોર્ડ ઈન્સપેકટરથી લઈ આસીસ્ટન્ટ ટી.ડી.ઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ કામગીરી પણ કરતા
હોવાનું ભાજપના જ કોર્પોરેટરોએ નામ ના આપવાની શરતે એક વાતચીતમાં કહ્યુ છે.
જયારે ખાડિયાના કોર્પોરેટરનેે પુછવામાં આવ્યુ કે,તમે આ બાબતમાં
કોની-કોની સમક્ષ રજૂઆત કરી છે?
એના જવાબમાં તેમણે કહ્યુ,મધ્યઝોનના
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન સુધી અમે આ મામલે
રજૂઆત કરી છે અને કહ્યુ,સાહેબ આ
બધુ બંધ કરાવો.આ કહેવાતા ભાજપના કાર્યકરો,ધારાસભ્યના
પુત્ર,વચેટીયાઓ
અને આર.ટી.આઈ.એકિટવિસ્ટોના કારણે મધ્યઝોનમાં હેરીટેજ મકાનો તુટી રહ્યા છે.સામે
પક્ષે ગરીબ પરિવારોને મધ્યઝોનના એસ્ટેટ વિભાગના વોર્ડ ઈન્સપેકટરથી લઈ આસીસ્ટન્ટ
ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર સુધીના તમામ અન્યાય કરે છે.આ
સત્તાધારી પક્ષ તરીકે આપણા ભાજપ માટે શરમજનક બાબત કહેવાય.આ તમામ સામે શિક્ષાત્મક
કાર્યવાહી કરો.અમારી આ રજૂઆત પછી પણ ના તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે ના તો
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.અમારે લોકો
વચ્ચે જવાનુ હોય છે.આમ ને આમ જો તંત્ર ચાલશે તો જુનુ અમદાવાદ શહેર નામશેષ બની જશે.
હેરીટેજ રહેણાંકો બચાવવામાં હેરીટેજ વિભાગને જ રસ નથી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરીટેજ મકાનો બચાવવા માટે હેરીટેજ ટ્રસ્ટ બનાવવામાં આવ્યુ છે.આ ટ્રસ્ટમાં ફરજ બજાવતા અધિકારીઓને દર મહિને મોટા પગાર સાથે અન્ય ભથ્થા અને સુવિધાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પુરી પાડવામાં આવી રહી છે.આમ છતાં મોટો પગાર સહિતની સુવિધા ભોગવતા હેરીટેજ વિભાગના અધિકારીઓને જ વૈશ્વિક હેરીટેજ શહેરનો દરજજો મેળવનારા અમદાવાદ શહેરના હેરીટેજને જાળવવામાં કોઈ રસ દેખાતો નથી.એક વર્ષ અગાઉ જયાં હેરીટેજ વિભાગના ઉચ્ચ અધિકારી જાતે સ્થળ તપાસ કરી આવ્યા હતા એ મકાન ઉપર હજુ સુધી હેરીટેજનું પાંચ કે દસ રુપિયામાં તૈયાર કરી સ્ટીકર લગાવી શકાય એવુ સ્ટીકર પણ લગાવવામાં હેરીટેજ વિભાગના અધિકારી નિષ્ફળ સાબિત થયા છે.શહેરની પોળોમાં હેરીટેજ વિભાગની નજર સામે રહેણાંક હેરીટેજ મકાનો તુટીને કોમર્શિયલ કોમ્પલેકસ બની રહ્યા હોવાથી પોળોમાં રહેવાવાળા રહીશો પણ હવે આ મકાનો તુટવા પાછળ એસ્ટેટ વિભાગ ઉપરાંત હેરીટેજ વિભાગના અધિકારીઓની પણ સાંઠગાંઠ હોવાની ખુલ્લા મનથી ચર્ચા કરી રહ્યા છે.




