Gujarat

સ્માર્ટસિટી વહીવટીતંત્રની ગંભીર બેદરકારી, અસારવા સ્લમ રિડેવલપમેન્ટ યોજના મામલે સત્તાધારી પક્ષ ભીંસમાં મુકાયો

By GS Team
24 Feb 20222 mins read
This article was originally published on 24 Feb 2022
સ્માર્ટસિટી વહીવટીતંત્રની ગંભીર બેદરકારી, અસારવા સ્લમ રિડેવલપમેન્ટ યોજના મામલે સત્તાધારી પક્ષ ભીંસમાં મુકાયો

અમદાવાદ,ગુરુવાર,24 ફેબ્રુ,2022

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા પતરાવાળા સ્લમ કવાટર્સ રિડેવલપમેન્ટ યોજના મામલે મ્યુનિ.ના હાઉસીંગ પ્રોજેકટના સંબંધિત અધિકારીએ કરેલા ખુલાસાથી સત્તાધારી ભાજપ ભીંસમાં મુકાઈ ગયો છે.મ્યુનિ.ના અધિકારીએ આ પ્રોજેકટ હેઠળ ૫૭૬ આવાસ ૪૭૩.૯૨ કરોડના ખર્ચથી તૈયાર કરાશે એવી અખબારી યાદી પ્રસિધ્ધ કર્યા બાદ ગંભીર ભૂલ થઈ હોવાનું ધ્યાનમાં આવતા ગણતરીની મિનીટો બાદ ૫૭૬ આવાસના રિડેવલપમેન્ટ પ્રોજેકટ પાછળ ૪૭.૯૨ કરોડનો ખર્ચ થશે એ પ્રકારની યાદી પ્રસિધ્ધ કરાતા મ્યુનિ.વહીવટી તંત્રમાં ચાલતી બેદરકારી છતી થવા પામી હતી.

રિડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસીંગ સ્કીમ-૨૦૧૬ અંતર્ગત અસારવા વિસ્તારમાં આવેલા ૪૦ વર્ષ જુના સ્લમ કવાટર્સ ના રિડેવલપમેન્ટ માટે મંજુરી માંગતી દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ મંજુરી માટે મુકવામાં આવતા મ્યુનિસિપલ વિપક્ષનેતા શહેજાદખાન પઠાણ દ્વારા આ યોજના હેઠળ ડેવલપરને આપવામાં આવનારા ટી.ડી.આર.ને લઈ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.દરમ્યાન સ્ટેન્ડીંગ કમિટીમાં આ દરખાસ્તને મંજુરી આપવામાં આવ્યા બાદ ચેરમેન હિતેષ બારોટે પ્રતિક્રીયા આપતા કહ્યુ,આ યોજનામાં લાભાર્થીને એક પણ રુપિયાનો ખર્ચ કરવાનો નથી.તંત્ર તરફથી કહેવામાં આવ્યુ કે,આ યોજના માટે જે સમયે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજુરી આપવામાં આવી હતી એ સમયે ડેવલપર પાસેથી ૧૦.૯૯ કરોડની રકમ નેગેટીવ પ્રીમીયમ પેટે લેવામાં આવી હતી.નેગેટીવ પ્રીમયમ કયા કારણથી અને શા માટે લેવામાં આવ્યુ હતુ એ અંગે શાસકપક્ષના હોદ્દેદારો કોઈ સંતોષકારક જવાબ આપી શકયા નહોતા.

દરમ્યાન ગુરુવારે મ્યુનિસિપલ વહીવટીતંત્ર તરફથી બે અલગ અલગ અખબારી જારી કરાઈ હતી.પહેલી યાદીમાં ૫૭૬ આવાસ ૪૭૩.૯૨ કરોડમાં તૈયાર થશે એવો ઉલ્લેખ કરવાની સાથે પોલીસીની જોગવાઈ મુજબ ૨૫.૮૩ કરોડના ટી.ડી.આર.સાથે અંદાજીત ૩૯૨૯ ચોરસમીટર  જમીન ડેવલપરને મળશે એમ જણાવાયુ હતું.સાથે જ ૫૭૬ આવાસ ૨૦૧થી ૨૩૦ કરોડની કીંમતમાં તૈયાર થશે એથી મ્યુનિ.ને કોઈ આર્થિક નુકસાન નહીં એમ કહેવામાં આવ્યુ હતુ.બાદમાં નવી અખબારી યાદીમાં ટોટલ પ્રોજેકટ કોસ્ટ ૪૭.૯૨ કરોડ હોવાનો ઉલ્લેખ કરવામાં આવતા શાસકપક્ષના હોદ્દેદારો ભીંસમાં મુકાઈ ગયા હતા.

કયા ડેવલપરને કેટલો ટી.ડી.આર.અપાયો એ બાબતથી સત્તાધીશો અજાણ

અસારવા વિસ્તારમાં આવેલા પતરાવાળા સ્લમ કવાટર્સનીર્ડેવલપમેન્ટ યોજના મામલે જાગેલા વિવાદને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનની હાઉસીંગ એન્ડ ઈમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેન અશ્વિન પેથાણીને અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં કયા ડેવલપરને કયા વિસ્તારમાં કઈ હાઉસીંગ રિડેવપમેન્ટ સ્કીમ અંતર્ગત કેટલી રકમનો ટી.ડી.આર.આપવામાં આવ્યો અને ડેવલપરને મળેલા ટી.ડી.આર.નો કયા વિસ્તારમાં ઉપયોગ કરવામાં આવ્યો? એ અંગેની વિગત આપવાનું કહેતા તેમણે કહ્યુ,હાલ મારી પાસે આવી કોઈ વિગત નથી મેળવીને બાદમાં આપીશ.