Gujarat

વડોદરા: વડુ ખાતે બે ભાઇઓના મકાનો સહિત ત્રણ મકાનમાં ચોરી: 11.30 લાખની ચોરી

By GS Team
22 Mar 20222 mins read
This article was originally published on 22 Mar 2022
વડોદરા: વડુ ખાતે બે ભાઇઓના મકાનો સહિત ત્રણ મકાનમાં ચોરી: 11.30 લાખની ચોરી

વડોદરા,તા.22 માર્ચ 2021,મંગળવાર 

વડોદરા જિલ્લા પાદરા તાલુકાના વડુ પોલીસ મથકની હદમાં આવેલા ડબકા અને સોમજીપુરા ગામમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. અને બે ભાઇઓના મકાનો સહિત ત્રણ મકાનોમાંથી રોકડ સહિત રૂપિયા 11.30 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આ બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બંને ગામમાં દોડી ગયા હતા.

વડુ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ડબકા ગામના ઘનશ્યામપુરામાં અરવિંદભાઇ અમરસંગ ચાવડા પરિવાર સાથે રહે છે. તેઓ ખેતી કરવા સાથે રસોઇનું પણ કામ કરે છે. મોડી રાત્રે તસ્કરો તેમના ઘરમાં ત્રાટક્યા હતા. અને રોકડ રૂપિયા 1.46 લાખ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રૂપિયા 4,03,300નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. અરવિંદભાઇ ચાવડા રોકડ રકમ ટ્રેક્ટરનો હપ્તો ભરવા માટે લાવ્યા હતા. જે રકમ તસ્કરો ચોરી કરી ગયા હતા. ડબકા ગામમાં અરવિંદભાઇના ઘરમાંથી લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી જનાર તસ્કર ટોળકી દોઢ કિલો મીટર દૂર ડબકા ગામની બાજુમાં આવેલા સોમજીપુરા ગામમાં ત્રાટકી હતી.

વડુ પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે સોમજીપુરા ગામમાં કમલેશભાઇ સુખાભાઇ પઢીયાર અને પ્રવિણભાઇ સુખાભાઇ પઢીયાર પોતાના પરિવાર સાથે રહે છે. બંને ભાઇઓના આજુબાજુમાં મકાનો આવેલા છે. પઢીયાર પરિવારમાં ચૌલક્રિયાનો પ્રસંગ હતો. આથી ઘરમાં સોના-ચાંદીના ઘરમાં હતા. ઉપરાંત કમલેશભાઇ પઢીયાર લેબર કોન્ટ્રાક્ટનું કામ કરતા હોવાથી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે પગાર લાવવા માટે રોકડ રૂપિયા 3,81,600 રોકડ મળી બંને ભાઇઓના ઘરમાંથી રૂપિયા 7,30,100 નો મુદ્દામાલ તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સવારે ચોરીના બનાવની જાણ વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતાં ચકચાર મચી ગઇ હતી. તે સાથે આ બનાવની જાણ વડુ પોલીસને થતાં પી.આઈ આર.કે રાઠવા સહિત પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે તસ્કરોનું પગેરું શોધવા માટે તપાસ કરતા નજીકના ખેતરમાંથી સોનાના દાગીનાની ખાલી બોક્સ તેમજ અન્ય સામાન મળી આવ્યો હતો. જે પોલીસે પુરાવાના ભાગરૂપે કબજે કર્યા હતા. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગસ્ક્વોડ તેમજ ફીંગર પ્રિન્ટ નિષ્ણાતોની પણ મદદ લીધી હતી.