Gujarat

ગુજરાતના 14,500 કિ.મી.ના માર્ગોની મરામત ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરાશે

By GS Team
17 Feb 20222 mins read
This article was originally published on 17 Feb 2022
ગુજરાતના 14,500 કિ.મી.ના માર્ગોની મરામત ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરાશે

ખેલમહાકુંભ યોજાશે, ખેડૂતો પાસેથી ચણા-તુવેરની ખરીદી કરાશે

વિધાનસભામાં પસાર કરાયેલા કાયદાના નિયમો ઝડપી બનાવવા વિભાગોને સૂચના: કેબિનેટમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયો

ગાંધીનગર : ગુજરાતના 14500 કિલોમીટરની લંબાઇના માર્ગોેનું મરામત કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત વિધાનસભામાં જે કાયદા પસાર થાય તેના નિયમોમાં ઝડપ લાવવા તેમજ ખેડૂતો પાસેથી ચણા અને તુવેરની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં ખેલમહાકુંભ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં સરકારે 90 દિવસની અંદર ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે અને અત્યાર સુધીમાં 2.52 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે રાજ્યના 12000 કિલોમીટરના માર્ગોના રિસરફેસના તેમજ 2500 કિલોમીટરના નવા માર્ગો મળીને કુલ 14500 કિલોમીટરની લંબાઇના માર્ગોનું નવીનીકરણ ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા સૌરાષ્ટ્ર-તારાપુર માર્ગનું કામ પૂર્ણ થયું છે જેનું લોકાર્પણ ઝડપથી કરાશે.

એ ઉપરાંત તારાપુર બગોદરા ફેઝ-2ના કામો માટે 650 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ફરીથી જળસંચયના કામો શરૂ કરવામાં આવશે, જેના પરિણામે પાણીની સુવિધા વધશે અને તળાવોમાંથી નિકળતી માટે ખેડૂતોને વિનામૂલ્યે અપાશે. સરકારે વિવિધ સરકારી યોજનાઓના લાભ લેવા માટે લાભાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવતી એફિડેવિટમાંથી મુક્તિ આપવામાં આવી છે.

વિધાનસભામાં સમયાંતરે નવા એક્ટ પસાર કરવામાં આવે છે ત્યારે તેના નિયમોમાં ઝડપ આવે તે માટે મુખ્યમંત્રીએ રાજ્યના વિભાગોના અધિકારીઓની સૂચના આપી છે. માર્ચ-2022માં ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થાય છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય દ્વારા ચાલતી યોજનાઓ ઝડપથી પૂર્ણ થાય અને ગ્રાન્ટ વપરાય તે માટે આદેશ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ફરી એકવાર ખેલમહાકુંભ શરૂ કરવામાં આવી રહ્યો છે. 17મી ફેબુ્રઆરીએ અમદાવાદમાં નોંધણી માટે કર્ટેન રેઇઝર પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જેનું 9000 ગામોમાં જીવંત પ્રસારણ કરાશે. રાજ્યભરમાંથી અંદાજે 45 લાખ ખેલાડીઓ આ વખતે ચાર કેટેગરીમાં ભાગ લેશે.