Gujarat

સી.એ ફાઇનલની પરીક્ષામાં સુરતની રાધિકા બેરીવાલ દેશમાં પ્રથમ ક્રમે

By GS Team
11 Feb 20222 mins read
This article was originally published on 11 Feb 2022
સી.એ ફાઇનલની પરીક્ષામાં સુરતની રાધિકા બેરીવાલ દેશમાં પ્રથમ ક્રમે

ઓનલાઇન સ્ટડીમાં અભ્યાસનો વધુ સમય મળ્યો

IIMમાંથી એમબીએ કરવું છે : સુરતના 20 વર્ષના ઇતિહાસમાં કોઇ વિદ્યાર્થીએ 800માંથી 640 માર્કસ મેળવ્યા નથી

સુરત : સી.એ ફાઇનલના આજે જાહેર થયેલા રિઝલ્ટમાં સુરતની વિદ્યાર્થિની રાધિકા બેરીવાલે 800 માંથી 640 માર્કસ મેળવીને દેશભરમાં પ્રથમ રેન્ક સાથે ઉર્તીણ થઇને સુરતનું નામ રોશન કર્યુ છે. છેલ્લા 20 વર્ષમાં સુરતમાં કોઇ વિદ્યાર્થીએ આટલા માર્કસ મેળવ્યા નથી.

રાધિકાએ સી.એ ફાઇનલ (નવા અભ્યાસક્રમ)માં 800 માંથી 640 જે માર્કસ મેળવ્યા છે અને આ એક રેકોર્ડ છે. રાધિકાએ 2018માં ઇન્ટરમીડીયેડની પરીક્ષામાં પણ બીજો રેન્ક હાંસલ કર્યો હતો. પત્રકારો સાથે વાતચિતમાં રાધિકાએ કહ્યં કે, ઇન્ટરમીડિએટમાં બીજો રેન્ક આવ્યા બાદ મહેનત ચાલુ રાખી હતી.

કોરોનાકાળમાં દોઢ વર્ષ ઓફલાઇન અભ્યાસ કર્યો તેમાં મોટાભાગનો કોર્સ પુર્ણ કરી દીધો હતો. ત્યારબાદ દોઢ વર્ષ ઓનલાઇન અભ્યાસ કર્યો તેમાં ઘરે રહેવાથી અભ્યાસ માટે વધુ સમય મળ્યો હતો. ફ્રેન્ડસ સાથે ચર્ચા કરીને અભ્યાસના પ્રશ્નો સોલ્વ કરવાનું ગમે છે. હવે આઇઆઇએમમાં એમ.બી.એનો અભ્યાસ કરવો છે.

રાધિકા મુળ રાજસ્થાનની વતની છે. પરંતુ પરિવારજનો વર્ષોથી સુરતમાં સ્થાયી થયા હોવાથી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, ડિગ્રી અને સી.એનો અભ્યાસ પણ સુરતથી જ કર્યો છે.

હાલ લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે રાજસ્થાન ગયેલી છે. આઇસીએમઆઇના પ્રેસિડન્ટ નિહાર જંબુસરીયાએ સૌપ્રથમ તેને કોલ કરીને અભિનંદન આપ્યા હતા. સમગ્ર દેશમા રાધિકા પ્રથમ આવ્યાની જાણ થતા રાધિકા સહિત પરિવાર અને સબંધીઓ ભાવવિભોર થઇ ગયા હતા.