Gujarat

દસક્રોઇના અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, લોકો ત્રસ્ત

By GS Team
24 Feb 20221 min read
This article was originally published on 24 Feb 2022
દસક્રોઇના અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, લોકો ત્રસ્ત

અમદાવાદ,તા.24 ફેબ્રુઆરી 2022, ગુરૂવાર

અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના અનેક ગામોમાં ગુરૂવારે સાંજે વીજ પુરવઠો ખોરવાઇ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. દસક્રોઇના  હાથીજણ,વિવેકાનંદનગર, વિનોબાભાવે નગર સહિતના આજુબાજુના ગામોમાં મોડી સાંજે પંદર મિનિટ માટે બે વખત એટલેકે અડધો કલાક સુધી વીજળી ડૂલ રહી હતી. 

તાલુકાના અનેક ગામોના રહીશોની ફરિયાદ હતી કે ગુરૂવારે દસક્રોઇના ગેરતપુર, વાંચ, ગતરાળ, ધામતવણ, બાકરોલ, બીબીપુરા, દેવડી, સિંગરવા સહિતના ગામોમાં પણ સાંજે વીજપુરવઠો અચાનક ખોરવાયો હતો.

આ મામલે યુજીવીસીએલમાં પણ ગ્રામજનોએ ફરિયાદો કરી હતી. ઉનાળાની શરૂઆતના તબક્કામાં જ આવી રીતે વીજ કાપ આવી પડતા ગ્રામજનો માટે મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. સાંજે વાળુ ટાણે વીજળી જતી રહેવી, બપોરે ધગધગતી ગરમીમં વીજ પુરવઠો ખોરવાવો, રાત્રે ઘરમાં બાફ વચ્ચે વીજળી જતી રહેવી વગેરે સમસ્યાઓ આ ગ્રામજનો ભૂતકાળમાં વેઠી ચૂક્યા છે.

હવે આવી રીતે ફરીથી ઉનાળાની શરૂઆતમાં જ વીજ કાપના ધાંધિયા સર્જાતા લોકો પરેશાન થઇ ગયા છે. લગ્નગાળો, માતાજીનો માંડવો, વિદ્યાર્થીઓની પરીક્ષા સહિતના અવરસોમાં વીજ પુરવઠો જતો રહેવાની સ્થિતિમાં લોકોની હાલાકી વધી જતી હોય છે.

કઠવાડા ગામે તો દર મંગળવારે મરામતના નામે વીજકાપ મૂકી દેવામાં આવતો હોય છે. હુડકો સહિતના વિસ્તારના લોકો આખો દિવસ ગરમીમાં શેકાતા હોય છે. સવારે ૧૧ વાગ્યાથી લઇને સાંજના પાંચેક વાગ્યા સુધી વીજકાપ જોવા મળતો હોય છે. આ તાલુકામાં સર્જાયેલી વીજ કાપની સ્થિતિ લોકો માટે મોટી સમસ્યા બની રહી છે.