Gujarat

મોબાઈલ ફોનથી પોલીસનું વાહનચેકિંગ વારંવાર એન્ટ્રીથી વાહનચાલકો પરેશાન

By GS Team
21 Feb 20225 mins read
This article was originally published on 21 Feb 2022
મોબાઈલ ફોનથી પોલીસનું વાહનચેકિંગ વારંવાર એન્ટ્રીથી વાહનચાલકો પરેશાન

સોફ્ટવેરની સમસ્યાથી ડેટા અપલોડ ન થતાં પોલીસ પણ હેરાન

વાહનચાલકના ફોટોગ્રાફ, લાઈસન્સ અને રૂટ સહિતની તરકસ એપ્લિકેશનથી એન્ટ્રીથી આધુનિક ડેટાબેન્ક બનશે

અમદાવાદ : છેલ્લા એકાદ મહિનાથી અમદાવાદના રસ્તાઓ ઉપર વાહનચેકીંગ કરવા ઉભી રહેતી પોલીસ વાહન અટકાવીને વ્હીકલ નંબર, વાહનચાલકના લાઈસન્સની વિગતો ઉપરાંત ફોટોગ્રાફ પાડીને તેની એન્ટ્રી મોબાઈલ ફોનમાં જ કરે છે.

અમદાવાદ પોલીસે વિકસાવેલી તરકસ એપ્લિકેશનથી અમદાવાદ શહેરમાં અંદાજે 50 લાખ વાહનો અને  એક કરોડથી વધુ વ્હીકલ લાઈસન્સધારકો છે તેની ડેટાબેન્ક નવી સિસ્ટમથી ઉભી કરવામાં આવી રહી છે.

જો કે, અતિ આધુનિક પધ્ધતિથી મોબાઈલ ફોનથી વાહનચેકીંગ દરમિયાન ડેટા સર્વરમાં યોગ્ય રીતે અપલોડ થતો નથી. શહેરમાં વાહનચાલકોની વારંવાર એન્ટ્રી થતી હોવાથી પોલીસ અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યાં છે. જો કે, ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, એપ્લિકેશન ગુનાખોરી ઉકેલવામાં મદદરૂપ છે.

વાહન અને વાહનચાલકનો ડેટા એક વખત એપ્લિકેશનમાં અપલોડ થઈ જાય પછી એ જ વાહનચાલક કે વાહનને બીજી વખત ચેકીંગમાં ઉભું રખાય તો ડેટા સીધો જ જોવા મળે છે. વાસ્તવિકતા એ છે કે, અનેક વાહનોનો ડેટા અપલોડ ન થતાં વાહનચેકીંગમાં એક જ વાહનના વારંવાર ડેટા ઉમેરી પોલીસ અને એક દિવસમાં બે-ત્રણ ચેકીંગથી અમુક વાહનચાલકો પરેશાન થાય છે.

પોલીસ અિધકારી સૂત્રોએ જણાવ્યું કે, પોલીસ હવે કાગળના બદલે મોબાઈલ ફોન ઉપર વાહનચેકીંગ કરી રહી છે. આ કારણે તમામ પોલીસ કર્મચારીઓએ તેમના મોબાઈલ ફોનમાં તરકસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સુચના અપાઈ છે. આધુનિક પધૃધતિથી વાહનચાલકોનો ડેટાબેઝ પણ પોલીસની તરકસ એપ્લિકેશન થકી એકત્ર થઈ રહ્યો છે.

એક જ વાહનને અમુક દિવસોએ બીજી વખત ચેકીંગ થાય તેવું બની શકે છે. એપ્લિકેશનમાં ડુપ્લિકેશન ન થાય તે માટે સુધારો આવશે કે એપ્લિકેશનમાં એકને એક ડેટા વારંવાર રજીસ્ટર ન થાય. વ્હીકલ નંબર, નામ કે લાઈસન્સ નંબર એન્ટર કરતાં જ અગાઉ નોંધણી થઈ ચૂકી હોવાનું જે - તે પોલીસ કર્મચારીના મોબાઈલ ફોન ઉપર દેખાય તે જરૂરી છે.  

સૂત્રો કહે છે કે, તરકસ એપ્લિકેશનથી વાહન ચેકીંગ કરવાના અનેક ફાયદા છે. આ પ્રકારે એકત્ર કરવામાં આવતો ડેટા ગુનાનો ઉકેલ લાવવામાં કામ લાગી શકે છે. વ્યક્તિ કયા રૂટ ઉપર જાય છે તેની વિગતો કોઈ ગુનાખોરીનો બનાવ બને ત્યારે ઉપયોગી થઈ શકે છે. આ એપ્લિકેશનમાં નોંધ થઈ હોય તો શકમંદ વ્યક્તિ ક્યારે ક્યાં હતો તેની જાણકારી તપાસ અિધકારીને ઉપયોગી નિવડી શકે છે.

નોંધપાત્ર બાબત એ છે કે, તરકસ એપ્લિકેશનમાં લોડ કરવામાં આવતો ડેટાનો ઉપયોગ પી.આઈ. કક્ષાના અિધકારી જ કરી શકે છે. ચોરાઉ વાહનની તરત જ ખબર પડી જાય જો ફરિયાદ નોંધાયેલી હોય તો. ઉચ્ચ અિધકારી સૂત્રોનું કહેવું છે કે, તરકસ એપ્લિકેશન થકી પોલીસની કામગીરી પર પણ નજર રહે છે. પોલીસે કેટલા વાહનો ચેક કર્યા, શું કામગીરી કરે છે તેના ડેટા પણ મળી રહે છે.

સૌથી વધુ કામ કરનાર પોલીસ સ્ટેશનની વિગત મળેછે તો અધૂરી કે અપૂરતી કામગીરી કરતા પોલીસ સ્ટેશનની વિગતો પણ મળી જાય થે. પોલીસ સ્ટેશનોના દ્વારા કામગીરીના રિપોર્ટ મોકલીને કરવામાં દાવા ઉપર તરકસથી સીધું જ સુપરવિઝન થઈ શકે છે. બીજી તરફ, તરકસ એપ્લિકેશન ગુનેગારો અને ગુનાખોરીને અંકુશમાં રાખશે.

કોઈ ક્રિમિનલ હોય અને રસ્તા પરથી નીકળે અને તપાસ દરમિયાન તેની સામેના ગુનાની માહિતી હોય તો ડેટા રેકોર્ડમાં તરત જ પકડાઈ જાય છે. કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે ક્રાઈમ કરે અને ડેટાબેઝ હોય તો તરત જ ફોટોગ્રાફ અને વિગતો મળી જાય છે. એક મહિનાથી એક્ટિવ આ એપ્લિકેશનથી ક્રિમિનલ્સની અવરજવર પર કાબુ મળશે તેવી આશા છે.

આ એપ્લિકેશનનો ઉદ્દેશ્ય ગુનેગારોની અવરજવર ઉપર અંકુશ આવી શકે તેવો છે. પોલીસ દ્વારા આધુનિક પધૃધતિએ કરવામાં આવતું વાહનચેકીંગ લોકોના હિતમાં અને ઝડપી છે. ગુનાખોરી પર અંકુશની કાર્યવાહી કરતા ઉચ્ચ અિધકારીએ જણાવ્યું કે, એક વખત કોઈ વાહનચાલક કે વાહનનો ડેટા તરકસ એપ્લિકેશનમાં લોડ થઈ જાય તો બીજી વખત તેની એન્ટ્રી કરવાની જરૂર રહેતી નથી.

શક્ય છે કે, એક જ વાહનનું ચેકિંગ દિવસમાં બે-ત્રણ વખત અલગ અલગ જગ્યાએ થયું હોય. એક જ વાહન અનેક જગ્યાએ ચેક થાય તો સિસ્ટમ બતાવે છે તે સારી બાબત છે. જો વાહનચાલકના ફોટોગ્રાફ્સ વારંવાર લેવામાં આવતા હોય તો ઓવરલેપિંગ થાય તેવું બની શકે છે. આ બાબતે કોઈ સુધારા આવશ્યક હોય તો કરવામાં આવશે. જો કે, જો કોઈ એક જ વાહનમાં અલગ વ્યક્તિ, લાઈસન્સ અલગ હોય તો એ લોડ થઈ શકે છે.

ડ્રાઈવર અને વાહન એક જ હોય તો જરૂર નથી. એ જ રીતે એક જ વ્યક્તિ અલગ અલગ વાહનનો ઉપયોગ કરે તો તેના ફોટોગ્રાફ બીજી વખત લેવાય એવું બની શકે છે. તરકસ હેન્ડી એપ્લિકેશન છે. રિપીટેશન થતું હોવા અંગે ચર્ચા કરીને લોકોની સરળતા અને સુવિધા વધે તે માટે પ્રયાસ કરાશે તેવી ખાતરી ઉચ્ચ અિધકારીઓ આપી રહ્યાં છે.

મહિલા શિક્ષિકા એક જ દિવસમાં ત્રણ વખત ચેકિંગથી પરેશાન: 4 દિવસે ડેટા અપલોડ ન થયો

ડેટાબેન્ક એકત્ર કરવા સાથે વાહનચેકીંગની પોલીસની આધુનિક પધ્ધતિ મોટાભાગના વાહનચાલકોને સરળ લાગી રહી છે. પરંતુ, અમુક કિસ્સામાં એક જ સમયે શહેરભરમાં વાહનચેકીંગ દરમિયાન પરેશાની સર્જાતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે.

રાયખડ વિસ્તારથી નવરંગપુરામાં આવેલી સ્કૂલે જવા નીકળેલા મહિલા શિક્ષિકાને એક જ દિવસમાં ત્રણ વખત વાહનચેકીંગ કરવાથી અકળામણ થઈ હતી. આગળ વાહનચેકીંગ કર્યું પછી લાઈસન્સ, ફોટોગ્રાફ લેવા સહિતની કામગીરી શા માટે? તેવા સવાલનો પોલીસ પાસે પણ જવાબ નહોતો.

બીજા કિસ્સામાં ગત બુધવારે પાલડી વિસ્તારમાં વાહનચેકીંગમાં ડેટા એન્ટર થયા પછી શનિવારે નવરંગપુરા વિસ્તારમાં એક જ વાહનચાલકનો ડેટા અપલોડ થયેલો જોવા મળ્યો નહોતો. વાહનચાલક ક્યાંથી નીકળ્યા અને ક્યાં જઈ રહ્યાં છે તે તમામ વિગતો આ એપ્લિકેશનમાં નોંધવામાં આવે છે.

RTOમાંથી વાહનોનો ડેટા પોલીસ માટે ઉપલબ્ધ છે તો અલગ ડેટાબેન્કનો હેતુ શું? લોકોમાં સવાલ 

અમદાવાદ શહેરના વાહનો અંગેની ડેટાબેન્ક આરટીઓમાં ઉપલબ્ધ હોય જ છે. આરટીઓની વેબસાઈટનો એક્સેસ પોલીસ તંત્રને અપાયેલો છે અને ગમે તે ઘડીએ વાહનના નંબર આધારે તમામ વાહનની વિગતો પોલીસ જે-તે ઘડીએ મેળવી શકે છે. આમ છતાં, તરકસ એપ્લિકેશન મારફતે પોલીસ અલગ ડેટા બેન્ક શા માટે બનાવી રહી છે?

નાગરિકોના ફોટોગ્રાફ્સ વારંવાર લેવામાં આવી રહ્યાં છે તે પાછળનો હેતુ શું? આવા સવાલનો જવાબ પોલીસ અધિકારીઓ પાસે નથી. એકંદર, મોબાઈલ ફોન પર એન્ટ્રી કરીને વાહનચેકીંગની નવી પધ્ધતિથી લોકોને કચવાટ છે. જો કે, પોલીસ અધિકારીઓ કહે છે કે, લોકઉપયોગી નવી સિસ્ટમ સેટ થતાં થોડો સમય લાગે છે.