Gujarat

માસ્ક પહેરવા, ભીડથી દુર રહેવા, રસી લેવાની અપીલ કરવા પોલીસ વાનો દોડી

By GS Team
2 Jan 20222 mins read
This article was originally published on 2 Jan 2022
માસ્ક પહેરવા, ભીડથી દુર રહેવા, રસી લેવાની અપીલ કરવા  પોલીસ વાનો દોડી

અમદાવાદ,તા.02 જાન્યુઆરી 2022,રવિવાર

અમદાવાદમાં કોરોનાના કેસ રોજના ૫૦૦ને પાર પહોંચી ગયા છે. ત્યારે લોકોને જાગૃત કરવા, કોરોનાની રસી લઇ લેવા અને ભીડભાડથી દુર રહેવા માટે અપીલ કરવા માટે શહેર પોલીસ મેદાનમાં ઉતરી છે. ખોખરા, ઓઢવ, રખિયાલ સહિતના વિસ્તારોમાં પોલીસની પેટ્રોલિન વાન દ્વારા લાઉડ સ્પીકરથી જાહેર અપીલ કરાઇ રહી છે. પૂર્વના લગભગ તમામ વિસ્તારોમાં પોલીસે જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. કોરોના અને ઓમિક્રોન બંનેનું સંક્રમણ વધ્યું છે, બીજી તરફ લોકો ગંભીરતા દાખવી રહ્યા નથી. માસ્ક પહેરતા નથી, ભીડભાડવાળી જગ્યામાં જવાનું ટાળતા નથી, સેનેટાઇઝરને તો ભૂલી જ ગયા છે. કેટલાક લોકો રસી લેવાનું ટાળી રહ્યા છે. આ સ્થિતિ કોરોનાને મોકળું મેદાન પુરૂ પાડી રહ્યું છે.

કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે બાળકોનું રસીકરણ પણ આરંભી દેવાયું છે. વિવિધ સ્તરે પ્રતિબંધો મુકવા, જાગડતિ ફેલાવવા સહિતની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં હવે શહેર પોલીસ પણ જોડાઇ ગઇ છે.

આ અંગે ખોખરા પોલીસ મથકના પીએસઆઇ આર.એન.ચુડાસમાના જણાવ્યા મુજબ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિસમિતિની બેઠકો યોજાઇ રહી છે. કોરોના સંક્રમણ રોકવા માટેના પ્રયાસો ચાલુ કરી દેવાયા છે. પોલીસના માધ્યમથી પણ લોકોને જાહેર અપીલ કરવામાં આવી રહી છે. પેટ્રોલિંગ વાનના લાઉડસ્પીકર થકી શહેરના બજારોમાં ફરીને લોકોને માસ્ક પહેરાવ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને રસી બાકી હોય તો તાત્કાલિક નજીકના રસીકરણ કેન્દ્રમાંથી રસી લઇ જેવા જણાવવામાં આવી રહ્યું છે.