Gujarat

ગાંધીનગરના GUDA વિસ્તારમાં પ્લોટના તળિયાનો ભાવ 100 કરોડ!

By GS Team
12 Feb 20221 min read
This article was originally published on 12 Feb 2022
ગાંધીનગરના GUDA વિસ્તારમાં પ્લોટના તળિયાનો ભાવ 100 કરોડ!

રિયલ એસ્ટેટને આંચકો લાગે તેવી કિંમત

હરાજીમાં આ ભાવ ક્યાં જઇ અટકશે તે કહેવું મુશ્કેલ : વાણિજ્ય હેતુના આ પ્લોટ ખરીદનારે 1.13 કરોડ તો ડિપોઝીટ ભરવી પડશે

ગાંધીનગર : ગુજરાતના પાટનગરમાં જમીન અને મકાનના ભાવ આસમાનને આંબી રહ્યાં છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે કામ કરતાં બિલ્ડરો અને ડેવલપર્સને આંચકો ત્યારે લાગ્યો, જ્યારે ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ગુડા)એ તેના કોમર્શિયલ પ્લોટના તળીયાની કિંમત 100 કરોડ કરતાં વધારે રાખી છે. હરાજીમાં આ ભાવ ક્યાં જઇ અટકશે તે કહેવું મુશ્કેલ છે.

થોડાં સમય પહેલાં ગાંધીનગરમાં એક પૂર્વ ધારાસભ્યએ તેનો 330 ચોરસમીટરનો રહેણાંકનો રાહતદરનો પ્લોટ ત્રણ કરોડમાં વેચ્યો હતો. આ પ્લોટની કિંમત જાણીને સામાન્ય નાગરિકને આંચકો લાગ્યો હતો, તેવો જ આંચકો હવે આ તળીયાની કિમત જોઇને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કામ કરતા બિલ્ડરોને લાગ્યો છે.

ગાંધીનગર શહેરના 1 થી 30 સેક્ટરો કરતાં પણ ઉંચા ભાવ સરગાસણ અને કુડાસણ વિસ્તારમાં જોવા મળ્યા છે. આ પ્લોટની સાઇઝ 12000 ચોરસમીટર થી 1800 ચોરસમીટરની છે. વાણિજ્યના આ પ્લોટની સાઇઝ મોટી છે તેમ તેના ભાવ પણ ખૂબ ઉંચા ભરવામાં આવ્યા છે.

સરગાસણમાં 9482 ચોરસમીટરના વાણિજ્ય પ્લોટમાં તળીયાની કિંમત પ્રતિ ચોરસ મીટર 1,20,000 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે કુડાસણમાં વાણિજ્ય હેતુના 12573 ચોરસમીટરના પ્લોટની તળીયાની કિંમત પ્રતિ ચોરસમીટર 90,400 રૂપિયા ગણવામાં આવ્યો છે. જ્યારે હરાજીમાં ઉભા રહેનારા બિલ્ડરે આ પ્લોટ માટે 1.13 કરોડની ડિપોઝીટ ભરવી પડશે.