For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાણીની સમસ્યા નિવારવા માટે આયોજન રાસ્કા ખાતે ૧૦૦ એમએલડી ટ્રીટમેન્ટ ક્ષમતાનો પ્લાન્ટ બનાવાશે

પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનની પાણીની જરુરીયાત સંતોષાશે રામોલ-હાથીજણ વોર્ડમાં નવુ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવાશે

Updated: Nov 16th, 2021

Article Content Image

અમદાવાદ,મંગળવાર,16 નવેમ્બર,2021

પૂર્વ અને દક્ષિણ ઝોનમાં આવેલા અનેક વોર્ડ વિસ્તારોમાં ઘણાં લાંબા સમયથી પીવાનું પાણી અપુરતા પ્રેસરથી મળતુ હોવાની વ્યાપક ફરિયાદો તંત્રને મળી રહી છે.ઉપરાંત અનેક વિસ્તારો એવા છે કે જયાં પીવાનુ પાણી પુરુ પાડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેન્કરો મોકલવા પડે છે.આ પરિસ્થિતિના કાયમી નિવારણ માટે રાસ્કા ખાતે ૧૦૦ એમએલડી ક્ષમતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે.આ ઉપરાંત રામોલ-હાથીજણ વોર્ડમાં નવુ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે પાણી સમિતિના ચેરમેન જતીન પટેલે વિગત આપતા કહ્યુ,સોમવારે મળેલી પાણી કમિટીની બેઠકમાં પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનની પાણીની જરુરીયાતને ધ્યાનમાં લઈ રાસ્કા ખાતે ૧૦૦એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના આયોજન ઉપર ચર્ચા હાથ ધરવામાં આવી હતી.આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે જમીન સંપાદનની કાર્યવાહી ચાલી રહી છે.જમીન મળ્યેથી રાસ્કા ખાતે ૧૦૦ એમએલડી ક્ષમતાનો પ્લાન્ટ બનાવવામાં આવશે.

પૂર્વ ઝોનના રામોલ-હાથીજણ વોર્ડમાં જામિયાપીરના ટેકરા વિસ્તારમાં નર્મદાનું શુધ્ધ પાણી પુરુ પાડવા માટે ડ્રાફટ ટી.પી.સ્કીમ. નંબર-૧૨૭, અંતિમ ખંડ નંબર-૧૩૧-૨માં રૃપિયા ૨૩.૬૧ કરોડના ખર્ચે નવુ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવશે.જે માટે રુપિયા ૫.૪૬ કરોડના સિવિલ વર્કના ટેન્ડરને મંજુરી આપવામાં આવી છે.આ કામગીરી પુરી થયા બાદ હાલમાં વપરાશમાં લેવાતા ભૂગર્ભ જળને બંધ કરી નર્મદાનું શુધ્ધ પાણી પુરુ પાડી શકાશે.જેનાથી ૪૫ હજારની વસ્તીને લાભ મળશે.

શહેરમાં આવેલા જુદા-જુદા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનો પૈકી પૂર્વ ઝોનના ગોમતીપુર વોર્ડમાં આવેલા હાથીખાઈ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન અંદાજે ત્રીસ વર્ષથી કાર્યરત છે.જે જર્જરીત થઈ ગયેલ હોવાથી તેમજ તેના કમાન્ડ વિસ્તારમાં પાણીની જરુરીયાત ધ્યાનમાં લઈ હયાત વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનને રૃપિયા ૧૮.૮૯ કરોડના ખર્ચે સંપૂર્ણ નવા પંપ હાઉસ સાથે ચાલુ કરી પાણી વિતરણ વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ના પડે તે રીતે વિસ્તૃતીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

દક્ષિણ અને ઉત્તર ઝોન માટે પણ આયોજન કરાયું

દક્ષિણ ઝોનના ખોખરા વોર્ડમાં આવેલ સિલ્વર કોટન વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે જુના પંપ હાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી ત્રીસ વર્ષથી કાર્યરત છે.જે ટાંકી જર્જરીત થઈ ગયેલ હોવાથી કોઈ અકસ્માત ના થાય અને પાણીનો સપ્લાય જળવાઈ રહે એ માટે રુપિયા ૨.૩૬ કરોડના ખર્ચે રીપેરીંગ કરવામાં આવશે. ઉત્તર ઝોનના સરસપુર વોર્ડમાં આવેલા નૂતન મીલ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે રુપિયા ૨.૬૪ કરોડના ખર્ચે ૧૫ લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી તથા દક્ષિણ ઝોનના મણીનગર વોર્ડમાં આવેલા કન્ટોડીયા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે રુપિયા ૨.૬૦ કરોડના ખર્ચે ૧૫ લાખ લીટરની ક્ષમતાની ઓવરહેડ ટાંકી તથા ફૂટબોલ ગ્રાઉન્ડ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે રુપિયા ૧.૯૦ કરોડના ખર્ચે ૧૦ લાખ લીટરની ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે.

ન્યૂ મણિનગર એરીયામાં પાણીનો બગાડ છતાં તંત્ર બેદરકાર

એક તરફ શહેરમાં પાણીની સમસ્યા હળવી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મળતી પાણી સમિતિની બેઠકમાં નિર્ણય કરવામાં આવે છે.બીજી  તરફ પૂર્વ અમદાવાદમાં આવેલા ન્યૂ મણિનગર એરીયામાં છેલ્લા કેટલાક દિવસોથી સદગુરુ સાનિધ્ય પાસે પાણીનો સતત બગાડ થઈ રહ્યો છે.આ અંગે સ્થાનિકો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજુઆત પણ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

Gujarat