Gujarat

અમદાવાદમાં કોરોનાના નવા ૮૧૯૪ કેસ નોંધાયા,પાંચ સંક્રમિત દર્દીનાં મોત

By GS Team
22 Jan 20223 mins read
This article was originally published on 22 Jan 2022
અમદાવાદમાં કોરોનાના નવા ૮૧૯૪ કેસ નોંધાયા,પાંચ સંક્રમિત દર્દીનાં મોત

અમદાવાદ,શનિવાર,22 જાન્યુ,2022

અમદાવાદ શહેરમાં ૨૧ જાન્યુઆરીની સરખામણીમાં ૨૨ જાન્યુઆરીએ કોરોનાના દૈનિક કેસમાં ૪૩૩ કેસનો ઘટાડો થતા શનિવારે શહેરમાં કોરોનાના નવા ૮૧૯૪ કેસ નોંધાયા હતા.પાંચ સંક્રમિત દર્દીના મોત થયા હતા.શહેરમાં હાલમાં કોરોનાના ૪૩ હજાર એકિટવ કેસ પૈકી ૩૦ હજાર એકિટવ કેસ પશ્ચિમના વિસ્તારોમાં નોંધાયેલા છે.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના ૧૭૨ દર્દી પૈકી ૬૫ દર્દી ઓકિસજન અને આઈસીયુ વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

સતત ચોથા દિવસે પણ અમદાવાદમાં કોરોના સંક્રમણનો કહેર જોવા મળ્યો હતો.શનિવારે ૨૬૩૫ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.૧ ડીસેમ્બરથી ૨૨ જાન્યુઆરી સુધીમાં શહેરમાં કોરોનાના ૯૦૮૬૭ કેસ નોંધાવા પામ્યા હતા.૩૩૯૩૭ દર્દી કોરોના મુકત થયા હતા.આ સમય દરમ્યાન કુલ ૩૮ સંક્રમિત દર્દીના મોત થવા પામ્યા હતા.શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં ૨૦ દર્દીના મોત થવા પામ્યા હતા.શનિવારે મ્યુનિ.તંત્ર તરફથી શહેરના તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી ૫૧૪૧ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ અને ૧૧૩૫૬ લોકોને રસીનો બીજો ડોઝ તથા ૬૨૦૧ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવતા કુલ ૨૨૬૯૮ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.૧૫થી ૧૮ વર્ષની વયના ૨૦૫૫ બાળકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.

શહેરમાં ૧૬૫ એકિટવ માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ પૈકી ૧૧ સ્થળમાંથી નિયંત્રણ દુર કરાયા બાદ શનિવારે વધુ ૨૭ સ્થળ કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.૧૨ સ્થળ દક્ષિણ-પશ્ચિમ ઝોનના ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાર અને પશ્ચિમ ઝોનના બે મળી  પશ્ચિમ વિસ્તારના ત્રણ ઝોનના ૧૮ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા હતા.દક્ષિણ ઝોનના સાત સ્થળ તથા ઉત્તર અને પૂર્વ ઝોનના એક-એક સંક્રમિત સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાતા ૧૮૧ સ્થળ એકિટવ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા હતા.

જોધપુર,બોપલ,બોડકદેવ વોર્ડમાં સૌથી વધુ કોરોનાના કેસ

શહેરના પશ્ચિમ ઝોનમાં જ ૩૦ હજાર જેટલા એકિટવ કેસ છે.જોધપુર ઉપરાંત બોપલ અને બોડકદેવ વોર્ડમાં શનિવારે સૌથી વધુ કેસ નોંધાતા જોધપુર  અને બોપલ વોર્ડમાં વધુ આઠ કોરોના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.જુહાપુરા અને સરખેજના ચાર સંક્રમિત સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા હતા.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ગોતાના ત્રણ અને ચાંદલોડીયા વોર્ડના એક સંક્રમિત સ્થળ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં માણેકબાગ સોસાયટી અને બંગલોઝના એક-એક સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા હતા.દક્ષિણ ઝોનમાં વટવા ઉપરાંત લાંભા,ઘોડાસર અને ઈસનપુર વોર્ડના કુલ સાત સંક્રમિત સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા હતા.ઉત્તરઝોનમાં કુબેરનગર અને પૂર્વ ઝોનમાં નિકોલના એક સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા હતા.

કીશોરોને વેકિસન લેવા બદલ આઈફોન ઉપરાંત સ્કૂલબેગ આપવા કવાયત

૧૫ થી ૧૮ વર્ષની વયના અમદાવાદમાં ૨.૭૦ લાખ કીશોરોને કોરોના વેકિસન આપવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યુ છે.અત્યાર સુધીમાં આ વયના ૧.૮૫ લાખથી વધુ કિશોરોને કોરોના વેકિસન આપવામાં આવી છે.મ્યુનિ.દ્વારા ૨૪ જાન્યુઆરી સુધીમાં વેકિસન લેનારા કિશોરો પૈકી લકી પાંચને આઈફોન આપવાની અગાઉ જાહેરાત કરાઈ હતી.આ ભાગ્યશાળીઓને ૨૬ જાન્યુઆરીએ આઈફોન અંગેની જાણ કરાશે.દરમ્યાન મ્યુનિ.તંત્રે નિર્ધારીત લક્ષ્યને સિધ્ધ કરવા મ્યુનિ.શાળાઓ ઉપરાંત ડ્રોપઆઉટ લીધેલા કિશોરોની યાદી મેળવી વેકિસન આપવા કામગીરી શરૃ કરી છે.આઈફોન બાદ એક એનજીઓના સહકારથી ૨૫ હજાર જેટલા તરુણોને સ્કૂલ બેગ આપવા અંગે કવાયત શરુ કરાઈ છે.શહેરના સ્લમ વિસ્તારમાં વેકિસન લેનારાઓને અત્યાર સુધીમાં વીસ હજાર લિટરથી પણ વધુ તેલના પાઉચ આપવામાં આવ્યા છે.

બે દિવસમાં માસ્ક વગરના૩૦૮ લોકોને દંડ કરાયો

મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગની ૪૦ ટીમોએ શહેરના સાત ઝોનમાં બે દિવસ દરમ્યાન માસ્ક પહેર્યા વગર જોવા મળેલા ૩૦૮ લોકો પાસેથી ત્રણ લાખથી વધુ રકમ દંડ પેટે વસૂલ કરી હતી.