Gujarat

રખડતાં ઢોરનો ત્રાસ ડામવા થોડાં સમયમાં કાયદો લાવીશું : સરકાર

By GS Team
21 Feb 20222 mins read
This article was originally published on 21 Feb 2022
રખડતાં ઢોરનો ત્રાસ ડામવા થોડાં સમયમાં કાયદો લાવીશું : સરકાર

અમદાવાદ, સોમવાર

રાજ્યભરામાં રખડતાં ઢોર પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની રિટ કરવામાં આવી છે. જેની સુનાવણીમાં આજે રાજ્ય સરકારે મૌખિક રજૂઆત કરી હતી કે રખડતાં ઢોરનો ત્રાસ ડામવા રાજ્ય સરકાર થોડાં સમયમાં એક કાયદો લાવી રહી છે અને તેનો ડ્રાફ્ટ પણ તૈયાર થઇ ચૂક્યો છે. કોર્ટે આ અંગે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી વધુ સુનાવણી આગામી દિવસોમાં નિયત કરી છે.


રિટની સુનાવણીમાં અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે અમદાવાદ શહેર સહિત મોટાંભાગના શહેરોમાં રખડતાં ઢોરની સમસ્યા છે. તેનાં માલિકો દ્વારા યોગ્ય જાળવણી ન થતી હોવાથી  લોકોને હેરાનગતિ થાય છે. કાયદા પ્રમાણે ઢોરને રહેવાની જગ્યા અને ખોરાક આપવા માટે પશુમાલિકો કાયદાથી બંધાયેલા છે પરંતુ પશુમાલિકો તેમને રસ્તા પર છોડી મૂકે છે. જેનાં કારણે સામાન્ય નાગરિકો અકસ્માતનો ભોગ બને છે. શહેરના ઘણાં રસ્તાઓ પર ઢોર વચ્ચે બેઠાં હોય છે અને ત્યાંથી નીકળતા લોકો માટે જોખમ ઉભું થાય છે. કાયદાના ઉલ્લંઘન ઉપરાંત આ કિસ્સામાં પશુ અત્યાચારનો મુદ્દો પણ સામેલ છે.

જેથી કોર્ટે અરજદારને ટકોર કરી હતી કે બિસ્માર રસ્તા, ટ્રાફિક-પાર્કિંગની સમસ્યા અને રખડતા ઢોર મુદ્દે એક રિટ અત્યારે હાઇકોર્ટમાં ચાલી રહી છે, તેથી અરજદારે તેમાં જોડાઇ જવું જોઇએ. જેથી અરજદાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે તેઓ માત્ર આ મુદ્દો ઉઠાવી રહ્યા છે અને આ મુદ્દે વિસ્તારથી રજૂઆત કરવા માંગે છે. ત્યારબાદ રાજ્ય સરકારે કહ્યું હતું કે રખડતાં ઢોરના ત્રાસ અંગે સરકાર થોડાં જ સમયમાં કાયદો લાવી રહી છે અને તેનો ડ્રાફ્ટ પણ તૈયાર છે. જેથી કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે.