Gujarat

કઠવાડા હુડકોમાં પાણીની ટાંકીનો ભાગ તૂટયો, અકસ્માતનો ભય

By GS Team
21 Mar 20222 mins read
This article was originally published on 21 Mar 2022
કઠવાડા હુડકોમાં પાણીની ટાંકીનો  ભાગ તૂટયો, અકસ્માતનો ભય

અમદાવાદ,તા.21 માર્ચ 2022, સોમવાર

નિકોલ વોર્ડમાં કઠવાડા ગામના ઇન્દિરા વસાહત હુડકો ખાતે આવેલી વર્ષો જુની પીવાના પાણીની  બંધ પડેલી અંડરગ્રાઉન્ડ ટાંકીનો સ્લેબ તૂટી પડયો હતો.  આખી પાણીની ટાંકી ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતા વચ્ચે સ્થાનિક રહીશો પાણીની ટાંકી પાસેથી પણ પસાર થતા ડરી રહ્યા છે. ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાય તે પહેલા પાણીની ટાંકીને તોડી પાડવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

ઇન્દિરા વસાહત હુડકો વર્ષ ૧૯૮૪માં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલી વસાહત છે. ગરીબો માટેની આ વસાહત ૩૮ વર્ષમાં જર્જરિત થઇ ગઇ છે. બે હજાર જેટલા મકાનો આવેલા છે. ત્રણ માળિયાના આ મકાનોમાંથી કેટલાક મકાનો તો ધરાશાયી પણ થઇ ગયા છે. હાલમાં પણ અનેક મકાનોના ધાબાનું પ્લાસ્ટર પડવાના અને ઇજા થવાના કિસ્સા અવારનવાર બની રહ્યા છે. મકાનોના દિવાલોમાંથી ઇંટો નીકળી રહી છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ વસાહત બની ત્યારે અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી દ્વારા પાણી પુરૂ પડાતું હતું. પાણી ખારૂ આવતું હતું. તેથી નવો પાણીનો બોર બનાવીને ઓવરહેડ ટાંકી બનાવાઇ હતી. તેથી જુની પાણીની ટાંકી છેલ્લા કેટલાક વર્ષોથી બંધ હાલતમાં પડી હતી. તેમાં રહીશો કચરો ફેંકી રહ્યા છે. કચરામાં આગ લાગી હોવાથી ઘણા લાંબા સમયથી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી ધુમાડા સતત નીકળતા રહેતા હતા. 

છતાંય લોકો તેમાં કચરો ફેંકી રહ્યા છે. વર્ષો જુની ટાંકી જર્જરિત બની ગઇ હોવાથી તેનો કેટલાક ભાગ ગત અઠવાડિયે તૂટી પડયો હતો. આથી પાણીની ટાંકી ગમે ત્યારે ધરાશાયી થાય તેવો ભય રહેલો છે. ગાય સહિતના પશુઓ ટાંકીની આજુબાજુમાં ફરતા હોવાથી ટાંકીમાં પડી જવાનો અથવા તો ટાંકી પડે ત્યારે પશુઓ તેમાં દબાઇ જવાનો ભય રહેલો છે. રહીશો ભયના માર્યા ટાંકીની આજુબાજુ પણ ફરકતા નથી. જનહિતમાં આ પાણીની ટાંકીને સત્વરે ઉતારી લેવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.