સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાન

અમદાવાદ, રવિવાર
મૃત્યુ બાદ પણ
અન્ય વ્યક્તિમાં ખુશીનો સંચાર કરવામાં આવે ત્યારે જીવન સાર્થક થયું ગણાય છે અને આ બાબત
અંગદાનથી શક્ય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં બે બ્રેઇનડેડ વ્યક્તિઓના
અંગદાન મેળવવામાં સફળતા મળી છે. આ સાથે જ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૩ મહિનામાં
૩૪ વ્યક્તિઓના અંગદાનથી ૯૦ લોકોને નવજીવન મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત
માહિતી અનુસાર દાહોદના ૩૦ વર્ષીય ચીમનભાઇ બારિયાનો ૩૦ જાન્યુઆરીએ અકસ્માત થતાં પ્રાથમિક
સારવાર માટે દાહોદની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ ૩૧ જાન્યુઆરીના સિવિલ હોસ્પિટલમાં
દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બીજી ફેબુ્રઆરીના તેઓને બ્રેઇનડેડ જાહેર કરાતાં
સિવિલ હોસ્પિટલની સ્ટેટ ઓર્ગન એન્ટ ટિસ્યુ
ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (સોટ્ટો)ની ટીમ દ્વારા પરિવારજનોને અંગદાન માટેની પ્રેરણા
આપવામાં આવી. બ્રેઇનડેડ ચીમનભાઇની બંને કિડની-લીવર મેળવવામાં સફળતા મળી છે. બીજી તરફ
૬૧ વર્ષીય અશોક મારુ બીજી ફેબુ્રઆરીએ ઘરે ઢળી પડતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે
ખસેડવામાં આવ્યા હતા.
આ પછી સ્થિતિ
વણસતાં બીજી ફેબુ્રઆરીએ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ૪ ફેબુ્રઆરીએ બ્રેઇનડેડ જાહેર
થતાં તેમના અંગદાનનો પરિવારે નિર્ણય લીધો હતો. તેમના અંગોને રીટ્રાઇવ કરતાં બંને કિડની-લીવરનું
દાન મેળવવામાં સફળતા મળી હતી. આ અગાઉ અમદાવાદના ૪૧ વર્ષીય મનહરભાઇ ડાભીના અંગદાનથી
બ્રેઇનડેડ જાહેર કરાતાં તેમની બંને કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી હતી. આ સાથે અમદાવાદ
સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્ષેત્રે સેવાની
શતાબ્દી થઇ છે. ડિસેમ્બર ૨૦૨૧ થી શરૃ થયેલ
અંગદાનને ૧૩ મહિના પૂર્ણ થયા.આ સમયગાળામાં સિવિલ હોસ્પિટલમાં ૩૪ વ્યક્તિઓના અંગદાનમાં
સફળતા મળી છે. જેના થકી ૧૦૫ અંગો મળ્યા જેણે ૯૦ લોકોને નવજીવન આપ્યું છે.
આ ૧૦૫ અંગોમાં
૫૧ કિડની, ૨૯ લીવર, ૫ સ્વાદુપિંડ ૬ હ્યદય , ૨ હાથ અને ૬ જોડ ફેફસાનો સમાવેશ
થાય છે. આ અતિમહત્વના અંગો થકી વર્ષોથી અંગોની ખામીથી પીડામય અને સંઘર્ષપૂર્ણ જીવન
વ્યતિત કરી રહેલા જરૃરિયાતમંદ દર્દીઓની જીવનશૈલી બદલાઇ છે અને વર્ષોની પીડાનો અંત આવ્યો
છે.
સિવિલ હોસ્પિટલના
સુપ્રીટેન્ડન્ટ ડા. રાકેશ જોષીએ જણાવ્યું કે, 'મૃત્યુ બાદ શરીર પંચમહાભૂતમાં વિલિન
થઇ જાય તેના કરતા કોઇ જરૃરિયાતમંદને અંગો ઉપયોગી
થાય અને જીવનમાં બદલાવ લાવવામાં મદદરૃપ બને તે માટે અંગદાન જરૃરી છે. અમારી સોટ્ટોની
ટીમ દ્વારા હોસ્પિટલમાં બ્રેઇનડેડ થતા પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન
માટે પ્રેરવામાં આવે છે. દિવસ-રાત રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહેલી અમારી ટીમના અથાગ
પરિશ્રમોના પરિણામે જ કોરોનાની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ ૧૩ મહિનાના ટૂંકા ગાળામાં
૧૦૫ અંગદાનની સફળતા મળી છે. રાજ્યમાં અંગોનું વેઇટીંગ ઘટે જીવંત વ્યક્તિને અંગદાન કરવાની
જરૃર પડે નહીં, બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનો અંગદાન માટે પ્રેરાય તે ઉમદા હેતુથી સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમે અંગદાન માટેનો સેવાયજ્ઞા
આદર્યો છે.'




