ખેતીમાં અનિયમિત વીજળી મુદ્દે કિસાન સંઘ દ્વારા વિરોધ

રાત્રે ગમે ત્યારે
લાઇટ આવે અને બંધ થાય છે
ખેડૂતોની આવક
બમણી કરી દેવાની વાતો સાથે અમલી કરેલી સૂર્યોદય યોજના ખોડંગાઇ ગઇ છે
ગાંધીનગર: સૂર્યોદય યોજના અમલી કરીને ખેડૂતોને નિયમિત આઠ કલાક વીજળી આપીને ખેડૂતોની આવક બમણી કરી દેવા માટે સરકાર પ્રયત્નશીલ હોવાની મોટી વાતો કરવામાં આવ્યા પછી ખેતી માટે આપવામાં આવતી વીજળી રાત્રે ગમે ત્યારે આવે અને ગમે ત્યારે બંધ કરી દેવામાં આવતી હોવાના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઇ ગયા હોવાનો આક્ષેપ કરવા સાથે ભરતીય કિસાન સંઘ દ્વારા સરકારીની આવી નીતિનો વિરોધ કરવામાં આવ્યો છે અને જણાવ્યું છે કે આ સ્થિતિના કારણે ખેડૂતોમાં વ્યાપક રોષ વ્યાપી ગયો છે.
સરકારે સૂર્યોદય
યોજના અમલી બનાવીને ત્રણ તબક્કામાં આઠ કલાક વીજળી ખેતી માટે આપવાનું ચાલુ કર્યાના કારણે
ખેડૂતો વિવિધ પાકને સમયસર પાણી આપી શકતા હતાં. પરંતુ આરંભે સુરા જેવી હાલત આ યોજનાની
પણ થઇ છે. ખેડૂતો દ્વારા આ મુદ્દે ભારતીય કિસાન સંઘને ફરિયાદો કરી છે. સરકાર દ્વારા
એ ગૃપમાં સવારે ૪થી બપોરે ૧૨ કલાક સુધી, બી ગૃપમાં બપોરે ૧૨થી રાત્રે ૮ વાગ્યા સુધી
અને સી ગૃપમાં રાત્રે ૮થી સવારે ૪ વાગ્યા સુધી એમ સળંગ આઠ કલાક વીજળી આપવાનું ચાલુ
કરવામાં આવ્યુ હતું. પરંતુ હાલમાં રાત્રે જ ખેતી માટે વીજળી આપવામાં આવી રહી છે. વધારામાં
ખેડૂતોએ રાત ઉજાગરા કરવાના થઇ રહ્યાં છે, કેમ કે વીજળી ક્યારે આવશે અને ક્યારે બંધ
થશે તેના માટે કોઇ પ્રકારે સમય નિર્ધારણનું પાલન કરવામાં આવતું નથી. ખેતી માટે જો આ
પ્રકારે જ અનિયમિત વીજળી આપવામાં આવશે તો આગામી દિવસોમાં ઉનાળુ પાકની ઉપજ પર ખુબ માઠી
અસરો પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ત્યારે ખેડૂતોની સતત ફરિયાદોને લઇને ભારતીય
કિસાન સંઘ દ્વારા સરકારી વીજ તંત્ર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.




