Gujarat

ડેલ્ટા કરતાં ઓમિક્રોનના લક્ષણો માઇલ્ડ ઓક્સિજન સપોર્ટની જરૂર નથી

By GS Team
13 Dec 20213 mins read
This article was originally published on 13 Dec 2021
ડેલ્ટા કરતાં ઓમિક્રોનના લક્ષણો માઇલ્ડ ઓક્સિજન સપોર્ટની જરૂર નથી

અમદાવાદ,રવિવાર

કોરોના વાયરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસમાં થઇ રહેલા સતત વધારાથી ત્રીજી લહેર ત્રાટકશે કે કેમ તેને લઇને ફફડાટ ફેલાયો છે. ડોક્ટરોના મતે ઓમિક્રોન વેરિયેન્ટ ખૂબ જ ઝડપથી ફેલાય છે અને વેક્સિનના ડબલ ડોઝના સુરક્ષા કવચને તોડવા માટે પણ સક્ષમ છે. જોકે, રાહતની વાત એ છે કે ઓમિક્રોનના લક્ષણો ખૂબ જ માઇલ્ડ છે અને તેનાથી સંક્રમિતને ઓક્સિજન-વેન્ટિલેટર સપોર્ટની જરૃર નહીં પડતી હોવાનું હાલના તબક્કે સામે આવ્યું છે.

તાજેતરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા સરકારને એવો અનુરોધ કરવામાં આવ્યો હતો કે ઓમિક્રોન મામલે કડક પગલા નહીં લેવામાં આવે તો ત્રીજી લહેર આવી શકે છે. નવા વેરિયેન્ટને પગલે ભારતે વેક્સિનેશનની ગતિમાં વધારો કરવો પડશે. વેક્સિનેશન વધારવામાં આવશે તો ભારતમાં ઓમિક્રોનથી ખાસ અસર નહીં થાય. જેના ભાગરૃપે હેલ્થકેર, ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિનના વધારા ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવે. આ ઉપરાંત ૧૨થી ૧૮ વર્ષના બાળક માટે ઝડપથી વેક્સિનેશન શરૃ કરવામાં આવે તે પણ જરૃરી છે. જાણકારોના મતે ઓમિક્રોન વેરિયેન્ટ ૧૨ કલાકે ફેફસાં સુધી પહોંચે છે. આ ઉપરાંત શરદી-ખાંસીની સાથે હાથ-પગ-માથામાં દુખાવો-અશક્તિ જેવા લક્ષણો જોવા મળતા હોય છે. જોકે, હાલના તબક્કે સામે આવ્યું છે એ પ્રમાણે ઓમિક્રોનથી ઓક્સિજનનું પ્રમાણ ઘટતું નથી.

ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ પબ્લિક હેલ્થ ગાંધીનગરના પ્રો. દિલીપ માવલંકરે જણાવ્યું કે, 'ઓમિક્રોન ડેલ્ટા કરતાં વધુ ઝડપથી ફેલાય છે. આફ્રિકામાંથી આ વેરિયેન્ટ ફેલાવવાની શરૃઆત થઇ હતી અને તે હવે ૫૫ દેશમાં પ્રસરી ચૂક્યો છે. ઓમિક્રોન અગાઉ આફ્રિકામાં રોજના સરેરાશ ૨૦૦ કેસ નોંધાતા હતા જ્યારે હવે ૧૦ હજારથી વધુ કેસ નોંધાય છે. આ બાબત કેસની ગતિમાં વધારો દર્શાવે છે. જેમણે વેક્સિનના બંને ડોઝ લીધા હોય તે પણ ઓમિક્રોન તેમજ ડેલ્ટાથી સંક્રમિત થઇ રહ્યા છે. અમેરિકા -યુરોપમાં  હાલમાં જ લહેર આવી છે તે ઓમિક્રોનની નહીં પણ ડેલ્ટાની છે. અમેરિકા-યુરોપમાં ૭૦%થી વધુ લોકો ડબલ વેક્સિનેટેડ છે. હાલમાં સરકાર દ્વારા કોરોનાના દૈનિક કેસની વિગત જાહેર કરવામાં આવે છે તેમાં વેક્સિનના સિંગલ ડોઝ તેમજ ડબલ વેક્સિનેટેડ કેટલા તેવો ડેટા બહાર પાડવામાં આવે તો બૂસ્ટર ડોઝની જરૃરિયાત અંગે તાગ મેળવી શકાય.

આ ઉપરાંત હવે નવા વેરિયેન્ટ પ્રમાણે વેક્સિન બનાવવાની જરૃર છે. જેવી રીતે ફ્લૂમાં દર વર્ષે વેક્સિન બદલાય છે તેમ હવે કોવિડમાં પણ વેરિયેન્ટ પ્રમાણે નવી વેક્સિન લાવવી પડી શકે છે.નવા વેરિયેન્ટ માટે વેક્સિન અત્યારથી જ બનાવવાની શરૃ કરી દેવી જોઇએ. એક રીસર્ચ પ્રમાણે સાઉથ આફ્રિકામાં ઓમિક્રોનના જે કેસ નોંધાયા તેમાં ચાર હજાર દર્દીમાંથી માંડ ૧૭૦ને ઓક્સિજનની જરૃર પડી હતી. આમ, હાલના તબક્કે એમ કહી શકાય કે ઓમિક્રોન ડેલ્ટા જેટલો જોખમી નથી અને પ્રમાણમાં માઇલ્ડ છે.  પરંતુ બે-ત્રણ સપ્તાહ બાદ જ સાચી ઓમિક્રોનની તીવ્રતાનો અંદાજ મેળવી શકાશે. હાલના સમયમાં તકેદારી જરૃરી છે.' 

 

રોગપ્રતિકારક શક્તિ વધારવા વિટામીન ડી લેવું જરૃરી

ડોક્ટરોના મતે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામીન ડી પૂરતા પ્રમાણમાં લેતા રહેવું જરૃરી છે. જેના ભાગરૃપે શક્ય હોય તો દરરોજ ૩૦ મિનિટ તડકામાં ઉભા રહેવું અથવા તો વિટામીન ડી સપ્લિમેન્ટ લેવા. આપણે ત્યાં ઘણા લોકો વિટામીન ડીની ઉણપની સમસ્યાથી ધરાવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા વિટામીન ડી પૂરતા પ્રમાણમાં લેવું જરૃરી છે.

 ગુજરાતમાં ડેલ્ટા વેરિયેન્ટના ૬૮૬ કેસ

ભારતમાં પાંચમી ડિસેમ્બર સુધી ડેલ્ટા વેરિયેન્ટના ૩૧૮૪૩ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાં ગુજરાતમાં ડેલ્ટા વેરિયેન્ટના ૬૮૬, ડેલ્ટા પ્લસ વેરિયેન્ટના ૨૦૨ કેસનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાં ડેલ્ટા વેરિયેન્ટના સૌથી વધુ ૨૯૧૮, દિલ્હીમાં ૨૭૩૯, મહારાષ્ટ્રમાં ૨૫૮૯, આંધ્ર પ્રદેશમાં ૧૯૯૩ અને કર્ણાટકમાં ૧૯૫૫ કેસ છે.