Gujarat

નરોડાથી નારોલનો સર્વિસ રોડ કચરો ઠાલવવાની ડમ્પિંગ સાઇટ બન્યો !

By GS Team
26 Feb 20222 mins read
This article was originally published on 26 Feb 2022
નરોડાથી નારોલનો સર્વિસ રોડ કચરો ઠાલવવાની ડમ્પિંગ સાઇટ બન્યો !

અમદાવાદ,તા.26 ફેબ્રુઆરી 2022, શનિવાર

પૂર્વમાં નરોડાથી નારોલના પટ્ટામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૮ નો સર્વિસ રોડ કચરો ઠાલવવા માટેની ડમ્પિંગ સાઇટ બની ગઇ છે. રહીશો કચરો ડસ્ટબિનમાં નાંખવાના બદલે સર્વિસ રોડના ડિવાઇડર પર ઠાલવીને જતા રહે છે. રાત્રિ દરમિયાન લઘુગૃહ ઉદ્યોગ, હોટલ-રેસ્ટોરન્ટવાળા, દુકાનો અને નાસ્તા હાઉસવાળાઓ તેમનો દિવસ દરમિયાનનો એકઠો કરેલો કચરો રોડ પર ફેંકી દે છે. 

સોનીની ચાલી પાસે ગીતા ગૌરી સિનેમાની સામેના રોડ પરના સર્વિસ રોડ પર ગંદકી અને કચરાના ઢગલા રાત્રિ દરમિયાન ખડકાઇ જાય છે. રાજેન્દ્રપાર્ક, સીટીએમ, જશોદાનગર, ઇશનપુર, નારોલ, વિરાટનગર, ઠક્કરબાપાનગર, કૃષ્ણનગર, નરોડા વગેરે વિસ્તારમાં સર્વિસ રોડ પર આ દ્રશ્યો જોવા મળે છે.

એકબાજુ સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેરના સત્તાધીશો એવોર્ડ, શિલ્ડ મેળવીને રાજી થાય છે. પરંતુ ગ્રાઉન્ડ રિયાલીટી કંઇક અલગ જ હોય તેવું શહેરના માર્ગો જોતા લાગી રહ્યું છે. શહેરમાંથી કચરો ઉપાડવા માટે  'ડોર ટુ ડોર' કચરો ઉપાડવા માટે કચરાની ગાડીઓ ફરી રહી છે. તેનો મોટો કોન્ટ્રાક્ટ અપાયો છે. ઘરઆંગણાની આ સુવિધા હોવા છતાંય કેમ લોકો કચરો રોડ પર ઠાલવે છે તે ચિંતાનો વિષય છે.

સર્વિસ રોડ પરની ગંદકી શહેરની શોભા ઘટાડે છે. રોગચાળો વકરાવે છે. લોકોની આ અશિસ્ત અને તંત્રના આંખઆડા કાન શહેરીને જ નુકશાન કરી રહ્યા છે. ગેરકાયદે ગમેત્યાં કચરો ઠાલવવાની પ્રવૃતિ બંધ કરાવવી જોઇએ, તંત્રએ શિક્ષાત્મક પગલે લેવા જોઇએ અને લોકો આવી રીતે કચરો ગમે ત્યાં ન નાંખે તે માટેના પ્રયાસો કરવા જોઇએ તેવી માંગણી ઉઠી છે.