Get The App

સેનેટની ટ્રેડ યુનિયન કેટેગરીની ચૂંટણી યોજાઈ પણ યુનિ.સત્તાધીશોએ પરિણામ જાહેર ના કર્યુ

Updated: Dec 4th, 2021

GS TEAM

Google News
Google News
સેનેટની ટ્રેડ યુનિયન કેટેગરીની ચૂંટણી યોજાઈ પણ યુનિ.સત્તાધીશોએ પરિણામ જાહેર ના કર્યુ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સેનેટની ટ્રેડ યુનિયન કેટેગરીની એક બેઠક માટે આજે ચૂંટણી યોજાઈ હતી.જોકે મત ગણતરી બાદ યુનિવર્સિટી સત્તાધીશોેએ પરિણામ જાહેર કરવાનો ઈનકાર કરી દીધો હતો.જોકે વિજેતા ઉમેદવારે બિન સત્તાવાર રીતે યુનિવર્સિટી હેડ ઓફિસની બહાર પોતાની જીતની ઉજવણી કરી નાંખી હતી.

મળતી વિગતો પ્રમાણે ટ્રેડ યુનિયન કેટેગરીમાં ગજેન્દ્ર ભટ્ટ, નઈમ શેખ અને વિપિન ચંદ્ર પટેલ વચ્ચે ત્રિપાંખીયો મુકાબલો હતો.કુલ મળીને ૪૬ યુનિયન મતદાર યાદીમાં હતા અને તમામ યુનિયનના પ્રતિનિધિઓએ મતદાન કરતા ૧૦૦ ટકા મતદાન થયુ હતુ.

જોકે એ પછી મતગણતરી બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ જાહેર કર્યુ હતુ કે, તા.૭ ડિસેમ્બરે યોજાનારી વધુ સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટ અને સરકાર સાથે પરામર્શ બાદ આ ચૂંટણીનુ પરિણામ જાહેર કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, સેનેટની ચૂંટણીનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે.જેમાં કોર્ટે વધુ સુનાવણી હાથ ધરાય ત્યાં સુધી સેનેટની ચૂંટણી પ્રક્રિયા આગળ ધપાવવા માટે નિર્દેશ આપ્યો છે.આ નિર્દેશને આગળ ધરીને સત્તાધીશોએ આજની ચૂંટણીનુ પરિણામ જાહેર કર્યુ નહોતુ.

જોકે મતગણતરી દરમિયાન ઉમેદવારોના એજન્ટ હાજર હોવાથી બિન સત્તાવાર રીતે તો પરિણામ જાહેર થઈ ગયુ હતુ.જેમાં ગજેન્દ્ર ભટ્ટને ૨૧ મત, નઈમ શેખને ૧૫ મત અને વિપિન પટેલને ૧૦ મત મળ્યા હતા.આમ ગજેન્દ્ર ભટ્ટનો ૬ મતે વિજય થયો હતો.ગજેન્દ્ર ભટ્ટના ટેકેદારોએ હેડ ઓફિસની બહાર જીતની ઉજવણી કરી હતી.આમ યુનિવર્સિટી દ્વારા થયેલી જાહેરાત હાસ્યાસ્પદ પૂરવાર થઈ હતી.