Gujarat

બંગલો ફાળવાયો છતાંય મંત્રીઓ MLA કવાટર્સ ખાલી કરતાં નથી

By GS Team
17 Feb 20223 mins read
This article was originally published on 17 Feb 2022
બંગલો ફાળવાયો છતાંય મંત્રીઓ MLA કવાટર્સ ખાલી કરતાં નથી

માર્ગ મકાન વિભાગે કવાટર્સ ખાલી કરવા સૂચના આપી પણ...

વિધાનસભાનાં અધ્યક્ષ નીમા આચાર્ય, ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ સહિત અન્ય મંત્રીઓનો MLA કવાટર્સ પર કબજો   

MLA ક્વાટર્સનું રોજનું ભાડું રૂા.1.37 પૈસા : 50 વર્ષથી ભાડુ વધ્યું નથી : વીજળી,ફર્નિચર સહિત બધી સુવિધા મફત

અમદાવાદ : વર્તમાન ભાજપ સરકારના મંત્રીઓને મંત્રી નિવાસસૃથાનમાં આલિશાન બંગલા ફાળવવામાં આવ્યા છે તેમ છતાંય આ જ મંત્રીઓ હજુય એમએલએ કવાર્ટસ ખાલી કરતાં નથી. ખુદ મંત્રીઓ જ નિયમોનું ઉલાળિયો કરી રહ્યા છે.

બંગલા ફાળવી દેવાયા છતાંય વિધાનસભાના સ્પિકર, ડેપ્યુટી સ્પિકર ઉપરાંત  કેટલાંક મંત્રીઓએ હજુ એમએલએ કવાર્ટસ ખાલી કર્યા નથી. માર્ગ મકાન વિભાગે મંત્રીઓને કવાર્ટસ ખાલી કરવા સૂચના આપી હોવા છતાંય તેનો હજુ અમલ થઇ શક્યો નથી.

ચૂંટાયેલાં જનપ્રતિનીધીઓને નિયમાનુસાર કવાર્ટસથી માંડીને અન્ય લાભ આપવામા આવે છે. ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોને ગાંધીનગરમાં રોજના રૂા.1.37ના ભાડાથી કવાર્ટસ અપાય છે. ત્રણ બેડરૂમ, ડાઇનીંગ રૂમ સહિતની સુવિધા સાથેનું કવાર્ટસ આપવામાં આવે છે.

મહિને રૂા.40ના ભાડાના કવાર્ટસમાં વિજળી,24 કલાક પાણી ઉપરાંત સોફા,પલંગ સહિત ફુલ ફર્નિચર ઉપરાંત ટેલિફોનની ય સુવિધા આપવામાં આવે છે. ગાંધીનગર સ્થિત એમએલએ કવાર્ટસમાં કુલ  159 કવાર્ટસ છે. ઉલ્લેખનીય છેકે, છેલ્લા પ0 વર્ષથી કવાર્ટસના ભાડામાં વધારો કરાયો નથી. નજીવા ભાડામાં ધારાસભ્યો પ્રજાના ટેક્સના પેસે લાભ મેળવી રહ્યા છે.

રૂપાણી સરકારની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સત્તાનુ સુકાન સંભાળ્યુ હતું. ત્યાર બાદ ભાજપ સરકારના મંત્રીઓને મંત્રી નિવાસસ્થાનમાં બંગલા ફાળવવામાં આવ્યા હતાં.

આમ છતાંય મંત્રી અરવિંદ રૈયાણી, મંત્રી કુબેર ડિંડોર, મંત્રી નિમિષા સુથાર, મંત્રી રાઘવજી પટેલ, મંત્રી પ્રદિપ પરમારે એમએલએ કવાર્ટસ ખાલી કર્યા નથી. આ ઉપરાંત વિધાનસભાના સ્પિકર નિમાબેન આચાર્ય અને ડેપ્યુટી સ્પિકર જેઠા ભરવાડને બંગલો ફાળવાયો છે તેમ છતાંય કવાર્ટસ ખાલી કર્યા નથી. 

અધિકારીક સૂત્રોના મતે, મંત્રીઓને એમએલએ કવાર્ટસ ખાલી કરવા સૂચના આપી દેવામાં આવી હોવા છતાંય મંત્રીઓ કે વિધાનસભાના સ્પિકર સાંભળવા જ તૈયાર નથી. આ કવાર્ટસમાં હજુ મંત્રીઓના પરિવાર-સગાઓ રહે છે. એવી ય જાણકારી મળી છેકે, એક પૂર્વ મંત્રીએ તો મત વિસ્તારના વિદ્યાર્થીઓને રહેવા કવાર્ટસ આપ્યુ છે. આ વિદ્યાર્થીઓ અહી પરિક્ષાની તૈયારી કરે છે. ટૂંકમાં, ખુદ મંત્રીઓ જ બંગલા અને એમએલએ કવાર્ટસ પર કબજો જમાવીને બેઠાં છે.

રૂા.40 ઘરભાડુ છતાંય ભાજપના બે પૂર્વ ધારાસભ્ય ચૂકવતા નથી!

કરોડોની મિલ્કત ધરાવતાં ધારાસભ્યો એમએલએ કવાર્ટસમાં રૂા.40 નજીવુ ઘરભાડુ ચુકવીને પાંચ વર્ષ સુધી રહે છે. મોટાભાગના ધારાસભ્યના ભાઇ ભત્રીજા સહિત અન્ય પરિવારજનો કવાર્ટસમાં રહે છે. ગાંધીનગરમાં પ્રજાલક્ષી કે અંગત કામ માટે આવતાં ધારાસભ્ય આ કવાર્ટસમાં માત્ર નામપુરતા રહે છે. ભાજપના બે પુર્વ ધારાસભ્ય હજુય ઘરભાડુ ચૂકવતા નથી.

ખંભાતના ભાજપના પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ અને રાધનપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરના ઘરભાડા ઘણાં વખતથી બાકી છે. બંને ધારાસભ્યો વર્ષ 2012માં ચૂંટાયા હતાં. માર્ગ મકાન વિભાગે અનેક વાર પત્ર વ્યવહાર કર્યો છતાંય હજુ સુધી બંને ધારાસભ્યોએ નાણાં ભર્યા નથી. 

કયા પૂર્વ મંત્રીને બંગલો ફાળવાયો

ભૂપેન્દ્રસિંહ  ચૂડાસમા, સૌરભ પટેલ, ગણપત વસાવા, પ્રદિપસિંહ જાડેજા, જયેશ રાદડિયા,  ઇશ્વર પટેલ, વાસણ આહિર,રમણ પાટકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિભાવરીબેન દવે

બાળકોના અભ્યાસના નામે પૂર્વ મંત્રીઓએ બંગલા મેળવ્યાં

પૂર્વ મંત્રીઓનો બંગલાનો મોહ હજુય ગયો નથી. રૂપાણી સરકારની અચાનક વિદાય બાદ પૂર્વ મંત્રીઓને શાળા કોલેજોમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેવા બહાના હેઠળ બંગલા ભાડે મેળવ્યાં છે. હકીકતમાં એકેય પૂર્વ મંત્રી એવો નથી જેમના સંતાનો ગાંધીનગરની શાળા કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા હોય. આમ છતાંય રૂા.20 હજારના ભાડે પુર્વ મંત્રીઓને બંગલા ફાળવી દેવાયાછે.

કયા મંત્રીએ એમએલએ કવાટર્સ ખાલી કર્યા નથી

નિમાબેન આચાર્ય - વિધાનસભા સ્પીકર

જેઠા ભરવાડ - વિધાનસભા ડે.સ્પીકર

અરવિંદ રૈયાણી  - રાજ્યકક્ષા વાહન વ્યવહાર મંત્રી

કુબેર ડિંડોર -  રાજ્યકક્ષા શિક્ષણમંત્રી

નિમિષા સુધાર -  રાજ્યકક્ષા આરોગ્ય મંત્રી

રાઘવજી પટેલ - કૃષિ મંત્રી

પ્રદિપ પરમાર - સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી