સાસરીમાં જઇ જમાઇની આખા પરિવારને એક્સિડેન્ટમાં મારી નાખવાની ધમકી

અમદાવાદ,રવિવાર
વટવાની મહિલાને પ્રેમ લગ્ન કરવાનું ભારે પડયું છે, ચૌદ વર્ષ પહેલા લગ્ન થયા હતા ત્યારબાદ ગમે તે કારણે વાંક કાઢીને પતિ પત્નીને મારઝૂડ કરતો હતો. ચાર મહિનાથી મહિલા કંટાળીને પિયરમાં રહેવા જતી રહી હતી, ત્યાં સાસરીમાં જઇને પતિએ પત્ની સાથે તકરાર કરીને સાસરીઓને એક્સિડેન્ટમાં મારી નાખવાની ધમકી આપી હતી.
ચૌદ વર્ષ પહેલા ફૂલહારથી લગ્ન બાદ ગમે તે કારણે વાંક કાઢી બાળકોની નજર સામે પતિ મારઝૂડ કરતો
આ કેસની વિગત એવી છે કે વટવામાં એસ.પી, રિંગ રોડ ઉપર વિનોબાભાવેનગર ખાતે જ્યોતિબહેન હેમતસિંહ યાદવ (ઉ.વ.૩૨)એ પતિ હેમતસિંહ રામસિંહ યાદવ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ચૌદ વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા, લગ્ન બાદ પતિ અવાર નવાર ગમે તે વાંક કાઢીને મહિલાને મારઝૂડ કરતો હતો.
મહિલા કંટાળીને ચાર મહિનાથી એક બાળક પોતાની સાથે લઇને પિયરમાં રહેવા ગઇ હતી જ્યારે બીજું સંતાન પતિ સાથે રહેતું હતું, તા.૪ના રોજ રાતે દસ વાગે પતિ પિયરમાં આવ્યો હતો અને ગાળો બોલીને ફરિયાદી મહિલા સાથે તકરાર કરી હતી મહિલાએ ગાળો બોલાવાની ના પાડતા ઉશ્કેરાઇને ફરિયાદી મહિલાના આખા પરિવારને એક્સિડેન્ટમાં મારી નાંખવાની ધમકી આપી હતી જેથી ડરનમાર્યા મહિલાએ દરવાજો બંધ કરી દીધો હતો ત્યારબાદ પતિ જતો રહ્યો હતો આખરે કંટાળીને મહિલાએ પતિ સામે ફરિયાદ નોંધાવતાં વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




