Gujarat

કમાટીબાગના ઝૂમાં ખરવામોવાસા રોગથી ૧૩ સાબરના થયેલા મોત

By GS Team
15 Feb 20222 mins read
This article was originally published on 15 Feb 2022
કમાટીબાગના ઝૂમાં ખરવામોવાસા રોગથી ૧૩ સાબરના થયેલા મોત

વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ ઝૂમાં ખરવા મોવાસા નામના ઘાતક રોગે ૧૩ સાબરના જીવ લઇ લીધા હતા. ઝૂમાં કુલ ૧૪ સાબર હતા, હવે માત્ર એક બચ્ચું બચ્યું છે. 

ગઇ તા.૧૭મી નવેમ્બરે ઝૂમાં સાબરમાં ખરવા મોવાસા રોગના લક્ષણ દેખાતા ઝૂ સત્તાધીશોએ તેને લગતી કામગીરી શરૃ કરી હતી, પરંતુ તેનો ચેપ ઝડપથી ફેલાતા એક પછી એક સાબર ઝપટમાં આવી ગયા અને તા.૬ ડિસે. સુધીમાં ૧૩નાં મોત થઇ ગયા. આ રોગ આવ્યો ક્યાંથી તેની તપાસ કરતા જણાયું હતું કે ઝૂમાં પ્રાણીઓ માટે જે લીલો ચારો જે ખેતરો વાડ વિનાના ખુલ્લા હતા, ત્યાં રાત્રે કોઇ ઉક્ત રોગ ધરાવતું ઢોર ચરવા માટે ઘૂસ્યું હશે અને તેના દ્વારા ચારો સંક્રમિત બન્યો હશે. આ ચારો ઝૂમાં આવતા તેનો ભોગ સાબરો બન્યાં. ઝૂમાં હવે ખુલ્લા વાડ વિનાના નહીં, પણ વાડ સુરક્ષિત ખેતરોમાંથી હવે ચારો લવાય છે. 

ખરવા મોવાસાના લક્ષણો ઝૂમાં દેખાતા જિલ્લા પશુપાલન વિભાગ અને આણંદ કોલેજના પ્રતિનિધિઓ વડોદરા આવ્યા હતા. વડોદરા નજીક નંદેસરી, રણોલી, ગોરવા અને ભાયલીમાં પણ ઢોરોમાં ખરવા મોવાસાના છૂટા છવાયા કેસ જોવા મળ્યા હતા. આ રોગચાળો ખરીવાળા અને વાગોળતા જાનવરો અને હરણકૂળના પ્રાણીઓમાં જોવા મળે છે. જે હવા, ખોરાક અને પાણીથી ફેલાય છે. 

ઝૂમાં હવે એક જ બચ્ચું રહ્યું છે તેથી ઝૂ સત્તાવાળાઓએ સરકારને પત્ર લખીને અનુરોધ કર્યો છે કે બીજા કોઇ ઝૂમાં સાબર વધુ હોય તો વડોદરા ઝૂને આપવા. વડોદરા ઝૂ દ્વારા ઘણા વર્ષોથી બહારથી સાબર મગાવવા પડયા નથી. આ વખતે તો સાબર બ્રિડિંગ પ્રોજેક્ટની તૈયારી કરી હતી, પરંતુ રોગચાળાને કારણે તે તૈયારી પડી ભાંગી છે.


ખરવા મોવાસામાં પ્રાણીઓને શું થાય છે

ખારવા મોવાસા રોગમાં પ્રાણીના મોંમાં ચાંદા પડે છે. લાળ ખૂબ પડે છે. તાવ આવે છે. પગમાં લોહી નીકળે છે અને જીવડાં પડે છે. ખાવાનું બંધ કરી છે. આ રોગને એફએમડી એટલે કે ફૂટ એન્ડ માઉથ ડિસિસ કહે છે. આફ્રિકા, મિડલ ઇસ્ટ અને એશિયા તેમજ દક્ષિણ અમેરિકાના મર્યાદિત વિસ્તારોના પ્રાણીઓમાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે. 


ઝૂમાં પશુ ચિકિત્સકની જગ્યા પાંચ વર્ષથી ખાલી

કમાટીબાગના ઝૂમાં પશુ  ચિકિત્સકની જગ્યા છેલ્લા પાંચ વર્ષથી ખાલી છે. હાલ આ જગ્યા ચાર્જ પર ચાલે છે. વડોદરા કોર્પોરેશનમાં જેમ બીજા ખાલી હોદ્દાઓ ચાર્જ પર ચાલે છે, તેવી હાલત પશુ ચિકિત્સકની જગ્યાની છે. સાબરોનું મરણ રોગચાળાથી થયું છે, અને આખું ઝૂંડ મરણ પામે તેવા આ બનાવ અંગે જવાબદારી નક્કી થવી જોઇએ. ઝૂમાં કોર્પોરેશન કરોડોનો ખર્ચ કરે છે અને ઝૂ ઓથોરિટીની ગાઇડલાઇન ટાંકીને કામગીરીઓ કરાતી હોવાનું કહેવાય છે, ત્યારે આ બનાવની તપાસ કરવા કોંગ્રેસે માગ કરી છે.