Gujarat

રાજ્યની સરહદે એલર્ટ : હરામી નાળામાં BSFનું રાઉન્ડ ધ ક્લોક સઘન પેટ્રોલિંગ

By GS Team
25 Jan 20222 mins read
This article was originally published on 25 Jan 2022
રાજ્યની સરહદે એલર્ટ : હરામી નાળામાં BSFનું રાઉન્ડ ધ ક્લોક સઘન પેટ્રોલિંગ

પ્રજાસત્તાક પર્વની ઉજવણી પહેલાં 

પાકિસ્તાન સાથે સંકળાયેલા બનાસકાંઠાના નડાબેટમાં 110 કરોડના ખર્ચે સીમા દર્શન પ્રોજેક્ટ પૂર્ણ, હવે પ્રવાસીઓને આકર્ષાશે : IG જીએસ મલિક

ગાંધીનગર : દેશમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી થવાની છે ત્યારે પાકિસ્તાનને અડીને આવેલી ગુજરાતની બોર્ડરે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ક્રીકના હરામી નાળા વિસ્તારમાં બોર્ડર સિક્યોરિટો ફોર્સ (બીએસએફ)નું રાઉન્ડ ધી ક્લોક સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાત બીએસએફના આઇજી જીએસ મલિકે આજે કેમ્પસમાં મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બીએસએફ દ્વારા ગુજરાત અને રાજસ્થાનની જમીન સરહદ પર પાકિસ્તાન રેન્જર્સ સાથે વિશ્વાસ વધે તેવા મહત્વના પગલાં લેવામાં આવ્યા છે.

ખાસ કરીને એપ્રિલ 2021થી જૂન 2021 તેમજ જાન્યુઆરી 2022માં ત્રણ ઘુસણખોર પકડવામાં આવ્યા હતા પરંતુ તેમને પકડીને પાક રેન્જર્સને પાછા સોંપી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઇદ, દિવાળી અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમ્યાન મીઠાઇની આપ-લે કરવામાં આવતી હોય છે.

મલિકે કહ્યું હતું કે કચ્છના હરામી નાળા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અહીં ફ્લોટીંગ આઉટપોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે. એ ઉપરાંત પેટ્રોલિંગ માટે બોટ વસાવવામાં આવી છે જેના પગલે 10 વર્ષમાં પહેલીવાર 2021માં ક્રીકના હરામી નાળા વિસ્તારમાં ઘૂસણખોરીનો કોઇ પ્રયાસ થયો નથી.

જૂન 2020માં જખૌ દરિયાકાંઠે બિનવારસી ચરસના 1428 પેકેટ મળી આવતાં તે જપ્ત કરવામાં આવ્યા છે. આ ચરસ પાકિસ્તાની દાણચોરોએ દરિયામાં ફેંકી દીધા હતા.

હરામી નાળાની સુરક્ષાને ધ્યાને લઇ લશ્કર, નેવી, એરફોર્સ, કોસ્ટગાર્ડ, બીએસએફ, પોલીસ, મરીન ફોર્સ, ઇન્ટેલિજન્સ એજન્સીઓના સંકલનમાં સાગર શક્તિ કવાયત પણ હાથ ધરવામાં આવી હતી જેમાં બીએસએફ દ્વારા હરામી નાળામાં એક ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. પાકિસ્તાન સાથે સરહદે બોર્ડર ફેન્સિંગની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. 

ડીઆઇજી એમએલ ગર્ગે કહ્યું હતું કે ગયા વર્ષે ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પરથી 24 ભારતીય, બે બાંગ્લાદેશી અને બે પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરવામાં આવી છે. 24 ભારતીય ઘૂસણખોર પૈકી પંજાબના બે દાણચોર પકડાયા હતા. તેઓ બાડમેર સેક્ટરમાં આવ્યા હતા. પાકિસ્તાનના દાણચોરો દ્વારા મોકલવામાં આવેલા 15 કિલો હેરોઇનના જથ્થા સાથે તે ઝડપાઇ ગયા હતા.