Gujarat

વડોદરામાં છેલ્લા 22 વર્ષમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી

By GS Team
18 Jan 20201 min read
This article was originally published on 18 Jan 2020
વડોદરામાં છેલ્લા 22 વર્ષમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી

વડોદરા, તા. 18 જાન્યુઆરી 2020 શનિવાર 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 19ને રવિવારે પોલિયો નાબૂદી અભિયાન હેઠળ બાળકોને પોલિયો વિરોધી રસી પીવડાવવામાં આવશે. કોર્પોરેશન વિસ્તારમાં પાંચ વર્ષ સુધીની ઉંમરના 190000 બાળકોને આ કાર્યક્રમમાં આવરી લેવાશે. તારીખ 19ની સવારે સાડા નવ વાગ્યે ગોરવા અર્બન હેલ્થ સેન્ટર ખાતે રસીકરણ કાર્યક્રમનો શુભારંભ થશે.

પ્રથમ દિવસે 1059 બૂથ પર બાળકોને રસી પીવડાવશે. વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 1998 બાદ એટલે કે છેલ્લા 22 વર્ષમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી. ગુજરાતમાં પોલિયોનો છેલ્લો કેસ 2007માં સાવરકુંડલામાં નોંધાયો હતો, જ્યારે ભારતમાં છેલ્લો કેસ 2011માં પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યો હતો.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હજી પોલિયોના કેસો જોવા મળે છે. પોલિયો ચેપી રોગ છે. વિશ્વમાં 2018માં પોલિયોના 33 કેસ હતા. જેમાંથી 12 પાકિસ્તાનમાં અને 21 અફઘાનિસ્તાનમાં નોંધાયા હતા. 2019માં પોલિયોના કેસ વધીને 94 થયા છે. જેમાં આફ્રિકાના કેટલાક દેશોનો પણ સમાવેશ થયો છે.

વડોદરામાં રસીકરણ માટે 1059 બુથ ઉભા કર્યા છે જ્યાં 40 ડોક્ટરો 1000 કોર્પોરેશનના હેલ્થ વર્કરો કાર્યકરો વગેરે મળી ચાર હજારથી વધુનો સ્ટાફ ત્રણ દિવસ રસીકરણની કામગીરીમાં જોડાશે.

ભારતમાં પોલિયોનો એક પણ કેસ જોવા ન મળે તે માટે દર વર્ષે પલ્સ પોલિયો કાર્યક્રમ યોજાય છે.