Gujarat

પૂર્વમાં ધોરણ 1 થી 9 ની સ્કૂલો વિદ્યાર્થીઓની હાજરીથી ફરી જીવંત બની

By GS Team
8 Feb 20222 mins read
This article was originally published on 8 Feb 2022
પૂર્વમાં ધોરણ 1 થી 9 ની સ્કૂલો વિદ્યાર્થીઓની હાજરીથી ફરી જીવંત બની

અમદાવાદ,તા.07 ફેબ્રુઆરી 2022, સોમવાર

કોરોનાની ત્રીજી લહેર ઓછી થઇ જતા હવે સરકારની લીલીઝંડી મળી જતા ધોરણ ૧ થી ૯ ના વર્ગોમાં ઓફલાઇન ક્લાસ સોમવારથી શરૂ થઇ ગયા હતા. પ્રથમ દિવસે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. વાલીની સંમતી, ક્લાસમાં પચાસ ટકા વિદ્યાર્થીઓ બોલાવવા, કોરોના પ્રોટોકોલનું પાલન સહિતની કામગીરી સ્કૂલોમાં આજે દિવસ દરમિયાન જોવા મળી હતી. જોકે સંક્રમણનો ભય, બાળકોની રસી હજુ સુધી આવી ન હોવા, લગ્નગાળો વગેરે કારણોસર પ્રથમ દિવસે મોટાભાગના વાલીઓએ તેમના બાળકોને સ્કૂલે મોકલ્યા નહતા. 

પૂર્વ અમદાવાદમાં આજે  ધોરણ ૧ થી ૯ ના વર્ગો વિદ્યાર્થીઓની હાજરી અને તેમના કલરવથી ફરી જીવંત બન્યા હતા. શહેરના માર્ગો પર બાળકોને લઇને વાહનોમાં દોડતા વાલીઓ પણ જોવા મળ્યા હતા. સ્કૂલવાન, રિક્ષામાં વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા. 

અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ ઘટયા હોવાથી રાજ્ય સરકારે હવે સ્કૂલ ચાલુ કરવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ વાલીઓના મનમાં હજુ  ઉંડાણમાં બાળકોને લઇને ભય જોવા મળી રહ્યો છે. બાળકને સ્કૂલે મોકલવું કે કેમ ?, સંક્રમણથી બચવા બાળકોને શું શું કરાવીએ ? હજુ રસી આવી નથી, રસી વગર બાળકોને સ્કૂલે મોકલીને સંક્રમણનું જોખમ લેવું કે કેમ ? ભણતરને મહત્વ આપવું કે બાળકના આરોગ્યની ચિંતા કરવી સહિતના વિવિધ પ્રશ્નો વાલીઓમાં આજના દિવસો ઉદભવ્યા હતા.

જોકે કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પ્રથમ દિવસે પણ સારી એવી હાજરી જોવા મળી હતી. ઓછી સંખ્યા હતી પરંતુ આ માહોલમાં નોંધપાત્ર હતી. અમદાવાદમાં ખાનગી શાળા ઉપરાંત મ્યુનિ.શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી. 

આ અંગે અમદાવાદ મ્યુનિ.સ્કૂલ બોર્ડના શિક્ષણાધિકારી ડૉ. લગધીર દેસાઇના જણાવ્યા મુજબ સોમવારે સ્કૂલો ચાલુ થવાની હોવાથી રવિવારે જ તમામ મ્યુનિ.સ્કૂલોમાં સફાઇ કરાવી દેવામાં આવી હતી અને સેનેટાઇઝેશન કરાવાયું હતું. શહેરમાં ૪૪૪ શાળામાં ૧,૬૫,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા  છે.

વાલાની સંમતી હશે તે વિદ્યાર્થીને ઓફલાઇન શિક્ષણ આપવામાં આવશે અને સંમતી નહી હોય તેવા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાની વ્યવસ્થા કરાઇ છે. સ્કૂલમાં ઓડ-ઇવન પદ્ધતિથી અભ્યાસ કરાવાશે, વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજિયાત છે, સેનેટાઇઝેશન પણ જરૂરી છે. સ્કૂલમાં પ્રવેશતી વખતે દરેક બાળકનું ટેમ્પરેચર માપવામાં આવશે આ માટે સ્કૂલોમાં ગન ટેમ્પરેચરની પણ વ્યવસ્થા કરાવાઇ છે.