બાકી મિલકત વેરાની વસૂલાત મામલે અમદાવાદ પૂર્વના ચાર ઝોનમાં ૮૩૪૧ મિલકત મ્યુ.તંત્ર દ્વારા સીલ

અમદાવાદ,રવિવાર,20
માર્ચ,2022
અમદાવાદ મ્યુનિ.ના ટેકસ વિભાગ દ્વારા બાકી મિલકત વેરાની
વસૂલાત માટે શહેરનાં અલગ અલગ ઝોનના વોર્ડ વિસ્તારમાં આવેલી મિલકત કે જેના
વપરાશકારો દ્વારા એક લાખ કે તેથી વધુ રકમનો મિલકતવેરો ભરપાઈ કરવામાં આવ્યો નથી.એવા
બાકીદારોની મિલકત સીલ કરી વેરાની વસૂલાત કરાઈ રહી છે.અમદાવાદ પૂર્વમાં
આવેલા ચાર ઝોનમાં પહેલી ફેબુ્આરીથી ૧૯ માર્ચ દરમ્યાન કુલ મળીને વેરો ભરપાઈ ના
કરનારા મિલકત ધારકોની ૮૩૪૧ મિલકત સીલ કરવામાં આવી છે.
શહેરના ઉત્તર ઝોનમાં ૨૭૧૦ મિલકત ટેકસ વિભાગ દ્વારા બાકી
મિલકતવેરાની વસૂલાત માટે સીલ કરવામાં આવી છે.મધ્ય ઝોનમાં ૨૫૭૫ મિલકત સીલ કરવામાં
આવી છે.દક્ષિણ ઝોનમાં ૧૬૭૫ મિલકત સીલ કરવામાં આવી છે.જયારે પૂર્વ ઝોનમાં ૧૩૮૧
મિલકત સીલ કરવામાં આવી છે.પહેલી એપ્રિલ-૨૦૨૧થી ૧૯ માર્ચ-૨૦૨૨ સુધીમાં શહેરના મધ્ય
ઝોનમાંથી મિલકતવેરાની આવક પેટે ૧૪૫.૦૬ કરોડની આવક ટેકસ વિભાગને થવા પામી હતી.આ સમય
દરમ્યાન ઉત્તર ઝોનમાંથી ૯૨.૬૫ કરોડ જેટલી આવક ટેકસ પેટે થવા પામી હતી.પૂર્વ
ઝોનમાંથી ૧૨૯.૩૧ કરોડ જેટલી આવક મિલકતવેરા પેટે થવા પામી હતી.જયારે દક્ષિણ
ઝોનમાંથી ૧૧૦.૧૨ કરોડ જેટલી રકમ મિલકતવેરા પેટે મળવા પામી હતી.
અમદાવાદ પૂર્વમાં મોટી રકમ ના ભરતા કરદાતાઓમાં કોણ-કોણ?
અમદાવાદમાં લાંબા સમયથી મિલકતવેરાની બાકી રકમ ભરપાઈ કરતા ના
હોય એવા કરદાતાઓની એક યાદી મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક
વકીલ દ્વારા તૈયાર કરાવવામાં આવી છે.આ યાદી જોતા સ્પષ્ટ દેખાઈ આવે છે કે,જે કરદાતાઓનો
મામૂલી એવી રકમનો મિલકતવેરો ભરવાનો બાકી હોય એવા કરદાતાઓની મિલકત સીલ કરી જશ ખાટવા
પ્રયાસ કરતા મ્યુનિ.સત્તાધારી પક્ષના હોદ્દેદારો જે કરદાતાઓની પાસેથી લાખોની રકમ
મિલકતવેરા પેટે વસૂલવાની નીકળે છે એવા કરદાતાઓની મિલકત નથી સીલ કરી શકતા કે નથી આ
પ્રકારના કરદાતાઓ પાસેથી બાકી મિલકતવેરાની રકમ વસૂલ કરી શકતા.
આ કરદાતાઓ સામે મ્યુનિ.તંત્ર લાચાર કેમ છે?
ઓકયુપાયર વેરાની
બાકી રકમ
રેલવે ૧,૬૮,૫૬,૯૯૨
એનટીસી ૧,૬૧,૮૯,૭૧૫
ડીઆરએમ ૧,૧૬,૫૯,૮૮૨
શાંતમ ઓટો ૭૪,૧૭,૪૨૮
ટ્રાન્સ પ્રા.લિ. ૬,૧૯,૪૨,૭૫૫
અદાણી ગેસ ૧,૫૦,૨૯,૭૬૮
ગુડસ શેડસ ૧,૩૫,૬૧,૮૩૩
રોલર સ્કેટીંગ ૧,૧૦,૭૫,૮૬૯
નરોડા એનવાયરો ૩૭,૨૮,૦૩૮
રેલવે બિલ્ડિંગ ૧૧,૧૭,૧૦,૮૦૨
બીબીસી માર્કેટ ૧,૯૧,૨૭,૪૩૯
સીતારામ ફાર્મ ૨,૩૩,૯૦,૦૬૫
સતનામ ઓટો ૭૪,૧૭,૪૨૮
આબાદ ડેરી ૧,૭૬,૮૬,૬૬૬




