Gujarat

લોકોને હેરાન કરનારાં પોલીકર્મીઓના કારણે સમગ્ર પોલીસફોર્સ બદનામઃ હાઇકોર્ટ

By GS Team
15 Feb 20221 min read
This article was originally published on 15 Feb 2022
લોકોને હેરાન કરનારાં પોલીકર્મીઓના કારણે સમગ્ર પોલીસફોર્સ બદનામઃ હાઇકોર્ટ

અમદાવાદ, મંગળવાર

          અમદાવાદના એસ.જી. હાઇવે પર ટ્રાફિક નિયમના ભંગ બદલ બે મહિલાઓને પોલીસકર્મીઓ દ્વારા માર મારવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આજે ફરી નારાજગી વ્યક્ત કરી હતી. ઓનલાઇન સુનાવણીમાં હાજર થયેલા પોલસ કમિશનરને ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીને કોર્ટે કહ્યું હતું કે લોકોને હેરાનગતિ કરનારાં કેટલાંક પોલીસકર્મીઓના કારણે સમગ્ર પોલીસ ફોર્સ બદનામ થાય છે. કોર્ટે પોલીસ કમિશનરને આ અંગે ઘટતી કાર્યવાહી કરવા અને જરૃર પડે તો જવાબદારોને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાં નિર્દેશ કર્યો છે.


આજની સુનાવણીમાં ખંડપીઠે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે રાતના સમયે સિગ્નલ તોડવું કે નો-એન્ટ્રીમાં પ્રવેશ કરવો તે ગંભીર બાબત નથી. સવારના સમયે કોઇ ટુ-વ્હીલરમાં દૂધ લેવા જાય ત્યારે હેલ્મેટ ન પહેર્યું હોય તે સ્વાભાવિક અને રોજીંદી બાબત છે. આવાં કિસ્સામાં મહિલાંઓ સામે આવાં પગલાં યોગ્ય નથી. રાતના સમયે મહિલાઓની ધરપકડનો કાયદો હોવા છતાં ટ્રાફિકભંગ અને બોલાચાલીના ગુનમાં મહિલાઓની ધરપકડ કરી તે અયોગ્ય બાબત છે. સુનાવણીમાં હાજર પોલીસ કમિશરને હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે કે ત્રણેય જવાબદાર પોલીસકર્મીઓ સામે ખાતાકીય તપાસ તેમજ મહિલાઓની ફરિયાજ અંગે થયેલી કાર્યવાહીનો રિપોર્ટ ૨૫મી ફેબુ્રઆરી સુધીમાં સીલબંધ કવરમાં આપવામાં આવે. ઉપરાંત પોલીસ કમિશનરે પણ આ અંગે ઘટતી કાર્યવાહી કરવાની કોર્ટને ખાતરી આપી હતી.