Gujarat

અમદાવાદમાં ગંભીર સ્થિતિ : પ્રત્યેક ૧૦૦ ટેસ્ટમાંથી ૩૭ વ્યક્તિ પોઝિટિવ

By GS Team
20 Jan 20222 mins read
This article was originally published on 20 Jan 2022
અમદાવાદમાં ગંભીર  સ્થિતિ : પ્રત્યેક ૧૦૦ ટેસ્ટમાંથી ૩૭ વ્યક્તિ પોઝિટિવ

અમદાવાદ, ગુરુવાર

ગુજરાતમાં કોરોનાના કેસને મામલે અમદાવાદ 'હોટસ્પોટ' બની ગયું છે. છેલ્લા ૧૫ દિવસથી રાજ્યમાં નોંધાતા કોરોનાના કુલ કેસમાંથી ૩૦%થી વધુ માત્ર અમદાવાદમાંથી જ નોંધાઇ રહ્યા છે. અમદાવાદમાં સાપ્તાહિક ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. એક સપ્તાહમાં અમદાવાદમાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો હવે વધીને ૨૯.૫૭% થઇ ગયો છે. આમ, પ્રત્યેક ૧૦૦ કોવિડ ટેસ્ટમાંથી ૩૦ વ્યક્તિ કોવિડ પોઝિટિવ આવે છે. 

અમદાવાદમાં બુધવારે ૨૩૦૮૫ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી કુલ ૮૫૨૯ કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ અમદાવાદમાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ૩૭% થઇ ગયો હતો. અમદાવાદમાં નોંધાયેલો આ સૌથી વધુ ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો છે. ૧૩થી ૧૯ જાન્યુઆરી દરમિયાન ગુજરાતના ૯ જિલ્લામાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ૧૦%થી વધુ નોંધાયો છે. જેમાં ૨૯.૫૭% અમદાવાદ મોખરે છે. સાપ્તાહિક ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો અમદાવાદમાં ૧૦થી ૧૬ જાન્યુઆરી દરમિયાન ૨૩.૧૧% હતો. જેમાં હવે ચિંતાજનક વધારો નોંધાયો છે.

ગુજરાતમાં ૧૩ થી ૧૯ જાન્યુઆરી દરમિયાન કુલ ૬,૩૧,૫૦૧ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં કુલ ૯૧૩૬૦ વ્યક્તિ પોઝિટિવ આવી છે.  ૧૩ જાન્યુઆરીએ ગુજરાતમાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ૯.૫૬% હતો અને તે હવે વધીને ૧૫.૧૨% થઇ ગયો છે. રાજ્યમાં બુધવારે ૧,૩૮,૬૭૪ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી ૨૦૯૬૬ એટલે કે ૧૫થી વધુ વ્યક્તિ પોઝિટિવ આવી હતી. ગુજરાતમાં ૭ જાન્યુઆરીએ ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ૭.૧૫% હતો. આમ, ૧૩ દિવસમાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો બમણાથી વધી ગયો છે. ગુજરાતમાં ૧૦થી ૧૬ જાન્યુઆરી ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ૫.૫% હતો.

 

૧૦ થી ૧૬ જાન્યુઆરી દરમિયાન વડોદરામાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ૧૮.૯૧% હતો અને તે હવે વધીને ૨૭.૭૫% થઇ ગયો છે. અન્ય જિલ્લાઓ કે જ્યાં સાપ્તાહિક ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ૧૦%થી વધુ છે તેમાં ગાંધીનગર, રાજકોટ, ભરૃચ, ભાવનગર, નવસારી, સુરત, જામનગરનો પણ સમાવેશ થાય છે. સાપ્તાહિક ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ૧૦%થી ઓછો હોય તેવા જિલ્લામાં મોરબી, મહેસાણા, વલસાડ, આણંદ, પોરબંદર, નર્મદા, પાટણ, ખેડા, કચ્છ, અમરેલીનો સમાવેશ થાય છે.

 

છેલ્લા એક સપ્તાહમાં કયા જિલ્લામાં સૌથી વધુ ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો?

જિલ્લો        ટેસ્ટ પોઝિ. રેશિયો

અમદાવાદ       ૨૯.૫૭%

વડોદરા          ૨૭.૭૫%

ગાંધીનગર       ૨૦.૦૦%

રાજકોટ          ૧૬.૯૯%

ભરૃચ            ૧૨.૮૫%

ભાવનગર       ૧૨.૧૮%

નવસારી        ૧૧.૮૭%

જામનગર       ૧૧.૩૫%

સુરત           ૧૧.૩૫%

મોરબી            ૯.૩૯%

(૧૩થી ૧૯ જાન્યુઆરી મુજબ.)