ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર યોજનામાં જમીન સંપાદનનું પૂરતું વળતર નહીં મળતા ખેડૂતોનું આંદોલન

વડોદરા,રેલવે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરમાં જમીન ગુમાવનાર ખેડૂતોની તા.૩૧મી માર્ચે શેરખી ખાતે બાપા સીતારામ મંદિરે મીટિંગ મળશે. જમીન વળતરના આર્બિટ્રેશનના કેસોનો નિવેડો લાવી ખેડૂતોની તરફેણમાં નિર્ણય કરવા સરકાર સામે આંદોલન કરવા નક્કી થયું છે.
એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા જણાવાયું છે કે જો ખેડૂતોને યોગ્ય વળતર નહીં ચૂકવાય તો ખેડૂતો કામ બંધ કરાવી દેશે. મંચે વધુમાં કહ્યું છે કે વડોદરા જિલ્લામાં રેલવે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર યોજના માટે ૩૨ ગામોના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે. જેમાં વડોદરા, પાદરા અને કરજણ તાલુકાના ખેડૂતોની જમીન સંપાદનની કાર્યવાહી ૨૦૦૯માં કરવામાં આવી હતી.
વડોદરા જિલ્લામાં અર્બન ડેવલપમેન્ટ વિસ્તારમાં આવેલા ગામોને ૬૦ ચો.મી.ના રૃા.૨૫ થી ૬૦ જમીન સંપાદનના બદલામાં ચૂકવવામાં આવ્યા છે, વિસ્તારમાં કરજણ તાલુકાના બોડકા ગામના ખેડૂતોને ચો.મી. રૃા.૯ ચૂકવાયા છે. જેથી વધુ વળતર માટે ખેડૂતોએ આર્બિટ્રેશનમાં કેસ દાખલ કરેલો છે. રેલવે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર દ્વારા જે સરકારી જમીન સંપાદન કરેલી તેનું મૂલ્યાંકન ખેડૂતોની સંપાદીત જમીનના મૂલ્ય કરતા વધુ હોવાથી ખેડા જિલ્લાના ખેડૂતોએ વચગાળાની અરજી દાખલ કરી હતી.
આર્બિટ્રેટર દ્વારા ખેડૂતની તરફેણમાં ચૂકાદો આપતા સરકાર ડિસ્ટ્રિકટ કોર્ટમાં ગઇ હતી અને ત્યારબાદ હાઇકોર્ટમાં અને સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. છતા તમામ જગ્યાએ ખેડૂતોની જીત થતા વચગાળાની રકમ પેટે ખેડા જિલ્લામાં વળતર ચૂકવવામાં આવેલું હતું.
રેલવે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરમાં જમીન ગુમાવનાર ખેડૂતોને ઓછુ વળતર મળતા આર્બિટ્રેશનમાં કેસો દાખલ કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારને આ કેસો ચલાવવામાં રસ નથી તેવુ લાગે છે. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૯ સુધી વડોદરા જિલ્લામાંથી હાઇસ્પીડ રેલ પ્રોજેકટ (બૂલેટ ટ્રેન) માટે પણ જમીન સંપાદન કરવામાં આવી હતી.
તેમાં ખેડૂતોને અર્બન ડેવલપમેન્ટ વિસ્તારમાં ૧ વીઘાના ૧ કરોડથી વધુ ચૂકવવામાં આવ્યા છે, અને સંમતિ એવોર્ડ કરવામાં આવ્યો છે. જ્યારે વડોદરા મુંબઇ એક્સપ્રેસ વેમાં પણ અર્બન ડેવલપમેન્ટ વિસ્તારના ગામોને પ્રતિ ચો.ફુટના રૃા.૧૨૦૦થી વધુ રકમ ચુકવવામાં આવી છે. શેરખી ગામના ખેડૂતોની જમીન રેલવે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરમાં સંપાદન થયા બાદ ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળતા આર્બિટ્રેશનમાં કેસો પેન્ડિંગ છે અને આ કેસોનો નિકાલ છેલ્લા ૧૨ વર્ષથી થતો નથી.




