Gujarat

અમદાવાદમાં ઈલેકટ્રીક વાહનના ચાર્જિંગ સ્ટેશનની યાદી વેબસાઈટ-એપ્લિકેશન ઉપર મુકવામાં આવશે

By GS Team
25 Nov 20212 mins read
This article was originally published on 25 Nov 2021
અમદાવાદમાં ઈલેકટ્રીક વાહનના ચાર્જિંગ સ્ટેશનની યાદી  વેબસાઈટ-એપ્લિકેશન ઉપર મુકવામાં આવશે

અમદાવાદ,બુધવાર,24 નવેમ્બર,2021

અમદાવાદ શહેરમાં ઈલેકટ્રીક વ્હીકલ પોલીસીના અમલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંગલ વિન્ડો પધ્ધતિથી અરજીઓનો નિકાલ કરવા માટે મેનેજમેન્ટ સેલની રચના કરી છે.આવનારા સમયમાં શહેરમાં ઈલેકટ્રીક વાહનોના ચાર્જિંગ સ્ટેશનોના લોકેશન સાથેની યાદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપરાંત એ.એમ.સી.એપ ઉપર પણ મુકવામાં આવશે એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ,૨૩ સપ્ટેમ્બરના રોજ મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં એ.એમ.સી.ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જ પોલીસી-૨૦૨૧ના અમલીકરણની દરખાસ્તને ઠરાવ દ્વારા મંજુરી આપવામાં આવી હતી.આ પોલીસીના અમલ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મેનેજમેન્ટ સેલની રચના કરવામાં આવી છે.આ સેલમાં એસ્ટેટ,લાઈટ ઉપરાંત વેલ્યુએશન તથા એજયુકેશન સેસ વિભાગના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.આ કમિટી ડેપ્યુટી કમિશનર પ્રોજેકટની દેખરેખ હેઠળ કામગીરી કરશે.ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન માટે આવતી અરજીઓની ચકાસણી કર્યા બાદ જરુરી મંજુરી આપવામાં આવશે.શહેરના તમામ ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનના લોકેશન જીયોગ્રાફીકલ ઈન્ફર્મેશન સિસ્ટમ  આધારીત મેપની મદદથી તૈયાર કરી આવનારા સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય વેબસાઈટ ઉપરાંત એ.એમ.સી.એપ સહિતની અન્ય એપ્સ ઉપર પણ મુકવામાં આવશે જેથી ઈલેકટ્રીક વ્હીકલ ધરાવતા વાહન ચાલકો આ લોકેશન સરળતાથી જોઈ તેમના વાહનના ચાર્જિંગ માટે પહોંચી શકે.ઉપરાંત સમયાંતરે આ વિગત અપડેટ કરી તેમાં નવા ચાર્જિંગ સ્ટેશનોનો ઉમેરો કરવામાં આવશે.પોલીસીના ઝડપથી અમલીકરણ માટે મેનેજમેન્ટ સેલ ઉપરાંત સબ કમિટી તથા ડેપ્યુટી કમિશનર પ્રોજેકટ સહિતના અધિકારીઓની એક મુખ્ય કમિટી પણ બનાવવામાં આવી છે.જે પોલીસીના અમલ માટે લેવામાં આવેલા નિર્ણયોની સમીક્ષા કરશે.