Gujarat

મહિલા સશકિતકરણની વાત વચ્ચે બેવડા માપદંડ, મ્યુનિ.સ્વિમિંગપુલમાં મહિલા ટ્રેનરના કોન્ટ્રાકટની સમયમર્યાદા છ માસની કરાઈ

By GS Team
3 Mar 20221 min read
This article was originally published on 3 Mar 2022
મહિલા સશકિતકરણની વાત વચ્ચે બેવડા માપદંડ, મ્યુનિ.સ્વિમિંગપુલમાં મહિલા ટ્રેનરના કોન્ટ્રાકટની સમયમર્યાદા છ માસની કરાઈ

  અમદાવાદ, બુધવાર, 2 માર્ચ,2022

અમદાવાદ મ્યુનિ.ના વર્તમાન સત્તાધીશો મહિલા સશકિતકરણની વાતો વચ્ચે બેવડા માપદંડ અપનાવી મહિલા કર્મચારીઓને અન્યાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ વિપક્ષનેતા દ્વારા કરવામાં આવ્યો છે.શહેરના સ્વમિંગપુલમાં મહિલા ટ્રેનરની કોન્ટ્રાકટની સમયમર્યાદા ૧૧ મહિનાથી ઘટાડીને ૬ મહિના કરી દેવાઈ છે.દસ વર્ષથી વધુના સમયથી તેઓ ફરજ બજાવતા હોવા છતાં કાયમી કરવામાં આવતા નથી.

અમદાવાદ મ્યુનિ.હસ્તકના શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા સ્વિમિંગપુલમાં બપોરની પાળીમાં મહિલાઓને સ્વિમિંગ શીખવવા માટે ખાસ બેચ રાખવામાં આવે છે.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે આ અંગે પ્રતિક્રીયા આપતા કહ્યુ, શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા સ્વિમિંગપુલ ખાતે હાલમાં ૧૭ જેટલા મહિલા ટ્રેનર કોન્ટ્રાકટ પધ્ધતિથી ફરજ બજાવી રહ્યા છે.આ મહિલા ટ્રેનરની કોન્ટ્રાકટની સમયમર્યાદા અગાઉ ૧૧ માસની હતી જે ઘટાડીને મ્યુનિ.તંત્ર દ્વારા છ મહિનાની કરી દેવામાં આવી છે.મહિલા ટ્રેનરને દર મહિને ૭,૫૫૦  ફિકસ વેતનથી નિમણૂંક આપવામાં આવી છે.મહિલા ટ્રેનર પૈકી કેટલાક ટ્રેનર છેલ્લા ૧૩,૧૧ અને ૯ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે.આમ છતાં અનેક વખત રજૂઆત કરવા છતાં ન તો તેમના વેતનમાં વધારો કરવામાં આવે છે કે નથી તેમને કાયમી કરવામાં આવતા.

રાજયના અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા કે રાજકોટ, વડોદરા,સુરત અને ભાવનગરમાં મહિલા ટ્રેનરની કાયમી નિમણૂંક કરવામાં આવી છે.પરંતુ અમદાવાદ મ્યુનિ.માં મહિલા સશકિતકરણના ઓઠા હેઠળ મહિલાઓનું શોષણ કરવામાં આવી રહ્યુ હોવાથી મ્યુનિ.કમિશનરને મહિલા ટ્રેનરને ન્યાય મળે એવી ત્વરીત કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષ તરફથી અપીલ કરવામાં આવી છે.