સરકારે તમામ માંગ સ્વીકારી લેતા ડોક્ટરોની સામૂહિક હડતાળ કેન્સલ

અમદાવાદ
ઘણા સમયથી
પડતર માંગણીઓ બાબતે સરકાર દ્વારા નક્કર ઉકેલ ન લવાતા અને કેટલીક માંગણીઓ ન
સ્વીકારાતા અંતે ડોક્ટરોએ કોરાનાની હાલ ચાલી ત્રીજી લહેર સમયે હડતાળ પર ઉતરવાની
ચીમકી આપી સરકાર પર ભારે દબાણ વધાર્યુ હતુ .અંતે ડોક્ટરોની પ્રેશર ટેકનિક કામ આવી
ગઈ હતી અને આજે સવારે ડોક્ટરો ઈમરજન્સી સેવા સહિતની તમામ સેવા બંધ કરે તે પહેલા જ
આરોગ્યમંત્રીએ સમાધાન બેઠક માટે બોલાવી લીધા હતા.જેમાં તમામ માંગણીઓ અંતે સ્વીકારી
લેવાતા ગવર્મેન્ટ ડોક્ટર ફોરમે સામુહિક હડતાળ પાછી ખેંચી લીધી હતી.
ઉચ્ચતર પગાર
ધોરણ, એરિયર્સ, બઢતી, સળંગ નોકરી
સેવા તથા અન્ય લાભો સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઈને રાજ્યની સરકારી મેડિકલ
કોલેજોના અધ્યાપકો, જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના અધ્યાપકો તેમજ
ક્લાસ-૨ ઈન સર્વિસ ડોક્ટરો અને ડેન્ટલના અધ્યાપકો સહિતના વિવિધ મંડળો સરકારને
અનેકવાર રજૂઆતો કરી ચુક્યા હતા.સરકાર તરફથી કેટલીક માંગણીઓૅ સ્વીકારાઈ હતી પરંતુ
ઉચ્ચતર પગાર ધોરણ સહિતની કેટલીક મુખ્ય માંગણીઓ ન સ્વીકારાતા અને સરકાર તરફથી લેખિત
કોઈ પણ બાંયધરી ન મળતા અધ્યાપકો-ડોક્ટરોના તમામ મંડળો એક થઈ ગયા હતા અને સરકાર
સામે લડવા માટે ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર ફોરમની રચના કરી હતી.આ ફોરમ દ્વારા ગત ડિસેમ્બરમાં
સરકાર સાથે બે વાર સમાધાન બેઠક થઈ હતી જેને પગલે ડોક્ટરોએ બે વાર હડતાળ મોકુફ રાખી
હતી પરંતુ તેમ છતાં સરકાર તરફથી કોઈ નક્કર લેખિત ખાત્રી ન મળતા અતે ડોક્ટર ફોરમે
કોરોનાની હાલની ગંભીર સ્થિતિમાં સરકાર પર દબાણ વધારતા ૨૦મીથી સામુહિક હડતાળની
જાહેરાત કરી દીધી હતી.
ડોક્ટરોએ
ઈમરજન્સી સેવા પણ બંધ કરવાની ચીમકી આપી દીધી હતી.કોરોનામાં જ્યાં હાલ રાજ્યમાં
૧૫થી૨૦ હજાર કેસો આવતા સ્થિતિ ભારે ચિંતાજનક બની છે ત્યારે ડોક્ટરોની સામુહિક
હડતાળ અન્ય રોગોની સારવાર સાથે કોરાનામાં પણ મોટી મુશ્કેલી ઉભા થવા સાથે
હોસ્પિટલોમાં સારવારની સંપૂર્ણ સીસ્ટમ ખોરવાઈ જાય તેમ હોય સરકાર ગઈકાલે હરકતમ આવી
ગઈ હતી અને મોડી રાત્રે ડોક્ટરોના મંડળ સાથે વાતચીત શરૃ કરી હતી.આજે ડોક્ટરો હડતાળ
પર ઉતરે તે પહેલા જ આરોગ્યમંત્રીએ સવારે ગાંધીનગર ખાતે સમાધાન બેઠક માટે બોલાવી
લેવામા આવ્યા હતા.ત્રણ મંત્રીઓની કમિટી તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે
ડોક્ટર ફોરમના હોદ્દેદારોની ચર્ચા થઈ હતી અને જેમાં સરકાર તરફથી તમામ માંગણીઓ
સંપૂર્ણપણે સ્વીકારી લેવાઈ હતી.ઉપરાંત ૩૧મી માર્ચ પહેલા તમામ મુદ્દે લેખિત ઓર્ડરો
સાથે ઉકેલ લાવી અમલ પણ કરી દેવા સરકારે ખાત્રી આપી હતી.જેને પગલે ગુજરાત ગવર્મેન્ટ
ડોક્ટર ફોરમે સવારે હડતાળ પાછી ખેંચી લેવાની જાહેરાત કરી દીધી હતી.આમ વર્ષોથી
પેન્ડિંગ ડોક્ટરોની મુખ્ય ૧૧ માંગણીઓ સ્વીકારાઈ છે.




