Gujarat

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2022ની ડાયરી હજુ ત્રણ મહિને પણ પ્રસિદ્ધ થઈ શકી નથી

By GS Team
23 Mar 20222 mins read
This article was originally published on 23 Mar 2022
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2022ની ડાયરી હજુ ત્રણ મહિને પણ  પ્રસિદ્ધ થઈ શકી નથી

- સમગ્ર સભામાં ડાયરીની દરખાસ્ત મંજૂર 

- ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતા ડાયરી મોડી પ્રસિદ્ધ થઈ 

વડોદરા,તા.23 માર્ચ 2022,બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2022 ની 35000 ડાયરી પ્રસિદ્ધ કરવા સમગ્ર સભામાં દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. આ ડાયરી પ્રસિદ્ધ કરવાનો કોર્પોરેશનને આશરે 29 લાખ રૂપિયા ખર્ચ થવાની સંભાવના છે. ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ કરવામાં આવતા ડાયરી પ્રસિદ્ધ કરવામાં કોર્પોરેશનને ત્રણ  મહિના જેટલો સમય થયો છે. વર્ષ 2022ના ત્રણ મહિના પુરા થવા આડે આઠ દિવસ બાકી છે, અને ડાયરી હજુ બહાર પડી નથી. અગાઉ કેન્દ્ર સરકારનો આદેશ હાર્ડ કોપીને બદલે પી.ડી.એફ.ફોર્મેટમા ઈ -ડાયરી પ્રસિદ્ધ કરવા હતો અને આ માટે સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજુ થઇ હતી, પરંતુ સમિતિએ વર્ષોની પરંપરા મુજબ હાર્ડ કોપીમાં જ ડાયરી પ્રસિદ્ધ કરવા ગયા નવેમ્બરમાં નિર્ણય કર્યો હતો. કોર્પોરેશનની ડાયરીમાંથી શહેરીજનોને  ઉપયોગી અને જરૂરી સરકારની તથા શહેરના વિવિધ વહીવટી વિભાગોની, કોર્પોરેશનના વિવિધ હોદ્દેદારો, પદાધિકારીઓ, વોર્ડ ઓફિસો, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિ વગેરેની વોર્ડ મુજબ માહિતીઓ મળી રહે છે. છેલ્લે વર્ષ 2020માં કોર્પોરેશને 35000 ડાયરીઓ છાપી હતી. જેનો ખર્ચ રૂપિયા 29.48 લાખ થયો હતો. વર્ષ 2020માં કેન્દ્ર સરકારના આદેશ મુજબ ડાયરી વેબસાઇટ પર ઓનલાઇન પ્રસિદ્ધ કરી હતી, પરંતુ  ઓનલાઇન હોવાના કારણે લોકોને અને ખુદ કોર્પોરેશનના સ્ટાફ,અધિકારીઓ અને કોર્પોરેટરોને પણ નંબર વગેરે માટે ખૂબ તકલીફ પડી હતી. જેથી સમિતિએ ડાયરી હાર્ડ કોપીમાં જ પ્રસિદ્ધ કરવા ઠરાવ કર્યો  હતો. સમગ્ર સભામાં ડાયરીની દરખાસ્ત મંજૂર કરી તેમાં કોર્પોરેશનના હોદ્દેદારો અને કોર્પોરેટરોને  કોમ્પ્લીમેન્ટરી કેટલી આપવી તેની સંખ્યા પણ નક્કી કરવામાં આવી છે. દરમિયાન સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ જણાવ્યું હતું કે ડાયરી અઠવાડિયામાં પ્રસિદ્ધ થઈ જશે. તેનો નમૂનો પણ આવી ગયો છે. ડાયરી કોમ્પેક્ટ બનાવવામાં આવી છે. આવતા વર્ષે ડાયરી સમયસર મળે તે માટેની વ્યવસ્થા આગોતરી ગોઠવાશે.