Gujarat

બજેટમાં ચોથી વખત જોગવાઇ છતાંય નરોડા પાટિયા ઓવરબ્રિજ કાગળ પર જ રહ્યો !

By GS Team
7 Feb 20222 mins read
This article was originally published on 7 Feb 2022
બજેટમાં ચોથી વખત જોગવાઇ છતાંય નરોડા પાટિયા ઓવરબ્રિજ કાગળ પર જ રહ્યો !

અમદાવાદ,તા.06 ફેબ્રુઆરી 2022, રવિવાર

નરોડા પાટિયા ઓવરબ્રિજ બનાવવાની જોગવાઇ મ્યુનિ.કોર્પોરેશનના બજેટમાં આ ચોથી વખત કરવામાં આવી  છે. છેલ્લા ત્રણ વર્ષથી ત્રણ બજેટમાં ઢોલ વગાડીને, વટભેર બ્રિજની વાતો કરી , રકમ ફાળવી પરંતુ વર્ષના અંતે કામગીરી શૂન્ય ! આ વખતે નાણાકિયા વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં પણ ફરીથી એટેલેકે ચોથી વખત આ બ્રિજ બનાવવાની વાત કરાઇ છે, તે માટે ૧૬૫ કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ છે, નરોડાથી ગેલેક્સી સિનેમા સુધી અઢી કિ.મી.લાંબો બ્રિજ બનાવવાનું બજેટમાં  જણાવાયું છે.

બજેટની જોગવાઇઓ કાગળ પર રહી જાય છે, વાસ્તવિક ધરાતલ પર વર્ષો સુધી તેનું નામોનિશાન દેખાતું નથી. પૂર્વ અમદાવાદીઓ હવે સત્તાધીશોની બજેટની ચાલાકીઓ ઓળખી ગયા છે. ચૂંટણીમાં ખોટા અપાતા વાયદા-વચનો હવે બજેટમાં પણ અપાઇ રહ્યા છે જેને લઇને શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

નરોડા પાટિયાએ ઉત્તર ગુજરત અને ઉત્તર ભારતમાંથી અમદાવાદમાં આવતા-જતા વાહનોનું પ્રવેશદ્વાર છે. નેશનલ હાઇવે ૮ અહિયાથી પસાર થાય છે. નરોડામાં ફ્રુટ માર્કેટ છે. જ્યાં છેક કાશ્મીરથી સફરજન ભરીને ટ્રકો આવતી હોય છે. દક્ષિણ ભારતમાં જવા માટેનો આ નેશનલ હાઇવે હોવાથી માલવાહક ટ્રકો, ટ્રાવેલ્સની લકઝરીઓ, ખાનગી વાહનો અહીયાથી પસાર થતા હોવાથી આખો દિવસ ટ્રાફિકજામ રહે છે.

નરોડા જીઆઇડીસીમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, તેના વાહનોની ભારે અવર-જવર રહે છે. બીજી બાજુ ઉત્તર ગુજરાત જતી-આવતી તમામ એસ.ટી.બસો પણ કાલુપુર, મેમ્કો, નરોડા પાટિયા થઇને જ પસાર થાય છે. બીજી તરફ આ પાટિયા પાસે જ એસ.ટી.નું એશિયાનું સૌથી મોટુ વર્કશોપ આવેલું છે. સરદારનગર, કુબેરનગર, કૃષ્ણનગર, સૈજપુર બોઘા સહિતના વિસ્તારોનો ટ્રાફિક પણ આ રસ્તેથી પસાર થાય છે. કુબેરનગર આઇટીઆઇ પણ આ રોડ પર આવેલી છે.

પીક અવર્સમાં પાટિયા પાસે રિક્ષા સહિતના ખાનગી વાહનોનો અડિંગો હોવાથી ચક્કાજામની સ્થિતિ દૈનિક બની ગઇ છે. ઓવરબ્રિજ બનાવવાની માંગણી વર્ષો જુની છે. સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટરો આ વિગતોથી અજાણ નથી. લોકોને રાજી કરવા માટે મ્યુનિ.બજેટમાં ઓવરબ્રિજ બનાવવાની વાત કરીને , એક ચોક્કસ રકમ જાહેર કરીને પ્રજાને લોલીપોપ આપી દે છે. પરંતુ વર્ષના અંતે બ્રિજ બનાવવા માટે એક ઇંટ પણ મુકાઇ હોતી નથી. આ છેલ્લા ત્રણ બજેટથી ચાલી આવી રહ્યું છે. હવે ચોથી વખત પ્રજાને ઓવરબ્રિજનું આશ્વાસન અપાયું છે.

આ અંગે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ કોર્પોરેટરો, ધારાસભ્ય અને સાંસદ નરોડા પાટિયા ઓવરબ્રિજ બનાવવાની વાત કરે છે , રાજ્ય સરકારે તેની સૌધાંતિક મંજુરી પણ આપી દીધી છે. મ્યુનિ.બજેટમાં જોગવાઇ પણ કરાય છે પરંતુ પરિણામ શુન્ય છે. 

પૂર્વ અમદાવાદ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવાઇ રહ્યું છે તેનું આ તાજુ ઉદાહરણ છે. સત્તાધીશોની કથની અને કરણીમાં કેટલો ફેર છે તેનું પણ આ ઉદાહરણ છે. લોકોને ખોટી રીતે ભરમાવવાને બદલે બજેટની જોગવાઇ પ્રમાણે વિકાસ કામો સમયસર થવા જોઇએ તેવી રહીશોની માંગણી છે.