Gujarat

ડેપોની બસોએ 8.60 લાખ કિલોમીટરની અવરજવર કરી

By GS Team
6 Feb 20222 mins read
This article was originally published on 6 Feb 2022
ડેપોની બસોએ 8.60 લાખ કિલોમીટરની અવરજવર કરી

છેલ્લા એક વર્ષ દરમિયાન ગાંધીનગર એસ.ટી.

કોરોના કાળમાં અવાર નવાર સંચાલન ખોરવાતાં વર્ષ ૨૦૨૦માં ૬.૩૭ લાખ કિલોમીટર બસો દોડી હતી

ગાંધીનગર: ગાંધીનગર એસટી ડેપો દ્વારા હાલમાં ૧૦૦થી વધુ બસો શહેરી સુવિધા માટે દોડાવવામાં આવી રહી છે. રોજના પાંચ લાખથી વધુની આવક પ્રાપ્ત કરતાં ડેપો દ્વારા ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ કિલોમીટરનું સંચાલન કરવામાં આવ્યું છે. કોરોનાકાળમાં અવાર નવાર સંચાલન ખોરવાઇ જતાં ફક્ત ૬.૩૭  લાખ કિલોમીટરની અવર જવર થઇ શકી હતી. જેની સામે ગત વર્ષે ૮.૬૦ લાખ કિલોમીટર દોડાવવામાં આવી છે ત્યારે દિનપ્રતિદિન મુસાફરોની માંગને ધ્યાને રાખીને વધુને વધુ બસો દોડાવાઇ રહી છે.

રાજ્યના પાટનગરમાં આવેલાં એસટી ડેપો દ્વારા હાલમાં અમદાવાદ - ગાંધીનગર વચ્ચે બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. તો કર્મચારીઓ માટે અવર જવર કરતી પોઇન્ટની બસો પણ ડેપો તંત્ર દ્વારા દોડાવવામાં આવી રહી છે. હાલમાં ગાંધીનગર ડેપો પાસે ૧૦૦થી વધુ બસોનું સંચાલન કરાઇ રહ્યું છે. રોજની ૭૦૦થી ૮૦૦ જેટલી ટ્રીપો વિવિધ માર્ગો ચલાવાઇ રહી છે. આમ વર્ષ ૨૦૨૦માં કોરોનાના કપરાકાળમાં અવાર નવાર સરકાર દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવતાં બસોની સુવિધા પણ બંધ કરવામાં આવી હતી. જેના પગલે વર્ષ દરમિયાન કિલોમીટરનું સંચાલન પણ ઘટી જતાં ૬૩,૭૯,૪૫૪ કિ.મી. અવર જવર કરી હતી. ત્યારે તબક્કાવાર બસો શરૃ કરવામાં આવતાં હાલમાં ૧૦૦ ટકા સંચાલન ગાંધીનગર ડેપો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના પગલે રોજની પાંચ લાખથી વધુની આવક પ્રાપ્ત થઇ રહી છે. ગત વર્ષે અગાઉના વર્ષની સરખામણીએ કિલોમીટરમાં પણ વધારો થવા પામ્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન શહેરી બસ સુવિધાની બસો દોડાવીને ૮૬,૦૦,૬૭૨ કિલોમીટરનું સંચાલન ગાંધીનગર ડેપો દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં મુસાફરોની માંગને ધ્યાને રાખીને અલગ અલગ રૃટ ઉપર બસો દોડાવવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં નવી બસોની ફાળવણી થયા બાદ સંચાલન પણ વધારે થશે તેવી આશા પણ વ્યક્ત કરાઇ છે.