અમૂલ દૂધ પાવડર, પોલિ ફિલ્મ પેકેજિંગ પ્લાન્ટનું ઉદઘાટન
ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે ત્યારે સારા ભાવ મળે તે માટે અમૂલને માર્કેટિંગ વ્યવસ્થા ઉભી કરવા અપીલ
અમદાવાદ : ગાંધીનગર ખાતે અમૂલ ફેડ ડેરીના દુધ પાવડર પ્લાન્ટ, પોલિ ફિલ્મ પેકેજીંગ પ્લાન્ટ, વેરહાઉસીંગ સુવિધા સહિત અન્ય પ્રોજેક્ટનું ઉદઘાટન કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે અમૂલને સહકારી મોડેલ-મહિલા સશક્તિકરણની સફળતાનું સૌથી મોટુ ઉદાહણ ગણાવ્યુ હતું.
તેમણે સ્પષ્ટપણે મત વ્યક્ત કર્યો કે, ગુજરાતે દેશને આપેલું સહકારિતા મોડેલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું શ્રેષ્ઠ મોડેલ છે.આ ઉપરાંત સહકારી મોડેલએ દેશ માટે આદર્શ અને આર્થિક મોડેલ છે. સામાન્ય લોકોને સમૂહમાં જોડી પ્રચંડ જનશક્તિએ સહકારિતાની આગવી તાકાત છે. અમિત શાહે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધ્યાં છે ત્યારે ખેત પેદાશના સારા ભાવ મળે તે માટે અમૂલને માર્કેટિંગ સહિતની વ્યવસ્થા ઉભી કરવા અપીલ પણ કરી હતી.
રવિવારે અમૂલ ફેડ ડેરીના દુધ પાવડર પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, વિશ્વમાં વિકાસના ઘણા મોડેલ આવ્યા છે પરંતુ આર્થિક સક્ષમતા સાથે સૌને વિકાસની ઉન્નતિની તક આપતુ સહકારિતાનુ મોડેલ આઝાદીના 75 વર્ષ બાદ પ્રધાનમંત્રીએ સરકારમાં સહકારિતા વિભાગ શરૂ કરીને આપ્યુ છે.
75 વર્ષ પહેલાં 21 ગામોમાં શરૂ થયેલી સહકારી દૂધ ઉત્પાદન વેચાણની ચળવળ આજે 18 હજાર ગામડાઓના 36 લાખ સાથે જોડાઇ છે.સહકારિતાનુ જનઆંદોલન ગુજરાતે શ્રેષ્ઠતાપૂર્વક પ્રસ્થાપિત કર્યુ છે. આ ક્ષેત્રમાં દેશના અર્થતંત્રને ગતિ આપવાની જ નહીં, દરેક ક્ષેત્રોને વિકાસમય બનાવવાની આગવી ક્ષમતા છે તેવો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, દુનિયામાં વુમન એમ્પાવરમેન્ટની ચર્ચા કરનારા લોકો આજે ગુજરાતની ગ્રામિણ નારીશક્તિની ક્ષમતાના ઉત્કૃષ્ઠ અમૂલ પેટર્નનો અભ્યાસ કરી રહ્યા છે.
આ ઉપરાંત તેમણે અમૂલના 100 વર્ષ ઉજવીએ છીએ ત્યારે અમૂલને કયા સ્થાને લઇ જવું એ માટે અત્યારથી બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા પણ અપીલ કરી હતી. દેશ-દુનિયાના ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. પ્રગતિશીલ ખેડૂતોએ તેનો સ્વિકાર કર્યો છે ત્યારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનના યોગ્ય બજાર ભાવ મળે તે માટે અમૂલ બજાર વિતરણ વ્યવસ્થા માટે નક્કર આયોજન કરે તેવી પણ અમિત શાહે અપીલ કરી હતી.
અમૂલના સહાકારિતા મોડેલને લાંબા ગાળાના સર્વગ્રાહી વિકાસનુ મોડેલ ગણાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યુ કે, આઝાદી પહેલા ગાંધીજી અને સરદાર પટેલના માર્ગદર્શનમાં શરૂ થયેલી ગ્રામિણ દૂધ ઉત્પાદકોની પ્રવૃતિ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વટવૃક્ષ બની છે. દૂધ ઉત્પાદનના વેચાણના માધ્યમથી ગ્રામિણ અર્થતંત્રને સક્ષમ બનાવી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરે છે. આ લોકાપર્ણ પ્રસંગે દુધ ઉત્પાદન ક્ષેત્રે સિધ્ધી મેળવનારાં પ્રગતિશીલ ખેડૂતોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
હવે એક લાખ કરોડનું ટર્નઓવર એ અમૂલનું લક્ષ્યાંક
હાલ અમૂલનુ વાર્ષિક ટર્નઓવર રૂા.53 હજાર કરોડનું છે પણ ભવિષ્યમાં એક લાખ કરોડનું ટર્નઓવર થાય તે અમુલનુ મુખ્ય લક્ષ્યાંક છે. રૂા.257 કરોડના મૂડીરોકાણથી નવો મિલ્ક પાવડર પ્લાન્ટ તૈયાર કરાયો છે જેની દૈનિક ઉત્પાદન ક્ષમતા 150 ટનની છે જે એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ છે. રૂા.85 કરોડના નવા બટર પ્લાન્ટથી હવે હટર ઉત્પાદન કરવાની ક્ષમતા 40 મે.ટનથી વધીને 130 મે.ટન થશે. નવા પોલિ ફિલ્મ પેકેજીંગ પ્લાન્ટથી 50 લાખ લિટર લોંગ લાઇફ દૂધનો સંગ્રહ કરી શકાશે.
અમૂલે રાજકોટ નજીક ડેરી બનાવવા જમીન ફાળવવા રજૂઆત કરી
જીસીએમએમએફના ચેરમેને મુખ્યમંત્રીને અમૂલ ફેડ ડેરી માટે જમીન ફાળવવા વિનંતી કરી હતી. રાજકોટ નજીક ડેરી બનાવવા અમૂલ આયોજન કરી રહ્યુ છે. દેનિક 20 લાખ લિટર ક્ષમતા ધરાવતી ડૈરી નિર્માણ થશે તો સૌરાષ્ટ્રના દૂધ ઉત્પાદકો માટે ખુબ લાભદાયી પુરવાર થશેે. અમૂલે માત્ર ગુજરાતમાં જ નહીં, મહારાષ્ટ્ર, પંજાબ, પ.બંગાળ, તેલગાણા, રાજસ્થાન, હરિયાણા સહિતના રાજ્યોમાં ગય ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ ઔબનાવી છે.


