Gujarat

ખોખરામાં રેલવે કોલોનીની ફરતે દિવાલ ચણાવાના મામલે વિવાદ

By GS Team
23 Feb 20223 mins read
This article was originally published on 23 Feb 2022
ખોખરામાં રેલવે કોલોનીની ફરતે દિવાલ ચણાવાના મામલે વિવાદ

અમદાવાદ,તા.23 ફેબ્રુઆરી 2022, બુધવાર

ખોખરા રેલવે કોલોનીની ફરતે આરસીસીની ૭ ફૂટ ઉંચી દિવાલ ચણવાની કામગીરી રેલવે દ્વારા હાથ ધરાઇ છે. જમીનની હદને લઇને રેલવે અને મ્યુનિ.કોર્પોરેશન વચ્ચે વાદ-વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે. લાઇટના થાંભલા, એએમટીએસ બસ સ્ટેન્ડ, મ્યુનિ.ગટર-પાણીની લાઇનો બધુ જ દિવાલની અંદર આવી જતું હોવાથી સ્થાનિકો તેનો વિરોધ કરી રહ્યા છે અને આશંકા સેવી રહ્યા છેકે રેલવેએ કોર્પોરેશનની જમીનમાં દિવાલ ચણી લીધી છે. આ મામલે આજે દક્ષિણ ઝોનના ૧૫ જેટલા ઉચ્ચ મ્યુનિ.અધિકારીઓ દોડી આવ્યા હતા, પોલીસ બોલાવવી પડી હતી, જમીનની માલિકીની હદનો વિવાદ વધુ વકરતા હાલમાં દિવાલ ચણવાની કામગીરી બંધ કરાઇ છે.

ખોખરા વોર્ડના સ્થાનિક કોર્પોરેટર કમલેશ પટેલના જણાવ્યા મુજબ ખોખરા રેલવે કોલોનીની આજુબાજુમાં સાતેક જગ્યાએ રેલવે દ્વારા ૭ ફૂટ ઉંચી આરસીસીની દિવાલ ચણવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે કોર્પોરેશનની ઘણી મિલકતો દિવાલની અંદર જતી રહી છે. રોડ સાંકળો થઇ ગયો છે. સ્થાનિક લોકોએ તેઓનું આ મામલે ધ્યાન દોર્યું હતું. આથી તેમણે મ્યુનિ.અધિકારીઓને આ મામલે તપાસ કરીને રેલવે અને કોર્પોરેશનની હદ નક્કી કરવા જણાવ્યું છે. મૂળ જોવાની વાત એ છેકે રેલવેએ કોર્પોરેશનની જમીનમાં તો દિવાલ ચણી લીધી નથી ને.

દક્ષિણ ઝોનના ડે.મ્યુનિ.કમિશનર, આસી.ટીડીઓ, એડી.સીટી ઇજનેર, આસી કમિશનર, વોર્ડના અધિકારીઓ સહિતના  અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. રેલવેના અધિકારીઓએ બાંધકામ તેમની હદમાં  જ થઇ રહ્યું હોવાનો દાવો કર્યો હતો. જ્યારે રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા ૪૦ વર્ષથી આ રસ્તો ખુલ્લો છે.રહીશોનો આક્ષેપ કર્યો હતો કે  રેલવે દ્વારા સર્વે, માર્કિંગ કે પછી પોતાની માલિકીની જમીન હોવાના દસ્તાવેજ, નકશા સિવાય આડેધડ દિવાલ ચણી રહ્યું છે.

જેના કારણે જાહેર રસ્તો રેલવેની જમીનની અંદર આવી જતા રોડ સાંકળો બન્યો છે અને અનેક જાહેર સુવિધાઓ પણ દિવાલની અંદર જતી રહી છે. ઇડલી ચાર રસ્તા, રેલવે કોલોની બગીચો, રેલવેની પાણીની ટાંકી, ઝઘડિયા બ્રિજના છેડે હાલમાં દિવાલ ચણવાનું કામ ચાલી રહ્યું છે. જેને લઇને આ વિવાદ ચાલી રહ્યો છે. રહીશોની માંગણી છેકે રેલવે અને કોર્પોરેશને જમીનની માલિકીના નકશા લઇને સાથે બેસીને આ વિવાદનો ઉકેલ લાવવો જોઇએ. 

રેલવે કોલોનીમાં અસામાજિક તત્વોનો ત્રાસ હોવાથી દિવાલ ચણાઇ રહી છે

આ સમગ્ર વિવાદ અંગે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયનના સંયુક્ત રેલવે મંડલ મંત્રી સંજય સુર્યબલીના જણાવ્યા મુજબ રેલવે કોલોનીમાં અસામાજિક તત્વો ઘુસી જતા હતા. રહીશોને હેરાન કરતા હતા. ગેરકાયદે દબાણ, પાર્કિંગ કરતા હતા. એટલું જ નહીં રેલવે કોલોની જાણે કચરો ઠાલવવાની ડમ્પિંગ સાઇટ હોય તેમ ત્યાં કચરો ઠાલવી દેવાતો હતો. તૂટેલી બિલ્ડિંગોનો કાટમાળ ખડકી દેવાતો હતો.

આ બધી સમસ્યાને લઇને તેઓએ ડીઆરએમને રજૂઆત કરી હતી કે રેલવે કોલોનીની ફરતે દિવાલ ચણવામાં આવે. દિવાલ રેલવેની જગ્યામાં ચણવામાં આવી છે. રહી વાત એ કે મ્યુનિ.વીજ થાંભલા, ગટર-પાણીની લાઇનો , બસ સ્ટેન્ડ દિવાલની અંદર જતા રહ્યા છે. તો આ બાબતે એ સ્પષ્ટતા છેકે રેલવેની જગ્યામાં વીજ થાંભલા નાંખી દેવાથી જમીન કોર્પોરેશનની થઇ જતી નથી. 

આ સુવિધાઓનો લાભ રેલવે કોલોનીના રહીશોને પણ મળતો હતો તેથી તેઓએ આજદીન સુધી વિરોધ કર્યો નહતો.