Get The App

ભાજપે નાના વેપારધંધાઓ ભાંગી નાંખીને ગુજરાતની તાકાત તોડી નાંખી-રાહુલ ગાંધી

Updated: Feb 26th, 2022

GS TEAM

Google News
Google News
ભાજપે નાના વેપારધંધાઓ ભાંગી નાંખીને ગુજરાતની તાકાત તોડી નાંખી-રાહુલ ગાંધી 1 - image

દ્વારકાધીશને દર્શન કરી ગુજરાત કોંગ્રેસનો જુસ્સો વધારતા રાહુલ  

જમીન પર રહી સત્ય માટે લડનારા કોંગ્રેસનું નેતૃત્વ કરશે, એ.સી. ઓફિસમાં બેઠા રહેલાને અમે જ પેકેજ કરી ભાજપમાં ધકેલી દેશું 

રાજકોટ : ગુજરાત ધારાસભા-2022ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે  ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દ્વારકામાં યોજાયેલી કોંગ્રેસની ત્રિદિવસીય શિબિરમાં આવ્યા હતા અને કોંગ્રેસ ક્યા માર્ગે આગળ વધવ માંગે છે તે સ્પષ્ટ કરીને લાગલગાટ મળતી હારથી નિરાશ નહીં થવા કોંગ્રેસના પ્રદેશ નેતાઓને હાકલ કરી હતી.

જી.એસ.ટી., નોટબંધી, કોરોનામાં બેદરકારીથી ભાજપે ગુજરાતની કરોડરજ્જુ તોડી નાંખી છે, વિશ્વભરમાં ગુજરાતીઓ ફેલાયેલા છે, તેમની તાકાત નાના-મધ્યમ વેપાર ધંધ,ઈનોવેશનને  ભાંગી નાંખી ભાજપે ગુજરાતીઓની તાકાતને તોડી નાંખી છે. ગુજરાતમાં ઓક્સીજન અને સારવારના અભાવે 3 લાખ લોકો કોરોનામાં મોતને ભેટયા. 

તેમણે કહ્યું કોંગ્રેસમાં નહેરૂ,સરદાર,બોઝ ઘણા છે પણ વ્યુહાત્મક દિશાસૂચન (સ્ટ્રેટેજીક ડાયરેક્શન) આપનાર એક ગુજરાતી,મહાત્મા ગાંધીજી છે. આજે પણ તેઓ કોંગ્રેસના રાજનીતિક ગુરૂ છે. આપણે ગાંધીના માર્ગે જ ચાલવાનુ છે. પચીસ વર્ષ સુધી ભાજપ સામે હું અહીં ગુજરાતમાં હોઉ તો મારા આત્મવિશ્વાસને પણ થોડો ધક્કો પહોંચે પણ આ ચૂંટણી તમે (કોંગ્રેસ) જીતેલા જ છો, બસ આ વાતને સ્વીકારવાની જરૂર છે,

ગત ચૂંટણીમાં જીતની ખૂબ નજીક પહોંચ્યા હતા, વિશ્વાસ વધારો,ચોક્કસ જીતશો જ કહીને તેમણે 1990ના દસકામાં નેલ્સન મંડેલા સાથે તેમની મુલાકાતના કિસ્સાને યાદ કરીને કહ્યું કે મંડેલા 26 વર્ષ જેલમાં રહ્યા ત્યારે આટલો લાંબો સમય કેમ પસાર કર્યો તે પુછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે મારી સાથે મહાત્મા ગાંધીજી હતા, તેમના વિચારો હતા. જો ગાંધીના માર્ગે દક્ષિણ આફ્રિકામાં સરકાર બદલાતી હોય તો ભારતમાં કેમ નહીં?

કોંગ્રેસના પક્ષપલ્ટા અંગે કટાક્ષ કરતા કહ્યું- મને ખબર છે, આપણા કેટલાક નેતાઓ એ.સી.ઓફિસમાં બેઠા રહે છે, તેમને ટૂંક સમયમાં સાઈડલાઈન કરીશું અને પછી આપણે જ તેમને સરસ પેકેજમાં ભાજપમાં  ધકેલી દેશું.

સામે ભલે અક્ષણી સેના હોય આપણે ભગવાન કૃષ્ણની માફક  સત્યની લડાઈ લડવાની છે, સી.બી.આઈ., ઈ.ડી.,મિડીયા,ગુંડાઓ, બધા ભલે એ પક્ષમાં જતા, રોજ નવા કપડાં પહેરે પણ આપણે સત્યની સાદગીપૂર્ણ લડાઈ ચાલુ રાખીશું. 

કોંગ્રેસને જમીનથી જોડાયેલા પચીસ નેતા ભાજપની સત્તા ઉખાડવા સક્ષમ છે, કામ કરનારાને સંગઠન પૂરી તાકાત અને ટેકો આપશે. સત્યની લડાઈ માટે લાઠી કાવાવાળા, જમીનથી જોડાયેલા જ કોંગ્રેસનું નેતૃત્વ કરશે અને ગુજરાતમાં લોકોની લડાઈ લડનારાની પડખે હું જાતે ઉભો રહીશ.

રાહુલ ગાંધીએ દ્વારકાધીશના પરંપરાગત રીતે દર્શન કર્યા હતા અને કોંગ્રેસની ચિંતન શિબિરમાં સંબોધન કર્યું અને કોંગ્રેસના નેતાઓ સાથે બેસીને  ગુજરાતી ભોજન લઈ તેની પ્રશંસા કરી હતી. સાંજે તેઓ જામનગર એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા હતા.