Get The App

સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં લોકોને દુર રાખવાનો પ્રયાસ , અમદાવાદ મ્યુનિ.માં બાઉન્સર-સિકયુરીટી પાછળ વર્ષે ૧૦ કરોડની રકમનું આંધણ

રાજયના પૂર્વ મંત્રીઓની સિકયુરીટી ઘટાડાઈ પરંતુ મ્યુનિ.અધિકારીઓની કચેરી બહાર બાઉન્સરોની હાજરી યથાવત

Updated: Mar 24th, 2022

GS TEAM

Google News
Google News
સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં લોકોને દુર રાખવાનો પ્રયાસ , અમદાવાદ મ્યુનિ.માં બાઉન્સર-સિકયુરીટી પાછળ વર્ષે ૧૦ કરોડની રકમનું આંધણ 1 - image

અમદાવાદ,ગુરુવાર,24 માર્ચ,2022

રાજય સરકારે અગાઉની સરકારમાં મંત્રી રહી ચુકેલા મંત્રીઓને આપવામાં આવતી સિકયુરીટીમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.અમદાવાદ મ્યુનિ.મા ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ,કચેરીઓ ઉપરાંત હોસ્પિટલ અને પાર્કસ -ગાર્ડન સહિતના સ્થળોએ બાઉન્સર-સિકયુરીટી વ્યવસ્થા પાછળ દસ કરોડની રકમનું આંધણ કરવામાં આવે છે.બાઉન્સરોના કારણે હોસ્પિટલ સહિત અન્ય સ્થળોએ અનેક વખત ઘર્ષણના બનાવ પણ બનવા પામ્યા છે.કમિશનરે ચાર દિવસ પહેલા જ બાઉન્સર અને સિકયુરીટી ગાર્ડ અથવા ગનમેન રાખતા પહેલા તેમની મંજુરી ફરજિયાત લેવા સુચના આપી છે.

અમદાવાદ શહેરના સાત ઝોનમાં રહેતા નાગરિકો મ્યુનિ.ની મુખ્ય કચેરી ઉપરાંત અન્ય ઝોન કચેરી કે એલ.જી.,શારદાબહેન, એસ.વી.પી.હોસ્પિટલ સહિતના સ્થળોએ સારવાર કે નિદાન માટે રોજબરોજ મોટી સંખ્યામાં પહોંચતા હોય છે.મ્યુનિ.માં છેલ્લા પાંચ વર્ષથી પણ વધુના સમયથી ઉચ્ચ અધિકારીઓએ લોકોની વચ્ચે જઈ તેમના પ્રશ્નો અને ફરિયાદોનો નિકાલ કરવાનો હોય એના બદલે એ.સી.ચેમ્બરમાં બેસી કામકાજ કરે છે.આ અધિકારીઓની ચેમ્બરની બહાર તગડા અને કદાવર બાઉન્સરો ઉપરાંત સિકયુરીટી ગાર્ડ ફરજ ઉપર મુકવામાં આવ્યા હોવાથી સામાન્ય નાગરિક તો જે અધિકારીની ચેમ્બરમાં જતા જ ખચકાટ અનુભવતા હોય છે.

વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે આ અંગે પ્રતિક્રીયા આપતા કહ્યુ,જો રાજય સરકાર અગાઉની સરકારમાં મંત્રી રહી ચુકેલાઓની સુરક્ષા વ્યવસ્થામાં ઘટાડો કરવાનો નિર્ણય લેતી હોય તો મ્યુનિ.તંત્રમાં ફરજ બજાવતા ડેપ્યુટી કમિશનર,આસિસ્ટન્ટ કમિશનર સહિતના અન્ય અધિકારીઓને આપવામાં આવેલી બાઉન્સર અને સિકયુરીટી ગાર્ડની વ્યવસ્થા અંગે ફેરવિચારણા કરી મ્યુનિ.તિજોરી ઉપર પડતા આર્થિક બોજમાં ઘટાડો કરવો જોઈએ.શહેરના લોકો છે તો મ્યુનિસિપલ કોર્પોરેશન ચાલે છે.લોકો તેમના પ્રશ્નોની રજુઆત માટે આવતા હોય તો એને શંકાની નજરે જોઈ ના શકાય.દાણાપીઠ ખાતેની મુખ્ય કચેરી ઉપરાંત અન્ય ઝોન કચેરીઓ અને મ્યુનિ.હસ્તકની વિવિધ હોસ્પિટલ બહાર ફરજ ઉપર મુકવામાં આવેલા બાઉન્સર અને સિકયુરીટી ગાર્ડની સંખ્યા નિયંત્રિત થવી જરુરી છે.

સિકયુરીટી ગાર્ડને લઈ અનેક ગેરરીતી બહાર આવી હતી

મ્યુનિ.તરફથી જે એજન્સીઓને બાઉન્સર અને સિકયુરીટી ગાર્ડ પુરા પાડવા કામગીરી સોંપવામાં આવી હતી.આ એજન્સીઓ પૈકી કેટલીક એજન્સીઓએ ટેન્ડરની શરત કરતા ઓછા ગાર્ડ મુકી પુરી રકમનું પેમેન્ટ લીધુ હોવા ઉપરાંત મ્યુનિ.પાસેથી પુરી રકમ બીલ પેટે લઈ ગાર્ડને નિયમ મુજબ વેતન ના આપ્યુ હોવાની પણ ગેરરીતીઓ બહાર આવી હતી.જો કે બાદમાં રાજકીય દબાણ આવતા સમગ્ર તપાસ અભેરાઈ ઉપર ચઢાવી દેવામાં આવી હતી.