Gujarat

વડોદરા: બાઇક પર જતા દંપતી પર કાર ચઢાવી પતાવી દેવાનો પ્રયાસ

By GS Team
24 Mar 20222 mins read
This article was originally published on 24 Mar 2022
વડોદરા: બાઇક પર જતા દંપતી પર કાર ચઢાવી પતાવી દેવાનો પ્રયાસ

વડોદરા,તા.24 માર્ચ 2022,ગુરૂવાર

વડોદરા જિલ્લાના કરજણના નવાબજારની એ.પી.એમ.સી માર્કેટ ખાતે બાઇક પર જઇ રહેલા દંપતી પર કાર ચઢાવીને પતાવી દેવાનો પ્રયાસ થયો હતો. તેથી કારચાલક અને ફરિયાદીના પત્નીના પુર્વ પતિ સામે ફરિયાદ નોંધાઇ છે.

મળતી વિગતો મુજબ મુળ મહેસાણા જિલ્લાના ચડાસણા ગામના વતની અને હાલમાં કરજણના નવાબજારની શાસ્ત્રીપાર્ક સોસાયટીમાં રહેતા 41 વર્ષીય વેપારી સંજયકુમાર બળદેવ પટેલે પોલીસ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે સંજયે પ્રકાશ બાબુ પટેલ ( રહે. દેવગઢ તા. બેચરાજી જિ. મહેસાણા ) ની પત્ની પારૂલ સાથે બીજા લગ્ન કર્યા છે. તેની અદાવત પ્રકાશને હતી. તા.22 માર્ચના રોજ રાતે 8:45 વાગ્યે સંજય અને પારૂલ બાઇક પર બેસીને કરજણના નવાબજારની એ.પી.એમ.સી માર્કેટ પાસેથી પસાર થતા હતા. ત્યારે પ્રકાશ અને એક અજાણ્યો માણસ

તેમની કારમાં આવ્યા હતા. અને કારને બેફામપણે ચલાવી અચાનક ટર્ન લઇને સંજયની મોટરસાઇકલને ટકકર મારી હતી. પ્રકાશનો સંજય અને પારૂલને કચડી નાંખી મારી નાંખવાનો પ્રયાસ હતો. તેઓ બંનેને મોટરસાઇકલ પરથી પાડી દઇ ચાલુ ગાડીમાંથી ઉતરેલા પ્રકાશે સંજયને ગાળો બોલી હતી. તે મારી બૈરી સાથે લગ્ન કર્યા પછી સમાજમાં મારી ખુબ જ બદનામી થઇ છે. અને તું તથા પારૂલ ગાડી નીચે આવતા બચી ગયા છો. પણ

હવે તુ નંહી બચે હું તને આજે પતાવી દઇશ “ તેમ કહી સંજયને પાઈપની ઝાપટો મારી ઇજા પંહોચાડી હતી. સંજયે પ્રકાશના હાથમાંની પાઇપ ઝૂંટવી લેતા હવે મારા પર હુમલો કરશે. ના ભયથી પ્રકાશ ચાલુ ગાડીમાં બેસી નાસી ગયો હતો. આ અંગે

સંજયની ફરિયાદના આધારે કરજણ પોલીસે પ્રકાશ સહિત બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.