અમિત શાહના હસ્તે વૈષ્ણોદેવી ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ, CM રૂપાણી સહિતના મંત્રીઓ રહ્યાં હાજર

અમદાવાદ, તા. 21 જૂન 2021, સોમવાર
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં છે. દરમિયાન આજે તેઓ ત્રણ બ્રિજનું લોકાર્પણ કરવાના છે. જેમાંથી એક બ્રિજ વૈષ્ણોદેવી જંક્શન અને ખોડીયાર કન્ટેનર ડેપો ફ્લાય ઓવર અને એક કલોલ એપીએમસી, રેલ્વે ઓવરબ્રિજ છે. જેમાંથી ખોડીયાર કન્ટેનર ડેપો ફ્લાય ઓવરનું અમિત શાહએ લોકાર્પણ કરી દીધું છે. અન્ય બે બ્રિજનું પણ લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના વિશ્વ યોગ દિવસના દિવસે વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજ્ય પ્રધાન હાજર રહ્યાં. આ ફ્લાયઓવર 28 કરોડના ખર્ચે તૈયાર થયો છે. બ્રિજના કારણે અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટશે. આ બ્રિજ દોઢ કિલોમીટર લાંબો છે. જેના પરથી દરરોજ એક લાખ જેટલા વાહનો પસાર થશે.

આ સાથે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા ખોડિયાર ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યુ. આ બ્રિજના નિર્માણ માટે 14 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર-સરખેજ હાઈવે પર નિર્મિત વૈષ્ણોદેવી સર્કલ પરના ફ્લાય ઓવરનું લોકાર્પણ થતાની સાથે દૈનિક 1 લાખથી વધુ વાહનો અહીંથી પસાર થશે. તે તમામ નાગરિકોના સમય અને ઈંધણની બચત સાથે સુરક્ષિત પ્રવાસ મળશે અને ટ્રાફિકના પ્રશ્નો હલ થશે.
અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એસજી હાઈવે પર સરદાર પટેલ રિંગરોડના વૈષ્ણોદેવી સર્કલ પર જે ચાર રસ્તા બને છે ત્યાં સૌથી વધુ ટ્રાફિક જોવા મળે છે આવામાં પિક અવર્સમાં અહીં ટ્રાફિક વધી જતો હોય છે જેનાથી આ બ્રિજ બન્યા બાદ મુક્તિ મળી શકશે.
કોર્પોરેટ ઓફિસ અને ગાંધીનગરથી સૌરાષ્ટ્ર જતા મુસાફરો એસજી હાઈવેનો ઉપયોગ કરે છે, ત્યારે આ રોડ પરથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા ગાંધીનગરમાં બે અને પછી છેક સરખેજ સુધી તેના પર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાંથી ઘણાં બ્રિજનું કામ પૂર્ણ થઈ જતાં તેમને જાહેર જનતા માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. આ સિવાય એસજી હાઈવેને પહોળો કરવાની કામગીરી પણ ચાલી રહી છે.




