Gujarat

અમદાવાદમાં હજુ બે દિવસ 10 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળશે

By GS Team
14 Feb 20222 mins read
This article was originally published on 14 Feb 2022
અમદાવાદમાં હજુ બે દિવસ 10 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળશે

અમદાવાદ,તા.13 ફેબ્રુઆરી 2022, રવિવાર

અમદાવાદ શહેરમાં રવિવારે લઘુતમ તાપમાન ૩ ડિગ્રી ઘટીને ૧૦.૭ ડિગ્રી થઇ ગયું હતું. જેને લઇને શહેરભરમાં ખાસ કરીને પૂર્વ અમદાવાદમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ બે દિવસ સુધી અમદાવાદમાં ૧૦ થી ૧૧ ડિગ્રી સુધીનું તાપમાન રહેશે. જ્યારે દિવસ દરમિયાનનું મહતમ તાપમાન વધશે , રવિવારે દિવસે ૩૨.૪ ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું.

ફેબુ્રઆરી માસ અડધો જતો રહ્યો છતાંય અમદાવાદમાં હજુયે ૧૦ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન ઠંડા પવનો ફૂંકાતા તાપમાન  નીચે જઇ રહ્યું છે. હજુ ચારેક દિવસ પહેલા અમદાવાદમાં ૧૫ ડિગ્રી સુધીનું રાત્રિ તાપમાન હતું.  

હાલમાં દિવસે સ્થિતિ એછેકે દિવસે ગરમી લાગતા શહેરીજનોએ પંખા ચાલુ કરવા પડે છે. સાંજ થતા જ  ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. મધરાત્રે તો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. રવિવારે રાજ્યમાં સૌથી નીચુ ં તાપમાન નલિયામાં ૭.૮ ડિગ્રી રહ્યું હતું. બીજા ક્રમે અમદાવાદના પડોશી જિલ્લા ગાંધીનગરમાં ૮.૨ ડિગ્રી રહ્યું હતું  જ્યારે ત્રીજા ક્રમે ઠંડીની બાબતમાં અમદાવાદનો નંબર આવ્યો છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ માર્ચના પ્રથમ અઠવાડિયા સુધી ઠંડીનો અનુભવ રહેશે ત્યારબાદ તબક્કાવાર રીતે ઠંડી ઘટશે અને તાપમાન વધતા ગરમીનો અનુભવ થશે. એટલેકે હજુ વીસેક દિવસ શહેરીજનોએ ઠંડીનો અનુભવ કરવો પડશે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતના કારણોસર હવામાનમાં મોટાપાયે ફેરફારો જોવા મળી રહ્યા છે. શિયાળામાં વરસાદ જોયો, કરા પડયા.હાલમાં પડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદના એંધાણ છે. ત્યાં તાપમાન ઘટી રહ્યું છે. તેની અસર ગુજરાતમાં પણ થોડી ઘણી જોવા મળશે. હાલમાં સારી બાબત એ છેકે ગુજરાતમાં  સવારે ગાઢ ધુમ્મસની સ્થિતિ નથી.