પાંચ વર્ષ બાદ મ્યુનિ.તંત્ર સફાળુ જાગ્યું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી સાઈટ કાર્યરત કરાઈ

અમદાવાદ,શુક્રવાર,21 જાન્યુ,2022
વર્ષ-૨૦૧૭માં જુલાઈ મહિનામાં યુનેસ્કોની મળેલી બેઠકમાં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજજો આપવામાં આવ્યો હતો.અમદાવાદ શહેરને આ દરજજો મળ્યાને પાંચ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે.પાંચ વર્ષમાં અમદાવાદના જે કોટ વિસ્તારના ભવ્ય ઐતિહાસિક વારસા અને વિવિધ પોળોમાં આવેલા હેરિટેજ પ્રકારના રહેણાંક મકાનો મોટી સંખ્યામાં તુટી અને કોમર્શિયલ કોમ્પલેકસ બની રહ્યા છે.હેરિટેજ કેટેગરીમાં સમાવવામાં આવેલા રહેણાંક મકાનોને તોડીને કોમર્શિયલ કોમ્પલેકસમાં ફેરવી દેવામાં આવી રહ્યા છે.આ પ્રવૃત્તિને રોકવામાં નિષ્ફળ નિવડેલા મ્યુનિસિપલ તંત્ર તરફથી પાંચ વર્ષ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર વર્લ્ડ હેરિટેજ સિટી સાઈટ કાર્યરત કરવામાં આવી છે.આ બાબતને લઈ કોટ વિસ્તારમાં રહેતા રહીશોમાં એવી પણ ચર્ચા સાંભળવા મળી રહી છે કે, હેરિટેજના નામે માત્ર વાહ-વાહ મેળવવા જ મ્યુનિ.ના અધિકારીઓ દ્વારા હેરિટેજ સાઈટ શરુ કરવામાં આવી છે.બાકી હેરિટેજ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પોળમાં રહેવાની શરુઆત કરે પછી તેમને અનુભવ થશે કે પોળમાં રહેતા લોકો કેટલી અને કેવા પ્રકારની મુશ્કેલીઓ સાથે જીવન જીવી રહ્યા છે.
૧૭જુલાઈ-૨૦૧૭ના દિવસે યુનેસ્કો દ્વારા અમદાવાદ શહેરને
વૈશ્વિક હેરિટેજ શહેરનો દરજજો આપવામાં આવ્યો એ સમયે શહેરના કોટ વિસ્તાર અને આવેલી
પોળોમાં વસવાટ કરતા હજારો લોકોની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો.એ સમયે તમામ રહીશોને
એવી આશા હતી કે આવનારા સમયમાં એમને ટ્રાફિકની ગીચતા વગરના સારા રોડ
મળશે.ગેરકાયદેસર બાંધકામો થતા અટકશે.હેરિટેજનો દરજજો મળવાની તંત્ર તરફથી સારા
દવાખાના કે હોસ્પિટલ સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ પ્રકારની અનેક આશાઓ
આ નાગરિકો મનમાં રાખી રહ્યા હતા.
પાંચ વર્ષ બાદ આજે પરિસ્થિતિ શું છે? યુનેસ્કોએ જે
સમયે અમદાવાદ શહેરને વૈશ્વિક હેરિટેજ સિટીનો દરજજો આપ્યો એ સમયે કેટલીક ખાસ શરતોનું
પાલન કરવાની સાથે તેની અમલવારી કરાવવા અંગે પણ જે તે સમયે હેરિટેજ વિભાગ સાથે
સંકળાયેલા તમામ સત્તાધીશો,
અધિકારીઓ અને કાયદા બનાવનારાઓને તાકીદ પણ કરાઈ હતી કે,ભદ્ર પ્લાઝા,ત્રણ દરવાજા
આસપાસ કયાંય -કોઈપણ પ્રકારના દબાણો હોવા જોઈએ નહીં.આમ છતાં આજે ભદ્ર પ્લાઝા હોય કે
ત્રણ દરવાજા શું હાલત છે એનાથી મ્યુનિસિપલ તંત્રના તમામ અધિકારીઓ સારી રીતે વાકેફ
છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સમયે રાજયના મુખ્યમંત્રીનો
કાર્યભાર સંભાળી રહ્યા હતા એ સમયે ૩૮ કરોડથી વધુ રકમનો ખર્ચ કરી ભદ્ર પ્લાઝા
આસપાસના વિસ્તારને વિકસિત કરવામાં આવ્યો હતો.હાલમાં આ વિસ્તારમાંથી પગે ચાલીને પણ
પસાર ના થઈ શકાય એવી હાલત છે.અદ્યતન કારમાં કાચ ચઢાવી પસાર થતા અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનના હેરિટેજ વિભાગના અધિકારીઓ માત્ર એક વખત આ વિસ્તારમાં કાર લઈને કે
ચાલતા નીકળે તો વાસ્તવિક પરિસ્થિતિ કદાચ જોઈ એમની બંધ આંખો ખુલે એવી લોકોમાં ચર્ચા
સાંભળવા મળી રહી છે.
મ્યુનિ.વેબસાઈટ ઉપર હોટલ-રેસ્ટોરન્ટનો પ્રચાર
પાંચ વર્ષ બાદ વૈશ્વિક હેરિટેજ શહેરનો દરજજો જે અમદાવાદ શહેરને યુનેસ્કો દ્વારા આપવામાં આવ્યો છે.એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર વર્લ્ડ હેરિટેજ સાઈટ કાર્યરત કરવામાં આવી છે.સૌથી મોટી આઘાતજનક બાબત તો એ છે કે,આ વેબસાઈટમાં અમદાવાદ શહેરમાં આવેલી વિવિધ હોટલો અને રેસ્ટોરન્ટનો પણ સીધો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.એક તરફ હેરિટેજ અમદાવાદના ઈતિહાસને હાઈલાઈટ કરવાની વાત છે.બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર તાજેતરના વર્ષોમાં શહેરના અલગ-અલગ વિસ્તારમાં શરૃ કરવામાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટનો કયા કારણોસર પ્રચાર કરવામાં આવી રહ્યો છે? એવી ચર્ચા હેરિટેજનો વારસો જાળવી રાખવા આજે પણ મહેનત કરી રહેલા લોકોમાં ચર્ચાતી સાંભળવા મળી રહી છે.સો વર્ષ કે તેથી વધુના વર્ષથી ચાલતી હોટલ કે રેસ્ટોરન્ટનો પ્રચાર થાય એ સમજી શકાય એવી બાબત છે પરંતુ પાછલા દસ કે પંદર વર્ષમાં શરુ થયેલી હોટલો કે રેસ્ટોરન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર કાર્યરત કરવામાં આવેલી હેરિટેજ સાઈટ ઉપર કયા કારણથી પ્રમોટ કરાઈ રહી છે એ બાબત શહેરીજનોમાં ચર્ચાતી જોવા મળી રહી છે.
વોલ સિટી કોન્ઝર્વેશન પ્લાન પણ હજુ પ્રાથમિક તબકકામાં
યુનેસ્કો દ્વારા અમદાવાદને વૈશ્વિક હેરિટેજ સિટીનો દરજજો
આપવામાં આવ્યો એ વખતે વોલ સિટી કોન્ઝર્વેશન પ્લાન તૈયાર કરી સબમીટ કરવા ખાસ સુચના
આપવામાં આવી હતી.વર્ષ-૨૦૨૧માં દિલ્હીની એક સંસ્થાને આ અંગે કામગીરી થોડો સમય
સોંપાયા બાદ તંત્રને સંતોષકારક કામગીરી ના લાગતા હાલમાં વોલ સિટી કોન્ઝર્વેશન
પ્લાન મ્યુનિ.હેરિટેજ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે.જે હજુ પ્રાથમિક
તબકકામાં હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.




