Gujarat

મહેશ સવાણી કાગળનો વાઘ પુરવાર થયાં, આપનું અધ:પતન નોતર્યું

By GS Team
22 Jan 20223 mins read
This article was originally published on 22 Jan 2022
મહેશ સવાણી કાગળનો વાઘ પુરવાર થયાં, આપનું અધ:પતન નોતર્યું

પાટીદાર ચહેરો બનવા મથતા સવાણીની બાજી ઊંધી વળી

આપના નામે સરકાર-ભાજપનો કાન આમળવા સવાણીએ ધમપછાડા કર્યા પણ સી.આર. પાટીલ સામે પનો ટૂંકો પડયોે 

અમદાવાદ : ગુજરાતમાં  એક પછી એક નેતાઓ આમ આદમી પાર્ટીની વંડી ઠેકી રહ્યા છે. બની બેઠેલા મહેશ સવાણી જેવા નેતાએ સંગઠનને મજબૂત કરવાને બદલે માત્ર વ્યક્તિગત રાજકીય ઘેલછા-સ્વાર્થ સાધતા આજે આપનું અધ:પતન થવા જઇ રહ્યુ છે.

સામાજીક કામોના સહારે આપમાં નેતા બનેલા મહેશ સવાણીને પાટીદાર ચહેરો બનવા ની રાજકીય લોલુપતા હતી પણ જનપ્રતિસાદ જ સાંપડયો નહી પરિણામે તેઓ માત્ર કાગળનો વાઘ સાબિત થયા હતાં.

ખુદ કાર્યકરો જ તેમને પક્ષમાંથી રૂખસત આપવાના મતમાં હતાં ત્યારે સ્થિતી પારખી સવાણીએ જ આપમાંથી રાજકીય વિદાય લઇ લીધી હતી જે ચર્ચાનો વિષય બન્યો છે. આમ આદમી પાર્ટીમાં પ્રદેશ નેતૃત્વ સામે સવાલ સર્જાયો છે કેમકે, ગ્રામ પંચાયતથી માંડીને નગરપાલિકાની ચૂંટણીમાં ઝાઝો પ્રતિસાદ સાંપડયો નથી.

ગાંધીનગરપાલિકાની ચૂંટણીમાં તો આપની ભૂંડી હાર થઇ હતી જેથી કાર્યકરો પ્રદેશ પ્રમુખ ઇટાલિયા, મહેશ સવાણી, ઇસુદાન ગઢવી સહિતના ગણ્યાં ગાંઠયા નેતાઓ સામે આંગળી ચિંધી રહ્યા છે. તેમાંય વળી રાજકીય પ્રસિધ્ધી મેળવવાની લ્હાયમાં કમલમમાં તોડફોડ કરનારાં આપના નેતાઓએ ગુજરાતની જનતાએ જાકારો આપ્યો.

એટલું જ નહીં, મહેશ સવાણીએ આમરણાંત ઉપવાસ કર્યાં તો ચકલુંય ફરક્યુ નહીં. ખુદ આપના કાર્યકરોએ આવ્યાં નહી. આ જોતાં મહેશ સવાણીને રાજકીય હેસિયતનો અંદાજ આવી ગયો હતો. આખરે બિમારીનું નાટક કરીને હોસ્પિટલમાં પારણાં કરવાનો રાજકીય ડ્રામા કરવો પડયો હતો. 

કેજરીવાલ સાથે રાજકીય ઘરોબો કેળવીને આપના નેતા બની બેઠેલા મહેશ સવાણીએ સરકાર અને ભાજપના કાન આમળવા ખુબ જ ધમપછાડા કર્યા હતાં જેથી ગોઠવણ પાડીને ધંધાકીય લાભ મેળવી શકાય. પણ તેમની આ રાજકીય કારી ચાલી શકી નહીં.  ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે સવાણીનો રાજકીય પનો ટૂંકો પડયો હતો જેનો તેમને અંદાજ સુધ્ધાં આવી ચૂક્યો હતો.

આખરે તેમણે પરિવારને સમય આપી શકતો નથી, સામાજીક કામોનું બહાનુ ધરીને પક્ષ છેડો ફાડી લેવા મન બનાવ્યુ હતું. સાથે સાથે પાટીદાર ચહેરો બનવા માટે પણ જાતિવાદનું રાજકારણ પણ ખેલ્યુ હતું પણ ખુદ પાટીદાર સમાજે સવાણીને સ્વિકાર્યા ન હતાં.  હવે જયારે જન પ્રતિસાદ જ મળી રહ્યો નથી ત્યારે મહેશ સવાણી સહિત આપના નેતાઓ કમલમના દરવાજે માથુ ટેકવુ પડે તેવી  પરિસ્થિતી નિર્માણ થઇ છે.

તેનું કારણ છેકે, આપના નેતાઓની હવે પિપુડી વાગે તેમ નથી. એટલું જ નહીં, આ સ્થિતી રહી તો ગુજરાતમાં આપનું નામુ નંખાઇ જશે તે વાત નક્કી છે. આ જોતાં ગાયક કલાકાર વિજય સુંવાળાએ તો કેસરી કંઠી ય ધારણ કરી લીધી છે. હજુ ઘણાં આપના નેતાઓ સામે ચાલીને કેસરિયો ખેસ ધારણ કરવા તૈયાર છે.

ભાજપ સરકારના મોં-ફાટ વિરોધ કરનારાં મહેશ સવાણી છેલ્લા કેટલાંય વખતથી રાજકીય વગ આધારે ગાંધીનગરમાં એક આઇએએસ અધિકારીના બંગલામાં રહેતાં હતાં પણ તે અધિકારીની કેન્દ્રમાંથી ગુજરાત બદલી થતા સવાણીએ બંગલો ખાલી કરી દેવો પડયો હતો.

સવાણીએ ઉદ્યોગપતિ-બિઝનેસમેન છે જેથી તેમને સરકાર-ભાજપ સાથે દુશ્મની કરવી મોંઘી પડી પડી શકે છે તેવો ખ્યાલ આવતાં તેઓએ મજબૂરીમાં રાજકીય સંન્યાસ લેવો પડયો છે. આમ છતાંય આજે નહીં તો કાલે ભાજપ સામે નાકલીટી તાણ્યા સિવાય છૂટકો નથી.