Gujarat

નારોલ-પિરાણા રોડ પરથી 6500 લિટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો

By GS Team
27 Feb 20222 mins read
This article was originally published on 27 Feb 2022
નારોલ-પિરાણા રોડ પરથી 6500 લિટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો

દાણીલીમડા પોલીસે દરોડો પાડતા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો

બહારથી બાયોડીઝલ મંગાવીને ઉપયોગમાં લેવા માટે વેચાણ થતું હતું : સાત લોકોની ધરપકડ

અમદાવાદ : શહેરના નારોલ વિસ્તારમા દાણીલીમડા પોલીસે બાતમીને આધારે દરોડો પાડીને બાયોડીઝલનો ગેરકાયદેસર સંગ્રહ કરીને તેને સ્થાનિક ટ્રક ચાલકોને વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરીને મુખ્ય આરોપીઓ સહિત સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી 6500 લિટર બાયોડીઝલ, ટેન્કર સહિત કુલ રૂપિયા 17 લાખની મત્તા જપ્ત કરી છે.

આરોપીઓ દ્વારા છેલ્લાં છ માસથી બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતુ હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. દાણીલીમડા પોલીસનો સ્ટાફ શનિવારે સાંજના સમયે નારોલ પીપળજ હાઇવે  પર પેટ્રોલીગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે એડવાન્સ ફેક્ટરી પાછળ આવેલા એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો સ્ટોક કરીને સ્થાનિક વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે.

જેના આધારે  પોલીસે તપાસ કરતા પોલીસને ગોડાઉનમાંથી પાંચ ટાંકી મળી આવી હતી અને એક ટેન્કરમાંથી બાયોડીઝલ ખાલી કરવામાં આવતું હતું. જેથી પોલીસે આ અંગે અન્ન અને નાગરિક  પુરવઠા નિયંત્રણ કચેરીથી અધિકારીઓને જાણ કરી હતી અને અધિકારીઓએ તમામ પ્રવાહી બાયોડીઝલ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. 

પોલીસે  સ્થળ પરથી  ગોડાઉનના સંચાલકો મહંમદવાહીદ શેખ , મહંમદસઇદ શેખ (ંબંને રહે.કુત્બેઆલમ  સોસાયટી,  વટવા) ,  મંહમદ નૌશાદ શેખ (મહેર રૉ હાઉસ,  દાણીલીમડા) સહિત સાત લોકોની ધરપકડ કરીને  પુછપરછ હાથ ધરી હતી.

પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ બહારથી બાયોડીઝલ મંગાવીને  ગોડાઉનમાં સ્ટોર કરતા હતા. જ્યાંથી ટ્રાન્સપોર્ટર્સને ટ્રકમાં ઉપયોગ કરવા માટે છેલ્લાં છ મહિનાથી ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હતા.