Gujarat

અમદાવાદની 15 ફ્લાઇટ 1થી 4 કલાક મોડી પડી, મુસાફરોને હાલાકી

By GS Team
20 Nov 20212 mins read
This article was originally published on 20 Nov 2021
અમદાવાદની 15 ફ્લાઇટ 1થી 4 કલાક મોડી પડી, મુસાફરોને હાલાકી

અમદાવાદ-ગોવા ફ્લાઇટ સાંજે 6:55ને બદલે રાત્રે 10:55 વાગે રવાના થઇ

અમદાવાદ : અમદાવાદના સરદાર વલ્લભાઇ પટેલ એરપોર્ટને સાંકળતી 15 ફ્લાઇટને 1 કલાકથી વધુના વિલંબનો સામનો કરવો પડયો છે. જેમાં અમદાવા-ગોવા ફ્લાઇટ સૌથી વધુ 4 કલાક મોડી પડતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-ગોવાની  સ્પાઇસ જેટ ફ્લાઇટ સાંજે 6:55ને સ્થાને રાત્રે 10:55ના રવાના થઇ હતી. ટેક્નિક્લ ખામીને પગલે આ વિલંબ થયો હોવાનું સામે આવ્યું છે. ફ્લાઇટમાં વિલંબને પગલે અનેક મુસાફરોના આયોજન ખોરવાયા હતા.

સ્પાઇસ જેટની જ ગોવા-અમદાવાદ ફ્લાઇટને 3.50 કલાકનો વિલંબ થયો હતો. આ ફ્લાઇટ રાત્રે 11ને સ્થાને રાત્રે 2:50ના અમદાવાદ આવી હતી. આ સિવાય સ્પાઇસ જેટની જ બાગડોગરા-અમદાવાદને અઢી કલાકનો વિલંબ થયો હતો. આ ફલાઇટ સાંજે 6:15ને સ્થાને રાત્રે 8:45ના અમદાવાદ આવી હતી.

આજે સ્પાઇસ જેટની 9 અને ગો ફસ્ટની 6 ફ્લાઇટ 1 કલાકથી વધુ મોડી પડી હતી. શિયાળો પ્રભુત્વ જમાવશે તેમ આવનારા સમયમાં ઉત્તર ભારતની ફ્લાઇટને ધૂમ્મસને કારણે વધુ વિલંબનો સામનો કરવો પડી શકે છે.

અમદાવાદની કઇ ફ્લાઇટના શેડયૂલ વધુ ખોરવાયા

સ્પાઇસ જેટ : ગોવા-અમદાવાદ 3.50 કલાક, દિલ્હી-અમદાવાદ 2.25 કલાક, બાગડોગરા-અમદાવાદ 2.23 કલાક, પટણા-અમદાવાદ 2.20 કલાક,અમદાવાદ-ગોવા 3.55 કલાક,અમદાવાદ-દિલ્હી 2.25 કલાક, અમદાવાદ-અમૃતસર 1.15 કલાક, અમૃતસર-અમદાવાદ 1 કલાક, દિલ્હી-અમદાવાદ 1.20 કલાક.

ગો ફસ્ટ : ગોવા-અમદાવાદ 1.10 કલાક, દિલ્હી-અમદાવાદ 1.55 કલાક, અમદાવાદ-દિલ્હી 2 કલાક, દિલ્હી-અમદાવાદ 2.16 કલાક, ચંદીગઢ-અમદાવાદ 1 કલાક, અમદાવાદ-ગોવા 1.10 કલાક