હાઇવે પર નાઇટ ડ્રાઇવિંગ: સામેથી આવતી ગાડીઓની લાઇટથી આંખોને આ રીતે બચાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Temporary Glare Blindness : રાતના સમયે નેશનલ કે સ્ટેટ હાઇવે પર વાહન ચલાવવું એ અતિશય મુશ્કેલ અને જોખમી કામ સાબિત થાય છે, ખાસ કરીને ત્યારે જ્યારે સામેથી આવતા વાહનો સતત તેજ 'હાઇ-બીમ' (High-Beam) લાઇટ પર જ ચાલતા હોય. સામેથી આવતો આ તીવ્ર પ્રકાશ વાહનચાલકની આંખો સામે ક્ષણભર માટે પૂરેપૂરું અંધારું લાવી દે છે, જેને તબીબી ભાષામાં 'ટેમ્પરરી ગ્લેર બ્લાઇન્ડનેસ' (Temporary Glare Blindness) કહેવામાં આવે છે. આ સ્થિતિમાં ચાલક ગભરાઈ જાય છે, જેના કારણે ગંભીર માર્ગ અકસ્માતો સર્જાવાની શક્યતા વધી જાય છે.
પરંતુ, ડ્રાઇવિંગ દરમિયાન કેટલીક નાની પરંતુ અત્યંત મહત્ત્વની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આ અંજાવી દેતા પ્રકાશથી આંખોને બચાવી શકાય છે. નાઇટ ડ્રાઇવિંગ વખતે પોતાને સુરક્ષિત રાખવા માટે આ સરળ અને અસરકારક ઉપાયો અપનાવવા જરૂરી છે:
- રસ્તાની ડાબી બાજુની સફેદ પટ્ટી (White Line) પર નજર ટકાવો
જ્યારે પણ સામેથી કોઈ વાહન હાઇ-બીમ લાઇટ સાથે આવે, ત્યારે તેની હેડલાઇટ સામે સીધું જોવાની ભૂલ ક્યારેય ન કરો. તેના બદલે, તમારી નજર રસ્તાની ડાબી બાજુ આપેલી સફેદ કે પીળી પટ્ટી (Road Edge Line) પર ટકાવી રાખો. આનાથી આંખો પર સીધું દબાણ નહીં આવે અને તમે તમારી સાઇડ વિઝન (પરીઘીય દૃષ્ટિ) વડે કારને સાચી દિશામાં સુરક્ષિત રીતે ચલાવી શકશો. - એન્ટી-ગ્લેયર ચશ્મા અને સ્વચ્છ વિંડશીલ્ડનો ઉપયોગ કરો
જો તમારે અવારનવાર રાત્રે લાંબા અંતરની મુસાફરી કરવાની થતી હોય, તો 'એન્ટી-રિફ્લેક્ટિવ કોટિંગ'(Anti-glare)વાળા ચશ્મા પહેરીને જ ડ્રાઇવિંગ કરવાનો આગ્રહ રાખો. આ ચશ્મા સામેથી આવતી સફેદ કે પીળી તીવ્ર લાઇટની અસરને નોંધપાત્ર રીતે ઘટાડે છે. ઉપરાંત, ગાડીની વિંડશીલ્ડ (આગળનો કાચ) અને કાચને હંમેશા એકદમ સાફ રાખો; કાચ પર જમા થયેલી ધૂળ અને સ્ક્રેચ પ્રકાશને વધુ ફેલાવે છે જેનાથી અંધાપો વધુ અનુભવાય છે. - કેબિન લાઇટ બંધ રાખો અને રિયર-વ્યુ મિરર (IRVM) ડિમ કરો
કારની અંદરની લાઇટ ચાલુ રાખવાથી બહારનું અંધારું વધારે ઘેરું લાગે છે, તેથી નાઇટ ડ્રાઇવિંગ દરમિયાન કેબિન લાઇટ હંમેશા બંધ રાખવી જોઈએ. આ ઉપરાંત, પાછળથી આવતા વાહનોની લાઇટથી બચવા માટે તમારી કારના અંદરના રિયર-વ્યુ મિરર (IRVM)ને 'નાઇટ મોડ' (Night Mode) પર સેટ કરો અથવા ઓટો-ડિમિંગ ફીચર ઓન રાખો, જેથી પાછળનો પ્રકાશ આંખોમાં ન વાગે. - ડીપર(Pass Light)નો ઉપયોગ કરો અને થાક લાગે તો બ્રેક લો
સામેથી આવતા ચાલકનું ધ્યાન દોરવા માટે તમારી ગાડીની લાઇટને એક-બે વાર 'ડીપર' (Pass Light) આપો, જેથી તે સમજીને પોતાની લાઇટ 'લો-બીમ' પર કરી લે. જો તેજ લાઇટને કારણે તમારી આંખોમાં ભારે તણાવ, બળતરા કે થાક અનુભવાય, તો રિસ્ક લીધા વગર ગાડીને કોઈ સુરક્ષિત પેટ્રોલ પંપ અથવા ઢાબા પર રોકી દો. આંખો પર ઠંડા પાણીની છાલક મારી 10થી 15 મિનિટનો વિરામ લો અને આંખોને આરામ મળ્યા પછી જ આગળ મુસાફરી શરૂ કરો.









