Lifestyle & Fashion

ઝઘડા-વિવાદથી બચીને સન્માન મેળવવું હોય તો ચાણક્યની 5 વાતો મગજમાં બેસાડી લો!

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
આચાર્ય ચાણક્ય અનુસાર, જીવનમાં 5 એવી પરિસ્થિતિઓ છે જ્યાં મૌન રહેવું જ સૌથી મોટી સમજદારી છે. ગુસ્સામાં, જાહેરમાં અપમાન થાય ત્યારે, જ્યાં તમારી વાતની કિંમત ન હોય, કોઈ અંગત જીવનમાં દખલ કરે ત્યારે, અને અધૂરી જાણકારી હોય ત્યારે ચૂપ રહેવું હિતાવહ છે. મૌન સંબંધો અને સન્માનનું રક્ષણ કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝઘડા-વિવાદથી બચીને સન્માન મેળવવું હોય તો ચાણક્યની 5 વાતો મગજમાં બેસાડી લો!

Chanakya Niti Silence : આજના ભાગદોડ ભરેલા જીવનમાં આપણે સૌ એવું વિચારીએ છીએ કે દરેક વાતનો જવાબ આપવો ખૂબ જ જરૂરી છે. આપણને એવું લાગે છે કે જો આપણે ચૂપ રહીશું તો લોકો આપણને નબળા સમજી લેશે. પરંતુ, આચાર્ય ચાણક્ય આ બાબતે બિલકુલ વિપરીત સલાહ આપે છે. ચાણક્ય નીતિ અનુસાર, જીવનમાં ઘણા એવા અવસરો આવે છે જ્યાં ચુપ રહેવું જ તમારું સૌથી મોટું હથિયાર સાબિત થાય છે. વગર વિચારે બોલવું તમારા માન-સન્માન અને સંબંધોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. આચાર્ય ચાણક્યના મતે એવી પાંચ મુખ્ય પરિસ્થિતિઓ કઈ છે જ્યાં ચૂપ રહેવું જ સૌથી મોટી સમજદારી ગણાય છે.

જ્યારે મન કે મગજમાં ખૂબ ગુસ્સો હોય

ગુસ્સો માનવીનો સૌથી મોટો શુત્રુ છે. ગુસ્સાની સ્થિતિમાં વિચારવા-સમજવાની શક્તિ સંપૂર્ણપણે નાશ પામે છે. આવી અવસ્થામાં મોંમાંથી એવા શબ્દો નીકળી જાય છે જેનો પાછળથી પસ્તાવો કરવો પડે છે. ચાણક્યનું સ્પષ્ટ માનવું છે કે અત્યંત ગુસ્સાની સ્થિતિમાં હંમેશાં ચૂપ રહેવું જોઈએ. શાંત થયા પછી જ તમે કોઈપણ પરિસ્થિતિને વધુ સારી રીતે સંભાળી શકો છો.

જ્યારે જાહેરમાં તમારું અપમાન થઈ રહ્યું હોય

કોઈપણ ભીડભાડવાળી કે સાર્વજનિક જગ્યાએ અપમાનિત થવું કોઈને પણ ગમતું નથી. આવી સ્થિતિમાં તરત જ વળતો જવાબ આપવાની કે લડવાની ઇચ્છા થાય છે. પરંતુ, જાહેરમાં તુરંત પ્રતિક્રિયા આપવાથી વિવાદ વધુ ઉગ્ર બની શકે છે. આવી નાજુક પરિસ્થિતિમાં સંયમ જાળવીને શાંતિથી ત્યાંથી નીકળી જવું એ જ સાચી બુદ્ધિમાની છે.

જ્યાં તમારી વાતની કોઈ જ કિંમત ન હોય

જો તમે એવી જગ્યાએ છો જ્યાં લોકો તમારી વાત સાંભળવા તૈયાર જ નથી, તો ત્યાં દલીલો કરવામાં પોતાની ઊર્જા બિલકુલ બગાડવી નહીં. મૂર્ખ કે અસમજદાર લોકોને સાચી વાત સમજાવવાની કોશિશ કરવી એટલે સમયનો વ્યય કરવો. આવી જગ્યાએ ચુપ રહેવું જ તમારા આત્મ-સન્માનની યોગ્ય રક્ષા કરે છે.

જ્યારે કોઈ તમારી અંગત જિંદગીમાં દખલ કરે

આજના સમયમાં ઘણા લોકો અન્ય લોકોની પર્સનલ લાઇફમાં દખલ કરવાનું પસંદ કરતા હોય છે. આવા લોકો અક્ષરસઃ તમને ઉશ્કેરનારા સવાલો પૂછતા હોય છે. ચાણક્ય નીતિ શીખવે છે કે તમારી અંગત બાબતો ક્યારેય દરેક વ્યક્તિ સામે ખુલ્લી ન કરવી. આવા લોકોના સવાલો પર મૌન રહેવું કે વાતને ટાળી દેવી એ જ સુરક્ષિત રહેવાનો શ્રેષ્ઠ રસ્તો છે.

જ્યારે તમને કોઈ વિષયની પૂરી જાણકારી ન હોય

ઘણા લોકો પૂરતી હકીકત જાણ્યા વગર જ પોતાના અભિપ્રાયો આપવા લાગે છે, જે પાછળથી મોટી મુસીબતનું કારણ બને છે. જો તમને કોઈપણ વિષય કે ઘટનાની સંપૂર્ણ જાણકારી ન હોય, તો તેના પર ક્યારેય અપરિપક્વ પ્રતિક્રિયા ન આપવી. અધૂરું જ્ઞાન હંમેશાં જોખમી હોય છે, તેથી એવી સ્થિતિમાં ફક્ત ચૂપચાપ સાંભળવું જ ડહાપણ છે.