શાકમાં મીઠું વધી જાય તો શું કરવું? અહીં જાણો સૉલ્ટ લેવલમાં લાવવા માટે શું કરવું જોઈએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (AI IMAGE) |
Excess Salt Remove: રસોઈ બનાવવી એ પણ એક કળા છે, જેમાં મસાલાનું સંતુલન જળવાય તો જ સ્વાદ ખીલી ઉઠે છે. ઘણીવાર ઉતાવળમાં કે ધ્યાન ભટકવાને કારણે શાક કે ગ્રેવીમાં મીઠું વધારે પડી જતું હોય છે. વધારે પડતું મીઠું માત્ર સ્વાદ જ નથી બગાડતું, પણ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે, જેનાથી હાઇ બ્લડ પ્રેશર અને પેટની સમસ્યાઓ થઈ શકે છે. જો તમારી સાથે પણ આવું થાય, તો ગભરાવાની જરૂર નથી. રસોડામાં હાજર કેટલીક વસ્તુઓની મદદથી તમે વધારાના મીઠાને સરળતાથી શોષી શકો છો.
બટેટાનો ઉપયોગ કરો
સૌથી જૂનો અને અસરકારક ઉપાય બટાકાનો ઉપયોગ છે. જો રસાવાળા શાકમાં મીઠું વધી ગયું હોય, તો એક બાફેલું બટાકું મેશ કરીને અથવા તેના ટુકડા કરીને નાખી દો. બટાકા વધારાનું મીઠું શોષી લે છે અને ગ્રેવીને ઘટ્ટ બનાવી સ્વાદમાં વધારો કરે છે.
લોટના લૂવાનો ઉપયોગ
તેવી જ રીતે, વર્ષો જૂનો નુસખો લોટની ગોળીઓ(લૂવા) છે. ઘઉંના લોટની નાની ગોળીઓ બનાવીને શાકમાં થોડીવાર પકવો અને પછી તેને કાઢી લો, આનાથી મીઠાનું પ્રમાણ ઘટી જશે.
ક્રીમ અથવા દહીંનો ઉપયોગ કરો
જો તમે ગ્રેવીવાળું શાક બનાવી રહ્યા હોવ, તો તેમાં ફ્રેશ ક્રીમ અથવા દહીં ઉમેરવું એક શ્રેષ્ઠ વિકલ્પ છે. દહીં ઉમેર્યા પછી શાકને ધીમી આંચ પર થોડીવાર પકવવાથી મીઠું બેલેન્સ થઈ જશે અને ગ્રેવી વધુ ટેસ્ટી લાગશે.
ટમેટાની પ્યુરી કે ડુંગળીની પેસ્ટ ઉમેરો
આ ઉપરાંત, જો ગ્રેવી ઓછી લાગતી હોય અને મીઠું વધારે હોય, તો ટમેટાની પ્યુરી કે ડુંગળીની પેસ્ટ સાંતળીને ઉમેરી શકાય છે. તેનાથી શાકનું પ્રમાણ વધશે અને મીઠું લેવલમાં આવી જશે. આ નાની પણ ઉપયોગી ટ્રિક્સ અપનાવીને તમે બગડેલી રસોઈને ફરીથી લજ્જતદાર બનાવી શકો છો.




