Lifestyle & Fashion

કાર લઈને લોંગ ડ્રાઈવ પર જાવ છો? મુસાફરીમાં ફસાઈ ન જાઓ તે માટે સાથે રાખો આ 5 લાઈફ સેવિંગ ટૂલ્સ!

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
લાંબી કાર મુસાફરી દરમિયાન અણધારી પરિસ્થિતિઓથી બચવા, યાત્રીઓએ 5 અત્યંત જરૂરી સુરક્ષા સાધનો સાથે રાખવા જોઈએ. રાત્રિ ડ્રાઇવિંગ માટે નાઇટ વિઝન ગ્લાસ, વાહન ફસાય ત્યારે ટો અને જમ્પર કેબલ, આગ સામે રક્ષણ માટે ફાયર એક્સટિંગ્વિશર, અકસ્માતમાં બહાર નીકળવા વિન્ડશીલ્ડ હેમર/સીટબેલ્ટ કટર અને પંચર કિટ સાથે ટાયર ઇન્ફ્લેટર રાખવાથી સલામત યાત્રા સુનિશ્ચિત થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાર લઈને લોંગ ડ્રાઈવ પર જાવ છો? મુસાફરીમાં ફસાઈ ન જાઓ તે માટે સાથે રાખો આ 5 લાઈફ સેવિંગ ટૂલ્સ!

Pack Essential Road Trip Gear: મોટાભાગના લોકો જ્યારે કાર લઈને લાંબી મુસાફરી પર નીકળે છે ત્યારે સામાન્ય રીતે ખાવા-પીવાની ચીજો, પાણીની બોટલ, ડ્રાઇવિંગ લાયસન્સ અને ગાડીના દસ્તાવેજો જેવી બાબતોનું જ ધ્યાન રાખતા હોય છે. જોકે, દૂર-સુદૂરના વિસ્તારોમાં મુસાફરી દરમિયાન અણધારી ટેકનિકલ ખામીઓ કે કટોકટીની પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. આવા સમયે જો જરૂરી સુરક્ષા સાધનો પાસે ન હોય અને નજીકમાં કોઈ મદદ પણ ન મળે તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોઈપણ અણધારી ઈમરજન્સી સામે રક્ષણ મેળવવા માટે તમારી કારમાં આ 5 મહત્ત્વપૂર્ણ વસ્તુઓ હોવી અનિવાર્ય છે:

નાઇટ વિઝન ગ્લાસ

લાંબા અંતરની મુસાફરી દરમિયાન ઘણીવાર રાત્રે વાહન ચલાવવાની ફરજ પડે છે. રાત્રિ ડ્રાઇવિંગ વખતે સામેથી આવતા વાહનોની હાઈ-બીમ લાઈટ્સના કારણે વિઝિબિલિટી ઘટી જાય છે. આ પરિસ્થિતિમાં કારમાં નાઇટ વિઝન ગ્લાસ વાપરવા જોઈએ. આ ચશ્મા આંખો પર પડતા તીવ્ર પ્રકાશને રોકીને રોડ પર સ્પષ્ટ વિઝિબિલિટી જાળવી રાખે છે અને રાત્રિ ડ્રાઇવિંગને સરળ તથા સલામત બનાવે છે.

ટો કેબલ અને જમ્પર કેબલ

સફર દરમિયાન વાહન અચાનક ટેકનિકલ ખામીને કારણે બંધ પડી જાય અથવા કાદવ-કીચડ કે રેતીમાં ફસાઈ જાય તેવી સ્થિતિ સામાન્ય છે. આવી કટોકટીમાં અન્ય કોઈ વાહનની મદદથી કારને ખેંચીને બહાર કાઢવા માટે મજબૂત ટો કેબલ હોવી ખૂબ જરૂરી છે. આ સાથે જ બેટરી ડાઉન થઈ જવાના સંજોગોમાં ગાડી શરૂ કરવા માટે જમ્પર કેબલ પણ સાથે રાખવી જોઈએ.

નાનું કાર ફાયર એક્સટિંગ્વિશર

લાંબા પ્રવાસમાં એન્જિન વધુ પડતું ગરમ થવાથી કે વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે વાહનમાં અચાનક આગ લાગવાનું જોખમ રહે છે. આવી કટોકટીની પરિસ્થિતિને તાત્કાલિક કાબૂમાં લેવા માટે કારના કેબિનમાં સરળતાથી હાથ પહોંચી શકે તેવી જગ્યાએ એક નાનું કાર ફાયર એક્સટિંગ્વિશર ચોક્કસપણે રાખવું જોઈએ.

વિન્ડશીલ્ડ હેમર અને સીટબેલ્ટ કટર

નાના કે મોટા અકસ્માત બાદ ઘણીવાર કારના દરવાજા જામ થઈ જાય છે અથવા પાવર વિન્ડો લોક થઈ જતાં મુસાફરો અંદર ફસાઈ જાય છે. આવા સમયે કાર એસ્કેપ ટૂલ તરીકે વિન્ડશીલ્ડ હેમર અને કટર અત્યંત ઉપયોગી બને છે. આ ટૂલની મદદથી તાત્કાલિક કાચ તોડી શકાય છે અને જામ થઈ ગયેલી સીટબેલ્ટને ઝડપથી કાપીને બહાર નીકળી શકાય છે.

પંચર કિટ સાથે ટાયર ઇન્ફ્લેટર

હાઇવે કે નિર્જન રસ્તાઓ પર ટાયર પંચર થવું અથવા ટાયરમાંથી હવા ઓછી થઈ જવી એ સૌથી સામાન્ય સમસ્યા છે. ઘણીવાર આસપાસ કોઈ પંચર બનાવવાની દુકાન પણ મળતી નથી. આવા સમયે ટ્યુબલેસ પંચર રિપેરિંગ કિટ અને 12V પોર્ટેબલ ટાયર ઇન્ફ્લેટર (હવા ભરવાનું મશીન) સૌથી વધુ ઉપયોગી સાબિત થાય છે, જેનાથી તમે જાતે જ ટાયર રિપેર કરી હવા ભરી શકો છો.