માતા-પિતાની નાની ભૂલ બાળકને બનાવી શકે છે બીમાર, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Childhood Obesity in India 2026: દરેક માતા-પિતા પોતાના સંતાનોના ઉછેરમાં કોઈ કમી રાખવા નથી માંગતા, પરંતુ બાળકોના સ્વાસ્થ્યને લઈને હાલમાં જ એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. 'વર્લ્ડ ઓબેસિટી એટલાસ 2026'ના અહેવાલ મુજબ, ભારતમાં બાળકોમાં મેદસ્વીતાની સમસ્યા અત્યંત ઝડપથી વધી રહી છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારત હવે ચીન પછી વિશ્વમાં બાળપણના મેદસ્વીતાના મામલે બીજા ક્રમે પહોંચી ગયું છે. હાલમાં ભારતમાં અંદાજે 4.1 કરોડ(41 મિલિયન) બાળકો આ ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, જે ભવિષ્યમાં મોટા સ્વાસ્થ્ય સંકટની ચેતવણી આપી રહ્યા છે.
બદલાતી લાઈફસ્ટાઈલનું જોખમ
આ સમસ્યા માટે બાળકોની બદલાતી લાઇફસ્ટાઇલ અને ખાણીપીણીની આદતો મુખ્યત્વે જવાબદાર છે. રિપોર્ટ અનુસાર, ઘણીવાર માતા-પિતા અજાણતા જ કેટલીક એવી ભૂલો કરે છે જે બાળકોના સ્વાસ્થ્ય પર ભારે પડે છે. જંક ફૂડ ખવડાવવાની આદત, વધુ પડતો સ્ક્રીન ટાઈમ(મોબાઈલ-ટીવી) અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ બાળકોને રોગો તરફ ધકેલી રહ્યો છે. નિષ્ણાતોના મતે, જો સમય રહેતા ધ્યાન આપવામાં નહીં આવે તો આ બાળકો નાની ઉંમરમાં જ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત ગંભીર બીમારીઓનો શિકાર બની શકે છે. ઘણા બાળકોમાં તો અત્યારથી જ આવી ક્રોનિક બીમારીઓના લક્ષણો જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: Me Time: હંમેશા સાથે રહેવું જ પ્રેમ નથી, સંબંધોને બચાવવા માટે પર્સનલ સ્પેસ પણ જરૂરી
બાળકોને ફિટ રાખવાના સરળ ઉપાયો
આ ગંભીર પડકારનો સામનો કરવા માટે માતા-પિતાએ જાગૃત થવું અત્યંત જરૂરી છે. બાળકોને ઘરનો બનેલો પૌષ્ટિક આહાર આપવો જોઈએ અને બહારના જંક ફૂડથી દૂર રાખવા જોઈએ. ડાયટમાં ફળો અને શાકભાજીનું પ્રમાણ વધારવાની સાથે સાથે બાળકો રોજ ઓછામાં ઓછું એક કલાક ઘરની બહાર મેદાનમાં રમે તે પણ એટલું જ મહત્ત્વનું છે. આ ઉપરાંત, બાળકોની ઊંઘ અને દિનચર્યાનો સમય ચોક્કસ રાખવાથી તેમની બોડી એક્ટિવ રહે છે અને તેઓ મેદસ્વીતાના જોખમથી બચી શકે છે.









